મેરાન્યૂઝ નેટવર્ક.ધનસુરાઃ ધનસુરાના વડાગામના રાવળ વાસમાં નરાધમ પુત્રે તેની પત્નીને તેડી લાવવા જેવી સામાન્ય બાબતમાં તેના માતા-પિતા પર બેરહેમી પૂર્વક કપડાં ધોવાના ધોકા વડે હુમલો કરતા ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પિતાના માથાના ભાગે ધોકાનો ઘા કરતા પિતા ઘર વચ્ચે ફસડાઈ જતા ઘરમાં જ મોતને ભેટ્યા હતા. માતાના શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ધનસુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પુત્રએ પિતાની હત્યા કરતા સનસનીખેજ ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી હત્યારા પુત્રને ઝડપી પડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

વડગામમાં રાવળ વાસમાં રહેતા અને કડિયાકામ કરી જીવનિર્વાહ ચલાવતા નાનજી ભાઈ ઉકળ ભાઈ વસાવા (ઉં.વર્ષ- ૭૨) તથા તેમના પત્ની સવિતા બેન (ઉં.વર્ષ- ૭૦) તેમના પુત્રો સાથે રહેતા હતા તેમના બીજા નંબરના પુત્ર અશ્વિન વસાવાના લગ્ન કરાવ્યા પછી ચાર બાળકોનો પિતા બન્યા પછી તેના ઝગડાળુ સ્વભાવના પગલે પત્ની રિસાઈને ૪ બાળકો સાથે પિયર જતી રહેતા અશ્વિનને તેના માતા-પિતાએ પુત્રવધુને તેડી લાવવા દબાણ કરતા અશ્વિન અચાનક ઉશ્કેરાઈ જઈ કપડાં ધોવાના ધોકા વડે બેરહેમી પૂર્વક માતા-પિતા પર તૂટી પડતા તેના પિતા નાનજી ભાઈ ઉકળ ભાઈને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થઈ હતી.

ધોકાના ફટકા મારતા ઘર વચ્ચે લોહીલુહાણ હાલતમાં તેઓ ફસડાઈ જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેની માતા સવિતાબેનના શરીરે પણ ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુ થી દોડી આવેલા લોકોએ અને નાના દિકરા રાજુભાઈ સવિતા બેનને સારવાર અર્થે દવાખાને ખસેડી ધનસુરા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી મૃતક નાનજીભાઈની લાશને પીએમ માટે ખસેડી હત્યારા પુત્રને ઝડપી પાડ્યો હતો. ધનસુરા પોલીસે રાજુભાઈ નાનજીભાઈ વસાવાની ફરિયાદના આધારે અશ્વિન નાનજીભાઈ વસાવા સામે ઇપીકો કલમ- ૩૦૨, ૩૨૩, તથા જીપીએકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.