મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ આઝાદીના ૭૧ વર્ષ પછી પણ અરવલ્લી જીલ્લામાં વિકાસની ગતિ અટવાઈ પડી છે. અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના નામે ફક્ત વાયદાઓ થતા રહ્યા છે, વહીવટી તંત્ર કે રાજકીય અગ્રણીઓ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે દુર્લક્ષ સેવતા પરિસ્થિતિ જ્યાંને ત્યાં જોવા મળી રહી છે. ધનસુરા તાલુકાના કોલવડા ગામે વર્ષો જૂની સિંચાઇની માંગણી અને ત્રણ ગ્રામ્ય વિસ્તારને જોડાતા માર્ગોનું નિર્માણ નહીં થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી કે ગામમાં કોઈ પણ રાજકીય પાર્ટીએ પ્રચાર કરવા પ્રવેશ કરવો નહીં તે સાથે પ્રવેશ બંધી ફરમાવતા રાજકીય પક્ષોમાં હલચલ મચી હતી.

ધનસુરાના કોલવડા ગામની વર્ષો જૂની સિંચાઇની માંગણી બાબતે તંત્ર અન્યાય કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાજનોએ જીલ્લા અધિક કલેક્ટર આર.જે વલવીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે નર્મદા નદીમાંથી એસકે-૨ યોજના અંતર્ગત જળાશયો અને તળાવો ભરવાની જાહેરાત કરાઈ છે. આ યોજના હેઠળ પાઈપલાઈન પસાર થતા વિસ્તારના બે કિમી વિસ્તારમાં આવતા તળાવો ભરવાની સરકારે મંજૂરી આપી છે, પરંતુ કોલાવડાના તળાવને લીંકથી પાણી ભરવાથી વંચિત રાખ્યું છે. તેમજ નાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો ન હોવાથી ખેડૂતોની હાલત દયનિય બની છે. ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

કોલવડા ગામને જોડતા શાંતિપુરા, શિકા કંપા અને મલેકપુર ગામ સુધીના રસ્તા કાચા હોવાથી ડામર રોડ બનાવવા વારંવાર રજૂઆતને પણ જવાબદાર તંત્ર આંખ આડે કાન કરતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

લોકસભા ચૂંટણીને એક મહિના જેટલો સમય હોવાથી પ્રચાર પ્રસાર માટે આવતા રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં ના બેનર લાગવાની સાથે કોઈપણ રાજકીય પાર્ટીના કાર્યકરો કે ઉમેદવારો ગામમાં પ્રવેશ કરશે તો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી ગામની રહેશે નહીંની ચીમકી ઉચ્ચારાતા વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનોમાં ચિંતા પેદા થઈ હતી.

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં