અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): શિવાનંદ ઝા ડીજીપી બન્યા બાદ પોલીસ રિફોર્મના ઘણા નિર્ણયો તેમણે લીધા છે. ડીજીપીએ તેમની ચેમ્બરમાં તેમને મળવા આવતા પોલીસ અધિકારીઓ માટે એક એવો નિર્ણય કર્યો કે અધિકારીઓ તેની પ્રશંસા કરી રહ્યા છે. શિવાનંદ ઝાની ચેમ્બરમાં પ્રવેશતા પહેલા પોલીસ અધિકારીઓએ તેમની કેપ અને બેટન (હાથની સ્ટીક) તેમની ચેમ્બરની બહાર મુકીને જ અંદર જવાનું રહેશે તેવો નિર્ણય લીધો છે.

પોલીસ ભવનમાં ડીજીપીની ચેમ્બરમાં હમણા સુધી જેટલા પણ પોલીસ અધિકારીઓ ડીજીપીને મળવા આવતા હતા. કે મીટીંગ કરવા માટે આવતા હતા. તેમને તેમની કેપ અને બેટન સાથે રાખવી પડતી હતી. ડીજીપીને સલામ માર્યા બાદ કેપ અને બેટન પોતાની પાસે જ સાચવવી પડતી કે ટેબલ પર મુકવી પડતી હતી. જેના કારણે પોલીસ અધિકારીઓને તકલીફ પડતી હતી. જોકે શિવાનંદ ઝાએ તેમના ચેમ્બરમાં પ્રવેશતા પોલીસ અધિકારીઓને કેપ અને બેટન સાથે લઈને અંદર જવા કરતાં બહાર બનાવેલા કેપ એન્ડ બેટન સ્ટેન્ડ પર મુકીને અંદર પ્રવેશવાનો નિર્ણય કર્યો છે.

નિવૃત્ત ડીજીપીઓના ફોટોગ્રાફ નીચે કેપ એન્ડ બેટન સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેન્ડ પર જ પોલીસ અધિકારીઓએ તેમની કેપ અને બેટન મુકવાની રહેશે અને ત્યાર બાદ ડીજીપીની ચેમ્બરમાં તેઓ પ્રવેશ લેશે.

ડીફેન્સમાં અને પેરા મિલિટ્રી ફોર્સમાં ઉચ્ચ અધિકારીઓની ચેમ્બર બહાર આવા સ્ટેન્ડ બનાવવામાં આવેલા છે. ડીજીપી શિવાનંદ ઝાએ ગુજરાતના પોલીસ અધિકારીઓ માટે પણ આવું જ સ્ટેન્ડ બનાવડાવ્યું છે. પોલીસ ભવનના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર ડીજીપીના ચેમ્બરની ઉપર છત્તને કારણે અધિકારી કેપ કે બેટન પોતાની સાથે ન રાખે તો ચાલે પરંતુ છત્ત ન હોય તો તે રાખવું ફરજિયાત છે.