તુષાર બસિયા / ભાવેશ બારિયા (મેરાન્યૂઝ.દિલ્હી) : દિલ્હી-હરિયાણાની સિંધુ સરહદ પર ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે કેન્દ્ર સરકાર 3 કૃષી સંબંધિત અઘ્યાદેશોને પરત ખેંચે. આ બાબતે કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનો સાથે મિટિંગ્સ પણ કરી છે અને હજુ આવતીકાલે એક મિટિંગ થવાની છે. ખેડૂતોને સરકારે અગાઉ પણ મિટિંગોમાં પરિણામ નહીં આપતા મિટિંગ નિષ્ફળ રહી અને આંદોલન પર ખેડૂતો અડગ રહ્યા છે. હાલ સિંધુ બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરે છે એ આંદોલનને નજરે નિહાળી આપના સુધી અહેવાલ પહોંચાડવાનો પ્રયાસ મેરાન્યૂઝના પત્રકારો કરી રહ્યાં છે. 

સિંધુ બોર્ડર દિલ્હી અને હરિયાણા રાજ્યોની સરહદ છે. જ્યાં ખેડૂતો હજારોની સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરતા નીકળ્યા અને સરકારે વાર્તાલાપ કરવાનું કહેતા યાત્રાને ત્યાં જ રોકી બેસી રહ્યાં છે. આ ઘટનાના છેલ્લા 13 દિવસથી ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે મંત્રણા ચાલી રહી છે. સરકારી મંત્રણા જોકે અત્યાર સુધી કોઈ પરિણામ લાવી શકી નથી. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નો સમજી અધ્યાદેશમાં સુધારો કરવા તેમજ પાક એમ.એસ.પી. ના ભાવે ખરીદી કરવાનું લેખિતમાં આપવા તૈયાર છીએ, પરંતુ ખેડૂતોની માંગણી છે કે ત્રણે કાયદા રદ કરવામાં આવે. ખેડૂતો સ્પષ્ટ જણાવી રહ્યાં છે કે આ કાયદાઓ બનાવવા પાછળ ખેડૂતોના હીત નથી પરંતુ કોર્પોરેટ કંપનીઓના હીત છુપાયેલા છે.

સિંધુ બોર્ડર પર આંદોલનમાં ખેડૂતો મુખ્યત્વે હરિયાણા અને પંજાબના વતની છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાંચલના ખેડૂતોની પણ પાંખી હાજરીમાં જોવા મળે છે. મોટી સંખ્યામાં પંજાબ, હરિયાણાના વતની હોય સ્વાભાવિક રીતે શીખ અને જાટ સમુદાયના છે. માટે જ અહીં આંદોલન સ્થળ પર શીખ સંપ્રદાયની પ્રાર્થના સભા માટે એક સ્થળ પણ ખડું કરી દેવાયું છે, પરંતુ એક વાત છે ને ધ્યાન ખેંચે છે કે અહીં દરેક ધર્મનું સમાન સન્માન થતું જોવા મળે છે. અહીં મુસ્લિમ સમુદાયના ખેડૂતો માટે પણ ઈબાદતની પુરી વ્યવસ્થા જોવા મળે છે. મુસ્લિમો માટે પણ પાંચ નમાઝ પઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ધર્મનિરપેક્ષતાની દ્રષ્ટિ એ આ મહત્વની વાત જણાઈ છે, જે માનવતાનો પાઠ ભણાવી જાય છે.

હજારોની સંખ્યામાં ખેડૂતોને ભોજન માટેની લંગરની વ્યવસ્થા થયેલી છે. ભોજન સાથે નાસ્તા-પાણી અને કોલ્ડ ડ્રિન્કસની વ્યવસ્થા પણ સતત ચાલુ રાખવામાં આવે છે. બ્રશ, ટૂથ-પેસ્ટ, નાની મોટી દવાઓ માટેની પણ પુરતી વ્યવસ્થા છે. શિયાળાની કકડતી ઠંડીમાં બહારથી આવતા ખેડૂતો અને સમર્થકો સહિતના લોકો માટે ઓઢવા માટે ધાબળા અને ગરમ કપડાંની વ્યવસ્થા પણ ખાલસા એડ નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. એકત્રિત થયેલા આંદોલનકારીઓમાં એકતાની ભાવના જ કદાચ હક્ક માટે લડવાનું પ્રેરણા બળ આપતી હશે.

એટલું જ નહીં ખેડૂતોના આ આંદોલનમાંથી મેનેજમેન્ટ, એકતા અને લડવાની હિંમત તો કાબિલે દાદ છે. સાથે જ 13 દિવસથી આંદોલન પર બેઠેલા હજારો ખેડૂતો સફાઈ બાબતે પણ ખૂબ સજાગ છે. ક્યાંય કચરો અહીં ફેંકવો કે નહીં ફેંકવોના બોર્ડ જોવા મળતા નથી છતાં એક પણ જગ્યા એ અવ્યવસ્થા જોવા મળતી નથી કે નથી ગંદકી જોવા મળતી. લંગરમાં હજારો ખેડૂતો લાઇન બધ્ધ રીતે ભોજન મેળવે છે, નાસ્તો પાણી કરે છે પરંતુ મોટા કચરાના ઢગ ક્યાંય જોવા મળતા નથી. આ કાર્ય સ્વયં શિસ્તથી થઈ રહ્યું છે. ખેડૂતો માટે કાજુ, બદામ અને પિસ્તા પણ કેટલાક દાતાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. 

ખેડૂતો સાથે વાતચીત દરમ્યાન જાણવા મળે છે કે તેઓ પોતાની સાથે 6 મહિના ચાલે એટલું રાશન લઈ નિકળા છે પરંતુ આજ સુધી અમોને હરિયાણાના ખેડૂતો દ્વારા રાશન પૂરું પાડવામાં આવે છે, જેના લીધે તેઓ સાથેનું બધું જ રાશન હજુ જેમનું તેમ પડ્યું છે. હરિયાણાના ખેડૂતો પણ અહીં કેટલી પ્રકારની સ્વૈચ્છિક સેવા આપવા આવી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો જણાઈ છે કે આ આંદોલનમાં કેન્દ્ર સરકાર બરાબરની ભરાઈ ગઈ છે. આવતી કાલે જો ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ આવે તેની રાહ જોવાઇ રહી છે પરંતુ જો નિરાકરણ નહીં આવે તો આંદોલન લાબું ચાલે તે આંદોલનકારીયોના તેવર અને તૈયારી જોતા સ્પષ્ટ જણાઈ છે.