મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી સરકારે રાજધાનીના લોકોને મોટી રાહત આપતા પેટ્રોલના ભાવોમાં આઠ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. આ નિર્ણય દિલ્હી સરકારે આજે કેબિનેટ બેઠક પછી લીધો હતો. દિલ્હી સરકારની બેઠકમાં મોટો નિર્ણય લેતા પેટ્રોલ પર લાગતા ત્રીસ ટકાના વેટને લગભગ 11 ટકા ઘટાડીને 19.40 ટકા જેટલો કરી દેવામાં આવ્યો છે.

આ રીતે પેટ્રોલની કિંમત હવે દિલ્હીમાં આઠ રૂપિયા ઘટી જાય છે. પેટ્રોલમાં ઘટેલા ભાવને આજે અડધી રાત્રીથી લાગુ કરવામાં આવશે. આ સાથે જ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત એનસીઆરના શહેરોના બરાબર થઈ જશે. તેનાથી તે વાહન ચાલકોને ફાયદો થશે જે દિલ્હીમાં કિંમત ઓછી હોવાને પગલે નોઈડા, ગાજિયાબાદ, ગુરુગ્રામ વગેરે સ્થાનો પર જઈને પેટ્રોલ ભરાવતા હતા.

કેન્દ્ર સરકારે પહેલા જ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડો કરી દીધો હતો, જે પછી રાજ્ય સરકારો પર દબાણ હતું કે તે પોતાના સ્તર પર વેટની કિંમતોમાં ઘટાડો કરી રાહત આપે. ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યો પહેલા જ પેટ્રોલ ડીઝલ પર લાગતા વેટને ઘટાડી ચુક્યા છે.