મેરાન્યૂઝ નેટવર્ક.જૂનાગઢ: સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને થતી મુશ્કેલીઓને લઈ NCP નેતા રેશ્મા પટેલે આજે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. જો કે તે ઉપવાસ શરૂ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી છે. ત્યારે રેશ્મા પટેલે કહ્યું હતું કે,'પોલીસ સ્ટેશનમાં પણ આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે. સાથે જ કોરોના મામલે રાજ્ય સરકાર તદ્દન નિષ્ફળ રહી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો.

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ માટે સુવિધા વધારવામાં ન આવતા 10 મેથી એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલે સિવિલ સામે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી આપી હતી. જે મુજબ આજે 11 વાગ્યા આસપાસ રેશ્મા પટેલ ધરણા કરવા માટે સિવિલ હોસ્પિટલે પહોંચેલ ત્યારે દેખાવ કરવા બેસે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની બે કાર્યકરો સાથે અટકાયત કરી લીધી હતી. આ તકે રેશ્મા પટેલએ કોરોના સામે રાજ્ય સરકાર સદંતર નિષફળ ગયાનો આક્ષેપ કર્યો હતો.


 

 

 

 

 

રેશ્મા પટેલે કહ્યું હતું કે, દસ દિવસ અગાઉ જ રાજ્ય સરકારને પત્ર પાઠવી જૂનાગઢ સિવિલ અને જિલ્લાના પીએચસી, સીએચસી તેમજ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દી માટે યોગ્ય સારવારની સુવિધા ઉભી ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી. જે હજુસુધી સંતોષાઇ ન હોવાથી આ ધરણા કરવાની ફરજ પડી છે. પોલીસે ભલે અમારી અટકાયત કરી પરંતુ મુખ્યમંત્રી જ્યાં સુધી ગુજરાતનું ભલું નહીં કરે ત્યાં સુધી પોલીસ મથકમાં પણ મારા ઉપવાસ ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.