દેવલ જાદવ (નવી દિલ્હી):  દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દિલ્લીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઓછા થતા લોકડાઉનના પ્રતિબંધ ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે. સામાન્ય માણસો હવે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. મોલ અને બજારો પણ ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યા છે.

આવા સમયે સોશિયલ મીડિયામાં આજે એક વાંદરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વાંદરો દિલ્લીની મેટ્રોમાં ફરતો જોવા મળી રહ્યો છે. વાંદરો મેટ્રોમાં ફરી રહ્યો છે મેટ્રોમાં પોલ પર ચઢી રહ્યો છે અને બારીની બહાર દૃશ્યો નિહાળી રહ્યો છે. વાંદરો પણ સામાન્ય માણસની જેમ મેટ્રોમાં મુસાફરી કરી રહેલા લોકોની પાસે જઈને બેસી જાય છે. આ સમયે મેટ્રોમાં મુસાફરી કરી રહેલા લોકોએ આ વીડિયો લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.