મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના હર્ષદ ગાંધવી નજીક આવેલી એક ડેમ  સાઈટ પર રાત્રે કુંજ પક્ષીનો શિકાર કરતી એક ટોળકીના બે સભ્યોને પકડી લેવાયા છે. જ્યારે ભાગવા જતા પટકાયેલા એક શિકારીનું મૃત્યુ થયું છે. આ શિકારી ટોળકીએ રાત્રે ડેમ સાઈટ પર વિરામ કરતી હતી. કુંજ પક્ષીઓ પૈકી ૩૯ કુંજના શિકાર કરી લીધા હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક વન તત્રએ આ શિકારી ટોળકી સામે ફરિયાદ નોધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી  છે. 

ભાટીયા પાસેના હર્ષદ-ગાંઘવી ગામ પાસે આવેલ મેઢા ક્રિક ડેમ નજીક ત્રણ શિકારીઓ 39 જેટલા કુંજપક્ષીઓના શિકાર કરી અને હજુ વધુ કુંજપક્ષીના શિકાર કરતા હતા ત્યારે આ ગેર પ્રવૃત્તિની હર્ષદ-ગાંઘવી ગામના જાગૃત ગામ લોકોને ખબર પડતા ગામના મોટી સંખ્યામાં લોકો તેમજ એસ.આર.ડી અને જી.આર.ડીના જવાનોને સાથે રાખી તેમજ કલ્યાણપુર આર.એફ.ઓ પીડારીયાને તાત્કાલી જાણ કરી અને શિકારીઓ દ્વારા ચાલતી શિકારની પ્રવૃત્તિ ઉપર ઓચીતા હલ્લાબોલ કર્યો હતો. જેને લઈને ત્રણ  શિકારીઓ પૈકી એક શિકારી ઇકબાલ આમદ પહેલીયા ટોળાને જોયને ભાગવા જતા પોલીસ તેમજ આર.એફ.ઓના જણાવ્યા પ્રમાણે તેને ઇલેકટ્રીક શોક લાગવાના કારણે સ્થળ પરજ મૃત્યુ પામેલ છે.

જ્યારે એક શખ્સ ભાગી છુટયો હતો અને અન્ય એક શિકારી ઇસ્માઇલ જુસુબને ગામલોકોએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અવાર નવાર ભાટીયા પંથકમાં કુંજ પક્ષીઓના મૃત્યુના બનાવો ઝેરીપદાર્થ ખવડાવીને બનવાતા બનાવો બન્યા છે. તાજેતરમાંજ રણનુતપૂર, મેવાસા, સહિતના ગામોમાં આવી શિકારી ગેગ ઘણા સમયથી ભારે સક્રિય છે. ત્યારે લોકો જ જાગૃત બને છે. અને ખાસ કરીને મોર પ્રેમી નારણભાઇ કરંગીયા પણ આ બાબતે વારંવાર ફોરેસ્ટ તંત્ર સહિતના વિભાગો સાથે વાતચીત કરી રજૂઆતો કરે છે. જયારે આ પ્રશ્ને ફોરેસ્ટ તંત્ર વધુ જાગૃત બનીને આવા શિકારીઓની શાન ઠેકાણે લાવે તેવી લોક માંગ ઉઠી છે.39 કુંજ પક્ષીના શિકાર પ્રશ્ને કલ્યાણપુર ફોરેસ્ટ ખાતાના આર.એફ.ઓ પીડારીયાએ જણાવેલ કે આવા શિકારીઓને ઝડપવા અમારી ટીમ સતત પેટ્રોલીંગ કરેજ છે અને આ કેસમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે તેમ જણાવ્યું છે.

કલ્યાણપુર-ભાટીયાના પી.એસ.આઇ ઠાકરીયાએ એમ જણાવેલ કે શિકારીઓ પાછળ ગામલોકો થતા અકસ્માતે મૃત્યુ પામેલ એક શખ્સનું પોસ્ટમોર્ટમ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.