ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : ભગવાનની આસ્થાપૂર્વક પ્રાર્થના કરી કોરોનામાંથી બહાર આવેલા ભારતીય નાગરિકોએ, દેશભરમાં ૧૮થી ૨૨ કેરેટના ૧થી ૮ ગ્રામ સુધીના સોનાના લક્ષ્મી-ગણપતિ, એકલા લક્ષ્મીજી, એકલા ગણપતિની મૂર્તિ, મંગલસૂત્ર, અને વિટીની આજે ધનતેરસના દિવસે સૌથી વધુ ખરીદી કરીને ભગવાનનો શુભમંગલ આભાર માન્યો હતો. ઇંડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (ઈબજા)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે આજના સપરમાં દિવસે દેશભરના જ્વેલરો, ઓનલાઈન ટ્રેડરો, ગોલ્ડબોન્ડ, ઇટીએફ સહિતના તમામ માધ્યમોમાં સોનાના વેચાણના અહેવાલોને આધારે કહી શકાય કે બેવર્ષના કોરોનાકાળ પછી એક જ દિવસમાં સોનાના વેચાણના તમામ વિક્રમો તૂટી ગયા છે.
અમારું અનુમાન છે કે મોડી રાતે પૂરા થતાં તમામ શુભ મુહૂરતોમાં મળીને સાંજે ચારવાગ્યા સુધી મળેલા દેશભરના આંકડાને આધાર બનાવીને જોઈએ તો રૂ. ૨૦,૦૦૦ કરોડના ૩૫થી ૪૦ ટન સોનાના વેચાણનો કાચો અંદાજ બાંધી શકાય. સુરેન્દ્ર મહેતા કહે છે કે કેટલાય રોકાણકારોએ ઑક્ટોમ્બરના આરંભે નીચા ભાવ નિર્ધારિત કરીને ખરીદી કરી હતી તેમણે આજે ડિલિવરી લીધી હતી. છેલા એકાદ મહિનામાં ભાવ ૧૦ ગ્રામે રૂ. ૨૦૦૦ વધ્યા છે. આજે કેટલાય ગ્રાહકોએ રૂ. ૧૦૦ ટોકન આપીને પોતાની ખરીદી કરી, ડિલિવરી સમયના ભાવના સોદા પણ ગોઠવ્યા હતા. સામાન્ય રીતે રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં સરેરાશ ૧૦ ટકા સોના-ચાંદીને સ્થાન આપતા હોય છે. પણ આજના અને આગામી લગનસરા અને તહેવારોમાં મળીને આ ટકાવારી વધીને ૧૨થી ૧૫ ટકા સુધી પહોંચી જવાનું અનુમાન છે.
અલબત્ત, મુંબઈના પ્રતિસ્થિત દાનાભાઈ જ્વેલર્સના અશોક મિનાવાલા ઉક્ત આંકડાઓ સાથે સહમત નહીં થતાં કહે છે કે એમાં કોઈ શંકા નથી કે આ વર્ષે ધનતેરસમાં ગ્રાહકોની ફૂટપ્રિન્ટ (દુકાનમાં ગ્રાહક પ્રવેશ) અભૂતપૂર્વ છે, પણ સોનાનું વેચાણ અક્ષય તૃતીયાએ ૮ ટન થયું હતું તો, ધનતેરસે તે વધીને ૧૦થી ૧૨ ટન થઈ શકે છે. ઉમેદમલ ત્રિલોકચંદ જ્વેલર્સના કુમાર જૈન કહે છે કે અમારું માનવું છે કે અર્થતંત્રની વૃધ્ધિ અપેક્ષા કરતાં વધુ ઝડપી હોવા સાથે ભાવ પ્રમાણમાં નીચા રહેતા એકલા મુંબઇમાં માંગમાં ૩૦ ટકાનો વધારો સંભવિત બન્યો છે. સવારે ૯.૦૭ વાગ્યે શરૂ થયેલા ધનતેરસના શુભ મૂહરતો રાતના ૧૨ વાગ્યા સુધી ચાલનાર હોવાથી ઝવેરી-બજાર મોડી રાત સુધી ધમધમતી રહેશે.
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન આશિષ પેઠે કહે છે કે શ્રાદ્ધપક્ષ પછીથી અપેક્ષા કરતાં વધુ ખરીદી જોવા મળી રહી છે. ૩૦ સપ્ટેમ્બરે સોનાના ભાવ ઘટીને રૂ. ૪૫,૮૫૧ (આજે રૂ. ૪૭,૯૦૦) થયા ત્યારથી જ માંગમાં વધારો જોવાઈ રહ્યો છે. અમારા અનુમાન મુજબ ૨૦૧૯ના ધનતેરસ કરતાં આજે માંગ વધારો ૨૦થી ૨૫ ટકા જેટલો વધુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સોમસુંદરમ પીઆર કહે છે કે કોવિદ-૧૯ પછીથી આ વર્ષે તહેવારો અને લગ્નસરામાં લોકો વધુ ઊંચાદરે સોનું ખરીદી રહ્યાનો અનુભવ જોવાયો છે.
દેશભારની જ્વેલરી કંપનીઓ ઘનતેરસથી દિવાળી અને લગનસરા સુધી ગ્રાહકો આકર્ષવા, ડિસ્કાઉન્ટ અને ભેટ યોજનાઓ લઈ આવ્યા છે તેની પણ બજાર પર અસર જોવાઈ રહી છે. ટાટા જૂથની તાનીશ્ક ૨૦ ટકા, પીસી જાવેલર્સ ૩૦ ટકા મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ કંપની હીરા અને સોનાના દાગીના પર પ્રતિ ગ્રામ રૂ. ૨૨૫ ઘડામણ ડીકાઉન્ટ આપ્યું છે. દક્ષિણની જોયલૂકાસ એ રૂ. ૨૫૦૦૦ના હીરા, અન કટ હીરા અને કીમતી જ્વેલરીની ખરીદી પર રૂ. ૧૦૦૦નું ગિફ્ટ વાઉચર ઓફર કર્યું છે.
ઓનલાઈન ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન એ આજે ઘનતેરસ સ્ટોરનું ઉદ્ઘાટન કરીને ગોલ્ડ સિલ્વર કોઈન, જ્વેલરી, ડિજિટલ ગોલ્ડ સહિત ઈલેક્ટ્રોનિક્સ પૂજા સામાનની આખી રેન્જ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી હતી. જેમણે બજારની ગરદી પસંદ નથી તેવા ગ્રાહકો માટે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સોનું ખરીદવાની સુવિધા ગૂગલ-પે, પેટીએમ, પેફોન, સેફ ગોલ્ડ, એમએમટીસી પીએએમપી, તાનીશ્ક, એરટેલ પેમેન્ટ બેંક, ભારત પે જેવી સંસ્થાઓએ કરી આપી હતી. આવી ખરીદી પછી ગ્રાહક ગમ્મે ત્યારે ફિઝિકલ ડિલિવરી લઈ શકે તેવી વ્યવસ્થા પણ ઓફર કરાઇ હતી.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)