મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: એક તરફ રાજયના અનેક પોલીસ સ્ટેશનો પોલીસ ઈન્સપેક્ટર્સની ખાલી જગ્યાને કારણે પોલીસ સબઈન્સપેક્ટર્સ દ્વારા ચલાવવા પડે છે, બીજી તરફ રાજયમાં ખાલી પડેલી 535 પોલીસ ઈન્સપેક્ટર્સની જગ્યા ભરવા માટે ડીજીપી ઓફિસ દ્વારા નાણા વિભાગ પાસે મંજુરી માંગતા નાણા વિભાગે કહ્યુ અમારી પાસે 400 ઈન્સપેક્ટર્સને પગાર આપવાની વ્યવસ્થા છે. જેના કારણે સિનિયોરીટી લીસ્ટમાં હોવા છતાં પોલીસ સબ-ઈન્સપેક્ટર્સની બઢતી અટકાવી શકાય તેવી કવાયત ડીજીપી ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેક્ટર્સને ઈન્સપેકટર તરીકે બઢતી આપવાનો મુદ્દો લાંબા સમયથી અટવાઈ રહ્યો છે. જેમાં સૌથી પહેલુ કારણ પીએસઆઈનું સિનિયોરીટી લીસ્ટ હતું. ડીજીપી ઓફિસ દ્વારા જે સિનિયોરીટી લીસ્ટ બનાવવામાં આવ્યું તેની સામે પીએસઆઈનો વાંધો હતો, તેમની દલીલ હતી કે, તાલીમ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી તેના રેંકને ધ્યાનમાં લીધા વગર લીસ્ટ તૈયાર થયું છે. જે મામલો ગુજરાત હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો, હવે  હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી મળતા ડીજીપી ઓફિસ દ્વારા ઈન્સપેકટરની બઢતી આપી ખાલી પડેલી 535 જગ્યા ભરવાનો નિર્ણય કર્યો હતો.

પોલીસ સબ ઈન્સપેકટરમાંથી ઈન્સપેકટર થનાર તમામનો પગાર વધી જતો હોવાને કારણે ડીજીપી ઓફિસ દ્વારા નાણા વિભાગ પાસે નાણા જોગવાઈ માટે મંજુરી માંગી હતી, પરંતુ નાણા વિભાગે ડીજીપી ઓફિસને જાણ કરી કે હાલમાં રાજ્યની તીજોરીને ધ્યાનમાં લેતા 400 સબ ઈન્સપેક્ટર્સને જ તેઓ પોલીસ ઈન્સપેકટરનો પગાર આપી શકે તેમ છે.

આમ ડીજીપી 535 જગ્યા ભરવા માગે છે પણ નાણા વિભાગ કહે છે કે તેમની પાસે નાણાકીય જોગવાઈ 400 ઈન્સપેક્ટર્સને પગાર આપી શકાય તેમ છે. આમ 135 સબ ઈન્સપેક્ટર્સ નાણાકીય જોગવાઈના અભાવે ઈન્સપેકટર થઈ શકે તેમ નથી. જો આ મામલે જેમને બઢતી મળતી નથી તેવા ઈન્સપેક્ટર્સ કોર્ટમાં જાય તો મામલો વધુ ગુંચવાય તેના કારણે ડીજીપી ઓફિસે વચલો રસ્તો શોધી કાઢયો છે.

ડીજીપી ઓફિસમાં ફરજ બજાવતા આઈજીપી નરસિંમ્હા કોમર દ્વારા તમામ ડીએસપી અને પોલીસ કમિશનરો તા 22 ઓગષ્ટના રોજ પત્ર લખી જાણ કરી છે કે તેમના તાબામાં જે સબઈન્સપેક્ટર્સ બઢતી મેળવવાને હકદાર છે તેમની સામે ફોજદારી અને એસીબીના કોઈ કેસ પડતર હોય તેમજ તેમની સામે કોઈ તપાસ પડતર હોય તો ્અત્રેની કચેરીને તા 24મી ઓગષ્ટ સુધી જાણ કરવી આમ જેમની સામે પડતર કેસ છે તેવા પોલીસ ઈન્સપેક્ટર્સ  પડતર  તપાસના કારણસર બઢતીથી વંચિત રહી જશે.

ગુજરાત પોલીસમાં આઈપીએસ અને નાના પોલીસ અધિકારી માટ નિયમના ત્રાંજવા અલગ અ્લગ હોય છે, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અનેક આઈપીએસ અધિકારી સામે ફોજદારી કેસ અને ખાતાકીય તપાસ પડતર હોવા છતાં તેમને મળવા પાત્ર પ્રમોશન સમયસર મળી ગયા છે, પરંતુ જયારે નાના પોલીસ અધિકારીના પ્રમોશનનો વખત આવે ત્યારે ડીજીપી ઓફિસ એદકમ નિયમોને વળગી ચાલે છે આમ આ વખતે પણ પ્રમોશનમાં અનેક સબઈન્સપેક્ટર્સ કેસ પડતર છે તેવા કારણસર પ્રમોશનની યાદીમાંથી બહાર નિકળી જશે.