મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થતાં નવી દિલ્હી ખાતેની એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે કે “મને સ્વાઇન ફ્લૂ થયો છે, જેની સારવાર ચાલી રહી છે. ઇશ્વરની કૃપા, તમારા બધાનો પ્રેમ અને શુભેચ્છાઓથી ઝડપથી સ્વસ્થ થઇ જઇશ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમિત શાહને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલીની ફરિયાદ બાદ એઇમ્સમાં લઇ જવાયા હતા. જ્યાં તેમના વિવિધ રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતાં જેમાં તેમને સ્વાઇન ફ્લૂ થયો હોવાનું નિદાન થયું હતું. જ્યાર બાદ ડોક્ટર્સની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે. રાજનાથ સિંહે અમિત શાહના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા ટ્વિટ કર્યું કે અમિતભાઇ, તમે ઝડપથી સ્વસ્થ થઇ જાવ તેવી ઇશ્વરને પ્રાર્થના કરુ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ ઉત્તરાપર્વ નિમિત્તે અમદાવાદ આવ્યા હતા અને પતંગ ચલાવી હતી. ત્યાર બાદ તેમણે અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચન પણ કર્યા હતા. જ્યાર બાદ તેઓ દિલ્હી ગયા હતા.