મિલન ઠક્કર (મેરાન્યૂઝ ગાંધીનગર): આપણે રસ્તે ચાલતાં જતાં ઘણા એવા લોકોને જોઈએ છીએ જે મેલાં ને ફાટેલાં-તૂટેલાં કપડામાં, વાળ દાઢી વધારીને ફૂટપાથ પર અવાક થઈને બેઠા હોય છે. આપણે એમને લગભગ જોઈને પણ નજર અંદાજ કરીએ છીએ. બાળકો તેને ‘બાવા’ તરીકે ઓળખે છે. ઘણાં લોકો તેને ભિક્ષુક, માગવા વાળા પણ કહે છે અને એવું પણ માને છે કે એ આપણા જેવો સામાન્ય માણસ નથી. આપણે તેઓની ક્યારેય નોંધ લેતાં નથી. કે એ કોણ હશે? એનો પરિવાર ક્યાં હશે? એ કેમ અહીં, આ હાલતમાં છે? એનાં કારણ ઘણા હોય શકે પહેલું એ કે, આપણે વ્યસ્ત છીએ. આપણે ઓફિસે, મંદિરે, મોલમાં, થિયેટરમાં કે બીજે ઘણે પણ જતાં હોઈએ છીએ. બીજું આપણું કહેવાતું સ્ટેટસ જે આપણને એની સાથે વાત કરતાં રોકે છે, અરે નજીક જતાં પણ રોકે છે. આ તો વાત થઈ સામાન્ય પરિસ્થિતિની પણ આજે કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં આવા માણસની નજીક જવાની હિંમત કોણ કરે?

        પોલીસ ખાતાએ આવાં જ એક ભદ્ર ભાષામાં કહેવાતાં ભિક્ષુકમાં સામાન્ય માણસ જોયો. આજે મંગળવારે સાંજે લગભગ ૫:૦૦ વાગ્યાના સુમારે દહેગામ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. પી. જે. સોલંકી અને  પો. કો. અજમલભાઈ, સંજયભાઈ, અશોકભાઈ પેટ્રોલિંગ કરતા હતા. એ દરમિયાન રખિયાલ રોડ પર બાયડ ચોકડી નજીક રેવાબા સ્કૂલ પાસે તેઓને ચીંથરેહાલ અને દાયનીય હાલતમાં લગભગ ૪૫ વર્ષનો આધેડ દેખાયો.

        પો.સ.ઈ. પી.જે. સોલંકી એમની ટિમ સાથે તેની નજીક ગયા અને તેનું નામ, સરનામું વગેરે જાણવાનો પ્રયત્ન કર્યો, પણ તે માણસ શારીરિક રીતે પણ અશક્ત હોવાનું જણાતાં. એને બાહ્ય શરીરથી પહેલા ચોખ્ખો કરવાનું વિચાર્યું. તેઓએ રેવાબા શાળાની પાણીની ટાંકી પાસે લઈ જઈને નવડાવ્યો અને નજીક રહેતાં એક વાળંદને બોલાવી તેના વાળ કપાવ્યા અને દાઢી કરાવી સ્વચ્છ કરી પોલીસસ્ટેશન લઈ જવામાં આવ્યો.

        પોલીસસ્ટેશનમાં તેને જમાડ્યા પછી તેનું નામ, સરનામું વગેરે પૂછતાં પહેલા તો તેણે કોઈ જ જવાબ આપ્યો નહીં, પરંતુ લગભગ એકાદ કલાક પછી તેણે પોતાનું નામ ગણપતસિંહ જણાવ્યું હતું અને પોલીસ હાલમાં તેની પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.