મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્ર લોકડાઉનની અમલવારી માટે સતત પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી  ખડેપગે રહીને અમલવારી કરાવવા મથામણ કરી રહી છે. જિલ્લા પોલીસે સરકારની ગાઈડલાઈન ૭૯ એક્સ આર્મીમેનની લોકડાઉનની અમલવારી માટે પોલીસતંત્રની મદદે પહોંચતા જિલ્લાના વિવિધ મહત્વના સ્થળોએ નિવૃત આર્મી જવાનોને ફરજ સોંપવામાં આવી છે. ધનસુરા ચાર રસ્તા પર લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવા જતા નિવૃત લશ્કરી જવાને સ્થાનિક કાર ચાલકને માસ્ક પહેરવા બાબતે અને બિનજરૂરી અવર જવર ન કરવા માટે જણાવતાં કારચાલક ભડકી ગયો હતો અને સામાન્ય બોલાચાલી પછી મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે કેટલાક સ્થાનિક લોકો દોડી આવતા નિવૃત આર્મી જવાનો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા તંગદિલી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા મયુર પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
           
અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ લોકો લૉકડાઉનનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. તો અમુક જગ્યા પર લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જીલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા પોલીસતંત્ર અને આર્મી જવાનોએ લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે કમર કસી છે છતાં અમુક લોકો લોકડાઉનનું ઉલ્લઘન કરી કોરોનની ગંભીરતા સમજ્યા વગર વાહનો લઈ રખડપટ્ટી કરતા નજરે પડી રહ્યા છે ધનુસરા નગરમાં લોકડાઉનની અમલવારીની ફરજ દરમિયાન નિવૃત્ત આર્મી જવાન પંકજભાઈ જેશીંગભાઈ પટેલ ધનસુરા સત્યમ કોમ્પલેક્સ આગળથી પસાર થઈ રહેલી કાર (ગાડી.નં-જી.જે.૩૧.સી.બી.૭૧૧૧) ને  રોકી ચાલકને બિનજરૂરી ન ફરવા તેમજ માસ્ક પહેરવા જણાવ્યું હતું. જેના પગલે કાર ચાલક તેમજ તેમાં સવાર અન્ય વ્યક્તિ જવાનને અપમાનિત શબ્દો બોલી ફેંટ પકડી જવાન પાસેની લાકડી લઈ ફરજ પરના જવાનને ડાબા પગે સાથળના ભાગ ઉપર ફટકારી દીધી હતી. જેના પગલે નિવૃત્ત આર્મી જવાને ધનસુરા પોલીસ મથકમાં અવધેસકુમાર સુરેસચંદ્ર પટેલ, મીત વસંતભાઈ ચૌધરી અને તેઓની મદદગારી કરનાર રાજેશભાઈ કાન્તીભાઈ પટેલ (તમામ રહે.ધનસુરા) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.