પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતની કાયદો અને વ્યવસ્થા કેવી સંભાળવી  સંપુર્ણ વિષય ગુજરાતના ડીજીપી શીવાનંદ ઝાને પરંતુ રોજ નવા પરિપત્ર કોના હિતમાં લેવામાં આવે છે તે ગુજરાતના પોલીસ અધિકારીઓ સમજી શકતા નથી. ગુજરાતની કાગળીય દારૂબંધી માટે ગુજરાતમાં પ્રવેશવાના તમામ રસ્તા ઉપર પોલીસની નાકાબંધી હતી. આ નાકાબંધી કેટલી  કારગર હતી તે કહેવું મુશ્કેલ છે છતાં નાકાબંધીને કારણે બુટલગરો અને ગુનેગારને  સમખાવા પુરતો ભય લાગતો હતો, ભરણ આપી ગુજરામાં દારૂ ઘુસા઼ડતા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સેલવાસ, દીવ અને દમણમાંના બુટલેગરો વગર ભરણે ઘુસી શકતા ન્હોતા, ક્યારેક નાકાવાળા માંગેલો કેસ પણ કરતા હતા.

પણ હવે ડીજીપીના આદેશથી બુટલેગરોને જલ્સા પડી ગયા છે, જ્યારે 31 ડિસેમ્બર સામે છે ત્યારે ગુજરાતમાં દારૂની ટ્રકો ઠાલવવાનો મોકો મળી ગયો છે. જો કે બુટલેગરો પોલીસ કરતા પ્રમાણિક છે નાકાઓ હટયા પણ તેઓ  પોતાનું નક્કી કરેલું ભરણ ચોક્કસ મોકલી આપશે, જો કે તે કોના કોના ખીસ્સામાં જશે તેની ખબર નહીં કારણ આ પ્રકારના નિર્ણય પાછળ કોઈને તો ફાયદો થવાનો છે તે કોને થશે તે કહેવાની જરૂર નથી. જો કે સ્ટેટ મોનીટરીંગ સેલનું કામ બધી રીતે વધી જશે આમ ગુજરાતને દારૂનું ગોડાઉન બનાવવાનો નિર્ણય હોય તેવું લાગી રહ્યું છે.

જો કે આશ્ચર્ય તે બાબતનું છે કે એક તરફ નાકાઓ ખુલ્લા મુકી દારૂ આવી શકે તેવી વ્યવસ્થા ઊભી થઈ બીજી તરફ ડીજીપી ઓફિસના પરિપત્ર પ્રમાણે હવે એ્ક સપ્તાહ સુધી પોલીસે દારૂ પીનારને પકડવાની ઝુંબેશ શરૂ કરવાની છે. આમ દારૂ વેચનાર કરતા પીનાર ઉપર પોલીસનું ધ્યાન કેન્દ્રીત છે. જો કે કંઈ વાંધો નહીં, બુટલેગરમાં થતુ નુકશાન પોલીસ પીનાર પાસેથી વસુલ કરશે પણ ડીજીપી આ પ્રકારના નિર્ણય કેમ કરે છે તેનો જવાબ તો પ્રજા પુછી શક્તી નથી પણ જો સમય હોય તો ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પુછી શકે છે, એ પણ જો તેમની ઈચ્છા હોય તો...