મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દારૂના નશામાં ચુર થઈ ગયેલા એક ધનીક નબીરાએ દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલનો જીવ લઈ લીધો છે. ઘટના ગત રાત્રીની છે અંદાજે પોણા બે વાગ્યા હશે. ખાલસા કોલેજ પાસે એક સ્પીડમાં હોન્ડા સીટી કારએ દિલ્હી પોલીસની કારમાં જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું છે. જાણકારી મુજબ ટક્કર મારી દીધા પછી શખ્સ ત્યાંથી ભાગવાના પ્રયત્નો કરતો હતો જેને પોલીસે પીછો કરીને પકડી લીધો છે. ધરપકડ કરાયેલા યુવકની ઓળખ નોરિથ દિલ્હીના મોડલ ટાઉન નિવાસી 19 વર્ષિય તુષાર ગુપ્તા તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ટક્કર એટલી જોરદાર હતી કે પોલીસનું વાહન હવામાં 10 થી 15 ફૂટ કૂદીને નીચે પડી ગયું હતું અને પલટી ગયું હતું. 50 વર્ષિય હેડ કોન્સ્ટેબલ વજીરસિંહ નીચે પડ્યા બાદ કારની અંદર ફસાઈ ગયા હતા. ડ્રાઈવર અમિતે કોઈક રીતે વજીરસિંહને બહાર કાઢી લીધા અને તેમને ટ્રોમા સેન્ટર લઈ ગયો હતો, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર તુષાર ગુપ્તા દારૂના નશામાં ચૂર હતો અને અકસ્માત દરમિયાન તે ઘાયલ પણ થયો હતો. આરોપી સિંગાપોરથી બી કોમ કરે છે અને લોકડાઉનની શરૂઆતમાં માર્ચમાં દિલ્હી આવ્યો હતો. દિલ્હી પોલીસે તાજેતરમાં સ્ટ્રીટ ક્રાઈમ અટકાવવા માટે વાહનોની તીવ્ર પેટ્રોલિંગ શરૂ કરી હતી જેમાં વઝીર સિંહની ડ્યૂટી લાગી હતી.