મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે જેમાં ધારાસભ્યોને કેબીનેટ અને રાજ્ય કક્ષાના હોદ્દા અપાયા છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવો સમક્ષ તેમણે શપથ પણ લીધા છે. હવે ચાલો જાણી લઈએ કે આ ધારાસભ્યો કે જે મંત્રી બન્યા છે તેમનું ભણતર શું છે અને તે ભણતર સામે તેમની મિલકત કેટલી છે.
વિજય રુપાણી-
ગુજરાતના 61 વર્ષિય મુખ્ય પ્રધાન વિજય રુપાણી બીએ-એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે જેમની કુલ સંપત્તિ 9.09 કરોડ છે.
નીતિન પટેલ-
એક સમયે તેલ-કપાસનો વેપાર કરતા ગુજરાતના 61 વર્ષિય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 8.23 કરોડની મિલકત ધરાવે છે. તેમણે કોમર્સમાંથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-
ધોળકા બેઠક પરથી સામાન્ય મતોથી જીતેલા 67 વર્ષિય પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં એલ.એલ.બી સુધીનો અભ્યાસ અને રૂ. 8.23 કરોડની મિલકત ધરાવે છે.
આર.સી.ફળદૂ-
ભાજપના એક સમયના પ્રદેશ પ્રમુખ રહી ચુકેલા 60 વર્ષિય આર સી ફળદૂ કુલ રૂ. 1.43 કરોડની મિલકત ધરાવે છે. તેઓ જુના એસએસસી સુધીનો અભ્યાસ ધરાવે છે.
કૌશિક પટેલ
અમિત શાહનું ગઢ ગણાતી નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડી જંગી લીડ સાથે જીતનાર 63 વર્ષિય કૌશિક પટેલ કોમર્સ ગ્રેજ્યુએટ છે અને કુલ રૂ. 5.34 કરોડની મિલકત ધરાવે છે.
સૌરભ પટેલ-
રિલાયન્સના ધિરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીક અંબાણીના જમાઈ 59 વર્ષિય સૌરભ પટેલ (દલાલ) એમ.બી.એ. સુધીનો અભ્યાસ ધરાવે છે. તેમની મિલકત રૂ. 123.78 કરોડની છે.
ગણપત વસાવા-
બી.એ. સુધીનો અભ્યાસ ધરાવતા 46 વર્ષિ ગણપત વસાવા એક સમયે વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે. તેમની પાસે કુલ રૂ.3.11 કરોડની મિલકત છે.
જયેશ રાદડિયા-
સૌરાષ્ટ્ર કચ્છના કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર અને રાજકોટની ડિસ્ટ્રીક્ટ કો.ઓપ, બેન્કના ડાયરેક્ટર 46 વર્ષિય જયેશ રાદડિયા બી.ઈ. (સીવીલ) એન્જિનિયરીંગ સુધીનો અભ્યાસ ધરાવે છે. તેમની કુલ સંપત્તી રૂ. 28.53 કરોડની છે.
દિલીપ ઠાકોર-
વર્ષોથી નશામુક્તિના અભિયાનમાં જોડાયેલા ચણાસમા બેઠકના વિજેતા ધારાસભ્ય 58 વર્ષિય દિલીપ ઠાકોર જુના એસએસસી ધોરણ સુધી ભણ્યા છે. તેમની કુલ સંપત્તિ રૂ. 6.18 કરોડ છે.
ઈશ્વરભાઈ પરમાર-
બારડોલી બેઠક પરથી 34854 મતોની લીડથી જીતનાર 46 વર્ષિય ઈશ્વરભાઈ પરમાર ધોરણ 12 સુધીનો અભ્યાસ ધરાવે છે અને તેમની પાસે કુલ મિલકત 1.63 કરોડ છે.
પ્રદિપસિંહ જાડેજા-
55 વર્ષિય પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ અમદાવાદની વટવા બેઠક પરથી 62 હજારથી વધુ મતોની લીડથી ચૂંટણી જીત્યા છે. 4 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવનાર પ્રદિપસિંહ રૂ.4.55 કરોડની સંપત્તિ ધરાવે છે.
પરબત પટેલ-
5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા 69 વર્ષિય પરબત પટેલ બીએ-એલએલબીનો અભ્યાસ ધરાવે છે. તેમની કુલ સંપત્તિ રૂ. 2.85 કરોડની છે.
જયદ્રથસિંહ પરમાર-
સરપંચની ચૂંટણીથી રાજકિય કારકિર્દી શરૂ કરનાર 53 વર્ષિય જયદ્રથસિંહે એલએલબીનો અભ્યાસ કર્યો છે. જેમની કુલ મિલકત રૂ. 4.26 કરોડની છે.
રમણલાલ પેટકર-
65 વર્ષિય રમણલાલ પેટકર માત્ર ધોરણ 9 સુધી જ ભણ્યા છે છતાં તેઓ પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમની કુલ સંપત્તિ 75.56 લાખની છે.
પુરુષોત્તમ સોલંકી-
શપથ લેતા સમયે જેમની જીભ થોથવાતી હતી તે 61 વર્ષિય પુરુષોત્તમ સોલંકી ઈલેક્ટ્રીકલ એન્જિન્યરિંગનો અભ્યાસ ધરાવે છે. તેમની પાસે કુલ 45.99 કરોડની સંપત્તિ છે.
ઈશ્વરસિંહ પટેલ-
અંક્લેશ્વર બેઠકથી જીતેલા 52 વર્ષિય ઈશ્વરસિંહ પટેલ બીએ-એલએલબી સુધીનો અભ્યાસ ધરાવે છે. તેમની કુલ મિલકત રૂ. 2.88 કરોડ છે.
વાસણ આહિર-
માત્ર ધોરણ 7 સુધીનો અભ્યાસ ધરાવતા અને દૂધના વ્યવસાય સાથે જોડાયેલા 59 વર્ષિય વાસણ આહિરને 5 વખત લોકોએ ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છે. તેમની કુલ સંપત્તિ રૂ. 3.15 કરોડ છે.
કિશોર કાનાણી-
સુરતની વરાછા બેઠક પરથી ભાજપને જીત અપાવનાર 55 વર્ષિય કિશોર કાનાણી પણ માત્ર ધોરણ 9 સુધી ભણ્યા છે. તેમની કુલ સંપત્તિ રૂ. 2.21 કરોડ છે.
બચુભાઈ ખાબડ-
62 વર્ષિય બચુભાઈ ખાબડ આર્ટ્સ સ્ટ્રીમથી ગ્રેજ્યુએશનના બીજા વર્ષ સુધી ભણ્યા છે. જેમની કુલ સંપત્તિ 35.45 લાખ છે.
વિભાવરીબહેન દવે-
મંત્રીમંડળમાં સ્થાન પામનાર એક માત્ર મહિલા નેતા એવા 58 વર્ષિય વિભાવરીબહેન દવે એમએ ઉપરાંતની અન્ય ત્રણ ડીગ્રી ધરાવે છે. તેમની કુલ સંપત્તિ રૂ. 3.95 કરોડની છે.