મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ચાલું કરાયેલી ધન્વંતરિ હોસ્પિટલમાં રિક્ષામાં લાવેલા દર્દીને દાખલ ન કરાતા પિતાએ 100 નંબર પર ફરિયાદ કરી હતી. મોડી રાત્રે લગભગ 12:30ના સુમારે 30 કિલોમીટર દૂર અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પોતાના 24 વર્ષના દીકરાને રિક્ષામાં લઈને એક પિતા હોસ્પિટલ આવ્યા હતા. જેમણે ગેટ પર રહેલા સિક્યુરિટી સ્ટાફ અને પોલીસ કર્મીઓને ખૂબ આજીજી કર્યા પછી પણ હોસ્પિટલમાં એન્ટ્રી નહીં મળતાં 100 નંબર પર ફોન કરીને જાણ કરી હતી. પરંતુ લગભગ 15-20 મિનિટ પછી પણ પોલીસ નહીં આવતા તેઓ દીકરાની સારવાર માટે હોસ્પિટલની શોધમાં નીકળી પડ્યા હતા. 

જોકે એક સારી વાત એ પણ છે કે, લોકો પોતાના હક બાબતે જાગૃત થયા છે અને આ હોસ્પિટલના સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. હવે જોવાનું એ રહ્યું કે, કંટ્રોલરૂમને આવા કેટલા કોલ મળે છે અને શું એક્શન લેવાય છે. એમ કરવાથી પણ તંત્રની અંદર માનવતા જાગે તો સારું. 


 

 

 

 

 

ત્યાં અન્ય એક ખાનગી એમ્બ્યૂલન્સ પણ દર્દીને લઈને આવી હતી. જેને પણ એવું કહેવામાં આવ્યું હતું કે, 108માં લઈને આવો. જ્યારે 108માં બેથી ત્રણ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે અને એમ્બ્યૂલન્સમાં રહેલા માજી ઓક્સિજન પર હતાં અને કંઈ પણ થઈ શકે એમ ન હોવાથી તેઓ પણ સારવારની શોધમાં બીજે નીકળી ગયા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે, આ લોકો સારવાર મેળવવા માટે આજીજી કરતા હતા તે દરમિયાન બે 108 એમ્બ્યૂલન્સ દર્દીને લઈને હોસ્પિટલમાં પ્રવેશી હતી. જેનો મતલબ એ હતો કે હોસ્પિટલમાં જગ્યા અને સુવિધા બંને હતું.

આ મુદ્દે કોઈપણ જવાબદાર અધિકારી જવાબ આપવાને બદલે છૂપાઈને બેસી ગયા છે. પણ 108 સિવાય દર્દીને દાખલ નહીં કરવાનો નિયમ કોણે બનાવ્યો તેનો જવાબ આપતાં હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમના IAS ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, "અમને સરકારનો આદેશ છે, અમને સરકાર કહે એમ જ કરવાનું હોય છે." ત્યારે ત્યાં હાજર રહેલી ભીડમાં લોકોનો રોષ અનુભવી શકાતો હતો. લોકો સરકાર અને વહીવટી અધિકારીઓને ખુબ ભાંડી રહ્યા હતા, પણ તેમનો આક્રોશ કોઈ યોગ્ય પરિણામ સુધી પહોંચ્યો ન્હોતો, કારણ કે છેલ્લે તો તેમના સ્વજનની હાલત જેમની તેમ જ હતી, તેમનો આક્રોશ જોઈને પણ કોઈ એક્શન મોડમાં આવે તેમ ન્હોતું.