મેરાન્યૂઝ નેટવર્ક.દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળિયા નજીક સ્થનિક ગુન્હા શોધક શાખાએ લાલપુર ચોકડી પર દરોડો પાડી એક બિન ગુજરાતી ટ્રકમાંથી રૂપિયા ૪૪ લાખની કિમતનો ૯૧૮ પેટી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે એક સ્થાનિક સખ્સને પકડી પાડ્યો હતો જયારે અન્ય એક સખ્સ અંધકારનો લાભ લઇ નાશી ગયો હતો. આરોપીઓએ દારૂ ઘુસાડવા નવતર પ્રયોગ કર્યો હતો છતાં પણ પોલીસની નજરથી બચી શક્યા ન હતા. આ પ્રકરણમાં મુંબઈ અને સ્થાનિક બુટલેગરો સહીત નવ સખ્સોની સંડોવણી ખુલવા પામી છે.  

ખંભાળિયા તાલુકા મથક નજીક લાલપુર ચોકડી પાસેથી વિદેશી દારુ ભરેલ ટ્રક પસાર થવાનો હોવાની ચોક્કસ હકીકતના આધારે એલસીબીએ વહેલી સવારે અંધકારમાં જ વોચ ગોઠવી હતી, જેમાં સંકાસ્પદ હાલતમાં પસાર થતા આર જે ૪૦ જીઈ ૦૯૩૭ નંબરના ટ્રકને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ટ્રક ચાલકે ટ્રક બેરીકેટ પર ચઢાવી દઈ પુર જડપે હંકારી જવાનો પ્રયાસ કર્યો હતો. છતાં પણ પોલીસે પીછો કરી ટ્રંકને આંતરી લીધો હતો અને ટ્રકની તલાસી લીધી હતી જેમાં ટ્રક ઉપર ભરેલ પશુ આહારની નીચેથી રૂપિયા ૪૪,૦૬૦૦૦ની કિમતનો ૯૧૮ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાં સવાર વેજા ભોરાભાઈ શામળાને દબોચી લીધો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહીત રૂપિયા ૫૯,૨૯,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી હતી, દરોડા દરમિયાન ટ્રકનો ચાલક અંધકારનો ફાયદો ઉઠાવી નાશી ગયો હતો. જયારે આરોપી વેજાની પોલીસે ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી, જેમાં દારૂનો જથ્થો ભાણવડ તાલુકાના રાણપર ગામના કુખ્યાત બુટલેગર બધા ભોરા રબારી અને અરજણ આલા રબારીએ મુંબઈના પવનકુમાર નામના સખ્સ પાસેથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ટ્રકને આગળ પાછળ ત્રણ સખ્સો મોટર સાયકલથી પાઈલોટીંગ કરી દોરી જતા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે ઉપરોક્ત સખ્સો ઉપરાંત બાલુ બધા રબારી, ભોજા જેશા રબારી, ધેલુ જગા રબારી અને રાજુ આલા રબારી તેમજ ટ્રક ચાલક સહિતના સખ્સોને ફરાર જાહેર કરી પકડાયેલ સખ્સના રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.