પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.વડોદરા): કોરોના જેવી મહામારીમાં સગાવાલા અને મિત્રોના ધંધાને ધ્યાનમાં રાખીને જે કાંઈ થયું તેના કારણે લાખો લોકોની જીંદગી દાવ પર લાગી ગઈ. કોરોનાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય ત્યારે રાજકોટના ઉદ્યોગપતિ દ્વારા નિર્મિત ધમણ વેન્ટીલેટર ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલમાં ગોઠવવામાં આવ્યા, પરંતુ આ ધમણ નિષ્ફળ છે તેવા સરકારી હોસ્પિટલના ડોક્ટર્સના આરોપ પછી ધમણનો ઉપયોગ નહીં થાય તેવો સરકારે દાવો કર્યો હતો, પરંતુ વડોદરા એસએસજી હોસ્પિટલમાં લાગેલી આગમાં ધમણ વેન્ટીલેટર જ કારણભૂત હોવાનું બહાર આવતા હવે અધિકારીઓ આ વાતને છૂપાવવા ધમપછાડા કરી રહ્યા છે.

રાજકોટના ઉદ્યોગપતિ દ્વારા નિર્મિત ધમણ વેન્ટીલેટર રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં ગોઠવવામાં આવ્યા હતા. જોકે કોરોનાની સારવાર કરતાં તબીબોએ જ્યારે આરોપ મુક્યો કે આ ધમણ કોરોનાના દર્દીઓની સારવાર માટે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગના અધિક અગ્રસચિવ જયંતિ રવિએ સરકારનો બચાવ કરતાં કહ્યું હતું કે, ધમણ વેન્ટીલેટર દાનમાં મળેલા છે સરકારે તેના માટે કોઈ ખર્ચ કર્યો નથી.

ધમણ દાનમાં મળ્યા હોય તો પણ તેના ઉપર સામાન્ય માણસની જીંદગી નિર્ભર હતી. સરકારની ફરજ હતી કે કોરોના સામે લડતા દર્દીઓને બચાવવા જરૂરી અતિઆધુનિક વેન્ટીલેટર મુકવામાં આવે. સરકારે દાવો કર્યો હતો કે હવે હોસ્પિટલમાંથી ધમણ હટાવી લેવામાં આવ્યા છે, પરંતુ વડોદરાની એસએસજી હોસ્પિટલના આઈસીયુ યુનિટમાં લાગેલી આગએ સરકારના તમામ દાવા અને બેદરકારીની પોલ ખોલી નાખી છે. અમારી પાસે જે તસવીર આવી છે તેમાં વડોદરાના આઈસીયુ યુનિટમાં આગની શરૂઆત ધમણ વેન્ટીલેટરમાંથી જ થઈ હતી. હવે જોવાનું રહ્યું કે, સરકારના ઈશારે ધમણને બચાવવા સરકાર પોતાની આબરૂ કેટલી દાવ પર લગાડે છે. સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળતી હોવાનો દાવો કરતી ભાજપ સરકારના એક પણ અધિકારી કે ભાજપ નેતાઓ જો આ વોર્ડમાં હોત તો ભાજપ આ જ પ્રકારનો બચાવ કરતું? તેવો પ્રશ્ન તેમણે પોતાની જાતને કરવો જોઈએ.