રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): જ્યોતિરાદિત્ય સિંધિયા, કુંવરજીભાઈ બાવળિયા સહિતના નેતાઓએ પક્ષ બદલ્યો ત્યારે સ્વાભાવિક છે કે મતદારોને આંચકો લાગે ! મતદાર મત આપી દે પછી પાંચ વર્ષ સુધી કંઈ કરી શકે નહીં ચૂંટાયેલ નેતા પક્ષ બદલી નાંખે તો તેને કોઈ નુકશાન થતું નથી, નુકશાન થાય છે મતદારોને ! પક્ષાંતર ધારાની જોગવાઈ મુજબ પક્ષ બદલનારને રાજીનામું આપવું પડે છે. ફરી ચૂંટણી માટે ટેક્સના પૈસા જ વપરાય છે. પક્ષ બદલનારને કોઈ નુકશાન થતું નથી; ઊલટાની એને મોજ પડી જાય છે; કરોડો રુપિયા રોકડા લઈ લે છે; નાણા ન લેનાર હોદ્દો મેળવી લે છે. લોકોની સેવા કરવા માટે નેતાઓ પક્ષ બદલે છે; એ મોટો ભ્રમ છે. પક્ષાંતરને પ્રોત્સાહન આપનાર નેતા કરોડો રૂપિયાનો વ્યવહાર કરે છે; તે ચેકથી કરતા નથી; તો આ કાળા નાણાનો ઉપયોગ કરનાર ક્યા મોઢે કાળા નાણા સામે ઝૂંબેશ કરી શકે?

રાજકીય પક્ષોમાં ગુલામી છે. કોઈ સભ્ય પોતાનો સ્વતંત્ર અવાજ ઊઠાવી શકતા નથી. પાર્ટી નેતા શિસ્તના નામે સૌને ચૂપ રાખે છે. પોતાના પક્ષના ધારાસભ્યોને આંગળી ઊંચી કરવાનું કહે ત્યારે આંગળી ઊંચી કરવાની ! અગાઉથી પાર્ટીના નેતાએ નિયત કરેલ પ્રશ્નો તૈયાર કરીને આપવામાં આવે તે પ્રશ્નો જ વિધાનસભામાં પૂછવાના ! કોઈ પણ પક્ષમાં સ્વતંત્ર વિચાર ધરાવનારનો જીવ ગૂંગળામણ અનુભવે; તે સ્વાભાવિક છે. પરંતુ લોકોના પ્રશ્નોના કારણે કોઈ નેતાએ પક્ષ બદલ્યો હોય તેવો એક પણ દાખલો નથી. સેવા કરવા પક્ષ બદલવો પડે? લોકશાહીમાં પક્ષની શિસ્તના નામે તાનાશાહી ચાલતી હોય. બંધારણીય મૂલ્યોને કચડી નંખાતા હોય તેવા સમયે પક્ષમાંથી રાજીનામું આપનાર વિરલા ભાગ્યે જ જોવા મળે છે.

પક્ષાંતરનું દૂષણ ડામવાનો સાવ સહેલો ઉપાય ક્યો છે? [1] જે નેતા પક્ષ બદલે તે આગલા પાંચ વર્ષ સુધી કોઈપણ ચૂંટણી ન લડી શકે અને આગલા પાંચ વર્ષ સુધી કોઈ કોઈ સરકારી હોદ્દો ધારણ ન કરી શકે; તેવી પક્ષાંતર ધારામાં તાત્કાલિક જોગવાઈ થવી જોઈએ. પક્ષ બદલનાર નેતા આગામી પાંચ વર્ષમાં, બોર્ડ, નિગમમાં ચેરમેન કે ડાયરેકટર ન થઈ શકે, મિનિસ્ટર ન થઈ શકે, ગવર્નર ન થઈ શકે. આવી જોગવાઈ લોકહિતમાં કરવી જરુરી છે. પક્ષ બદલનાર નેતા બીજા પક્ષમાં જઈને તે પક્ષમાં ભલે પ્રમુખ થઈ જાય; પણ સરકારી હોદ્દો પાંચ વર્ષ સુધી ધારણ કરી શકે નહીં. [2] પક્ષ બદલનારને જો ધારાસભ્ય, સંસદસભ્ય તરીકે પેન્શન મેળતું હોય તો પક્ષ બદલ્યાની તારીખથી બંધ કરવું ! [જો કે તે વાત જુદી છે કે, પક્ષ બદલનારે સાત પેઢી સુધી ચાલે તેટલું પેન્શન એકી સાથે લઈ લીધું હોય છે !] આ બે જોગવાઈ થઈ જાય તો પક્ષપલટુના મોઢામાંથી લાળ ટપકતી બંધ થઈ જાય ! રાજકીય પક્ષના નેતાઓ ભ્રષ્ટાચાર વિરુધ્ધ લડાઈ લડવાના હાકલા પડકારા કરે છે; તે માત્ર દંભ છે; એટલું નાગરિકોએ સમજી લેવાની જરુર છે.