મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાતમાં ચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ કોર્ટ દ્વારા દ્વારા પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા અને પૂર્વ એસ.પી. ડૉ. એન.કે. અમીનને તાજેતરમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેથી હવે કેટલાક એનજીઓ અને સંગઠનો દ્વારા આ બંને પૂર્વ અધિકારીઓની રેલી તથા જાહેર સન્માન કાર્યક્રમ આગામી 19 મે ને રવિવારના રોજ અમદાવાદમાં આયોજીત કરવામાં આવ્યો છે.

ડી.જી. વણઝારા અને એન. કે. અમીનની રેલી તથા સન્માન સમારંભનું આયોજન વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાભાવી સંગઠનો, એનજીઓ અને ટ્રસ્ટ દ્વારા એક જાહેર નાગરિક સન્માન સમિતિ બનાવી કરવામાં આવી રહ્યું છે. જેમાં કરણી સેના પણ સામેલ છે.

આમંત્રણ પત્રિકામાં જણાવ્યા અનુસાર ગુજરાતને આતંકમુક્ત કરનારા, રાષ્ટ્રવાદી, દેશભક્ત, ડી.જી. વણઝારા અને એન.કે. અમીનનો જાહેર સન્માન સમારંભ રવિવારે તા. 19 મે 2019ના રોજ વીર મંગલ પાંડે હોલ, શિરોમણી બંગ્લોઝ પાસે, નિકોલ, અમદાવાદ ખાતે યોજાશે.     

આ માટે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન બાઇક રેલી યોજાશે. બાઇક રેલીનો રૂટ કુશાભાઉ ઠાકરે હોલથી સીટીએમ ચાર રસ્તા, વીર ભગતસિંહ સ્ટેચ્યુ, મદ્રાસી મંદિર, અનુપમ સિનેમા સર્કલ, લક્ષ્મીનારાયણ ચાર રસ્તા, ભાઇપુરા સિદ્ધિવિનાયક ચોક, હાટકેશ્વર સર્કલ, સ્વસ્તિક ચાર રસ્તા, નાગરવેલ હનુમાન સંજય ચોક, શિવાનંદનગર, રામાપીર ચોક, રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા, કાકા ભાજીપાઉ, હરભોળાનાથ સોસાયટી, ખટીક ચોક, રામરાજ્યનગર ચાર રસ્તા, સોનીની ચાલી ચાર રસ્તા, વિરાટનગર ચાર રસ્તા, વિરાટનગર રોડ, કેનાલ ક્રોસ કરીને 100 ફૂટ રોડ થઇને વીર મંગળ પાંડે હોલ ખાતે જશે.

આ બાઇક રેલીમાં ઠેરઠેર મંદિરો દ્વારા, ધાર્મિક સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ડી.જી. વણઝારા અને એન.કે. અમીનને સન્માનીત કરવામાં આવશે. જ્યાર બાદ બપોરે 1:30થી 4 વાગ્યા સુધી હોલમાં સન્માન કાર્યક્રમ યોજાશે.