મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: દિલ્હીના માંગોલપુરીમાં બજરંગ દળના કાર્યકર રિંકુ શર્માની હત્યા બાદ વિસ્તારનું વાતાવરણ તંગ છે. પોલીસે આ કેસમાં પાંચમા આરોપી તાશુદ્દીનની પણ ધરપકડ કરી છે. રિંકુ શર્મા હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, મોડી રાત્રે દિલ્હીના માંગોલપુરી વિસ્તારમાં હુમલો કરનારાઓએ ભાજપ યુવા મોરચાના કાર્યકરને ચાકુથી માર મારતાં તેની હત્યા કરી હતી.

આ ઘટનાથી આ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે તંગદિલી ફેલાઇ હતી. જેના કારણે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે પરિવારે આરોપ લગાવ્યો છે કે દશેરા પર રામ મંદિર પાર્ક ખાતેના કાર્યક્રમ અંગે અન્ય સમાજના સભ્યો સાથે વિવાદ થયો હતો, જેના કારણે યુવકની હત્યા કરાઈ છે. આ સિવાય એક મોટો વર્ગ આરોપ લગાવી રહ્યો છે કે રામ મંદિર માટે દાન માંગવા બદલ તેની હત્યા કરવામાં આવી હતી, જ્યારે આ મામલે પોલીસ થિયરી સંપૂર્ણપણે અલગ છે.


 

 

 

 

 

પોલીસે કરેલી તપાસના આધારે ડીસીપી એસ. ધામાએ જણાવ્યું છે કે 10 ફેબ્રુઆરીની રાત્રે 25 વર્ષીય રિંકુ પર બર્થડે પાર્ટીમાં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું. રેસ્ટોરન્ટ બંધ કરવાને લઈને આરોપીઓ અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસનું કહેવું છે કે આ હત્યાના કેસમાં અન્ય કોઈ કારણો જોડાવા એ હકીકતમાં ખોટું છે.

પોલીસે કહ્યું છે કે રિંકુ પર હુમલો કરનાર દરેક તેને ઓળખતો હતો. રેસ્ટોરન્ટ ખોલવા માટે બંને તરફ ઝઘડો થયો હતો. આ બંને દુકાન આસપાસ હતી. પરિવારજનોની ફરિયાદના પગલે પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી હતી.

નારાજ લોકોએ પીડિત પરિવાર સાથે વિરોધ નોંધાવ્યો. દરમિયાન કેટલાક લોકો આરોપીના ઘરે પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. સાવચેતીના પગલા તરીકે પોલીસ અને અર્ધલશ્કરી દળને તૈનાત કરવામાં આવ્યા છે.

ભાજપે પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી
પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ રિંકુની હત્યાની નિંદા કરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રિંકુના પરિવારને દિલાસો આપતી વખતે પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી.