મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી :  ૪ વર્ષ અગાઉ બાયડના ડેમાઈ ગામમાં એક યુવકે લગ્ન માટે નાણાંની જરૂરિયાત ઉભી થતા મિત્રતાના સંબધોની હત્યા કરી હતી. જેમાં સોની પરિવારના જયેશભાઈનો યુવાન પુત્ર ધ્રુવ સોની રાત્રે ગામમાં મસાલો ખાવા નીકળ્યા બાદ તેના મિત્ર રાજેશ રમણભાઈ પટેલના ઘરે ટીવી જોવા બેઠો હતો ત્યારે પાછળથી ગળામાં દોરી બાંધી ટૂંપો આપી યુવકના શરીર પર રહેલા ઘરેણાં લૂંટી લઈ ધ્રુવ સોનીની લાશ કોથળમાં ભરી ગામ નજીક ગરનાળમાં ફેંકી આવ્યો હતો. ડેમાઇના યુવકની હત્યા કરાયેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. હત્યાનો ગુન્હો નોંધી ભારે જહેમત બાદ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી રાજેશ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ અંગેનો કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા હત્યારા રાજેશ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.  

શું હતો હત્યાનો સમગ્ર ઘટનાક્રમ 
     
ચાર વર્ષ અગાઉ ડેમાઇ ગામના જયેશભાઇ સોનીનો પુત્ર ધ્રુવ રાત્રે ઘેરથી મસાલો ખાવા ગામમાં ગયો હતો. ત્યાર બાદ ગુમ થયો હતો.મોડી રાત્રે અને બીજા દિવસે  સવારે પરિવારજનો અને ગામલોકો ધ્રુવની શોધખોળ હાથધરી હતી શોધખોળ દરમિયાન ધ્રેવની લાશ ગામ નજીક નાળામાંથી કોથળામાં ભરેલી હાલતમાં મળી આવી હતી. જે અંગે બાયડ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરાઇ હતી. જેમાં ધ્રુવના મિત્ર એવા ગામના જ રાજેશ રમણભાઇ પટેલ ઉપર પોલીસને શંકા જતાં તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં રાજેશ પટેલે ગુનો કબૂલી લીધો હતો.રાજેશ પટેલે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ, મંગળવારે રાત્રે મસાલો ખાઇને ધ્રુવ જ્યારે તેના ઘરે આવ્યો ત્યારે તે એકલો જ હતો. 

ધ્રુવ ટીવી જોવા બેઠો હતો ત્યારે પાછળથી આવી તેણે ગળામાં દોરી બાંધી ખેંચતાં ધ્રુવ બેભાન થઇ ગયો હતો. બાદમાં ધ્રુવને બીજા રૂમમાં ખેંચી ગયો હતો અને દોરીથી ગળુ ફરીથી દબાવી દેતાં ધ્રુવનું મોત થયું હતું. ત્યાર બાદ કોઇને ખબર ના પડે તે માટે કોથળામાં તેની લાશ ભરીને બાઇક ઉપર ગામ નજીક નાળામાં ફેંકી આવ્યો હતો. પોલીસે રાજેશ પટેલની આ કબૂલાતના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તજવીજ હાથ ધરી છે.