મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ ભારત સ્વતંત્રતાના ૭૫માં વરસ નિમિત્તે દિલ્હી ખાતે યોજાનાર "આઝાદીકા અમૃત મહોત્સવ"ની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા બાદ વિવિધ રાજ્યોમાં ઉભરતાં સાંસ્કૃતિક કલાકારોને સામેલ કરી સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે દિલ્હી ખાતે યોજાનાર આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ માટે એક થીમ સોંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં દેશના ૪૦ યુવા પ્રતિભા કલાકારો ભાગ લેશે તે પૈકી હાલે મુંબઈ ખાતે અભ્યાસ અર્થે પરિવાર સાથે રહેતા અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કવિ ઉમાશંકર જોશીના વતન બામણા ગામના મૂળ રહેવાસી એવા બાળ તબલાવાદક તૃપ્તરાજ અતુલભાઈ પંડયાની પસંદગી થઈ છે.

દિલ્હી કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના થીમ સોંગમાં સામેલ થવા આમંત્રિત કરવામાં આવ્યો છે ત્યારે તૃપ્તરાજ પંડ્યાના મૂળ વતન બામણા અને સાબરકાંઠા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. તૃપ્તરાજને નાનીવયના તબલાવાદક બાળ કલાકાર તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડસમાં સ્થાન મળેલું છે. ઉપરાંત અગાઉ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે બાળશક્તિ કલ્ચરલ અને આર્ટ્સ શ્રેણીમાં વેસ્ટ તબલાવાદક તરીકે "રાષ્ટ્રીય બાલ પુરસ્કાર" મેળવી સાબરકાંઠામાં સાંસ્કૃતિક ક્ષેત્રે ગૌરવ વધારેલું છે.

Advertisement


 

 

 

 

 

તૃપ્તરાજ પંડ્યાએ બાળપણથી આજ સુધી મેળવેલી સિદ્ધિઓ

બાલ્યકાળમાં પ્રથમ શાળા-કોલેજના કાર્યક્રમોમાં તબલાવાદક કલામાં પ્રોત્સાહન મળ્યા બાદ તૃપ્તરાજે ત્રણ વર્ષની ઉંમરે ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમજ ચાર વર્ષની ઉંમરે દૂરદર્શન પર તબલાવાદક સંગીતના કાર્યક્રમો રજૂ કર્યા હતા. ત્યારબાદ છ વર્ષની ઉંમરે સૌથી નાની વયના તબલાવાદક તરીકે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં બાલ તબલા વાદકના શ્રેષ્ઠ કલાકાર તરીકે નોંધ લેવાતા તેને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યો હતો. તેની બાર વર્ષની ઉંમરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શ્રેષ્ઠ તબલાવાદક તરીકે "રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો. હાલ ચૌદ વર્ષની ઉંમર ધરાવતા તૃપ્તરાજને દિલ્હી ખાતે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ભારત સ્વાતંત્ર્યની ૭૫ વર્ષની ઉજવણીમાં "આઝાદીકા અમૃત મહોત્સવમાં" ભાગ લેવા આમંત્રણ મળેલું છે. તૃપ્તરાજ પંડ્યાની તબલાવાદક સંગીતક્ષેત્રે ગૌરવપ્રદ નોંધ લેવાતા સાબરકાંઠાના સંગીત પ્રેમીઓમાં ખુશીનો માહોલ ઊભો થયો છે.