પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ગાંધીનગર): છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસમાં અડધો ડઝન પોલીસ અધિકારીઓએ પોતાના સર્વિસ વેપનથી આત્મહત્યા કરી હતી. તા. 17 સપ્ટેમ્બર 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીની મુલાકાતે હતા તે જ વખતે પોલીસ સબ ઈન્સપેક્ટર એમ સી ફિણવિયાએ અન્ય અધિકારીની સર્વિસ પિસ્ટલથી કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ મામલે ડીજીપી ઓફીસ દ્વારા તપાસ સોંપવામાં આવી હતી.

કાયદો અને વ્યવસ્થાનો હવાલો સંભાળતા આઈજીપી નરસિમ્હા કોમારે રાજ્યના તમામ એસપી અને પોલીસ કમિશનરોએ પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, પીએસઆઈ ફિણવિયા આત્મહત્યા પ્રકરણમાં આવેલા તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે કે ફિણવિયા તણાવમાં રહેતા હતા અને તેના કારણે તે આત્મહત્યા કરવા પ્રેરાયા હતા. આથી તમામ શહેર જિલ્લા અને વિવિધ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તણાવમાં રહે નહીં અને તણાવ મુક્ત ફરજ બજાવે તે માટે સ્ટ્રેસ રિલિવિંગ પ્રોગ્રામ યોજવામાં આવે તે જરૂરી છે.

આમ ગુજરાતનું પોલીસ દળના કામના વધુ કલાકો અને કામના વધુ પડતા ભારણને કારણે દબાણમાં હોવાનું હવે સિનિયર અધિકારીઓ માની રહ્યા છે. જોકે સ્ટ્રેસ રિલિવિંગ પ્રોગ્રામની સાથે અધિકારીઓ અને જવાનો જે કારણસર તણાવનો ભોગ બને છે તે બાબતને પણ વિચારણામાં લેવી એટલી જ જરૂરી છે.

(PSI ફિણવિયા મામલે અગાઉનો અહેવાલ અહીં વાંચોઃ મોદીના કાર્યક્રમ વખતે આપઘાત કરનાર PSIના CCTV આવ્યા સામે, સુસાઇડ નોટ ગાયબ કર્યાનો ભાઈનો આક્ષેપ)