પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-64): ચાંદ માની રહ્યો હતો કે પહેલા વોર્ડમી દીવાલ કેવી રીતે થાય અને ત્યાં પછી ત્રીસ ફુટ ઊંચી દીવાલ ચઢવાની હતી, જ્યારે આ દીવાલ ઉપર ચઢીએ ત્યારે તેની ઉપર ઈલેકટ્રીકના જીવતા વાયરો હતા તેને અડી જાવ તો પણ ત્યાં જ ભડથુ થઈ જાવ. માની લો કે થોડીકક્ષણ માટે વીજ પ્રવાહ બંધ કરવામાં સફળતા મળી તો પણ ઉતરવા માટે ત્રીસ ફુટ ઉપરથી કુદકો મારવો પડે અને ત્યાં પાછી એસઆરપીની ચોકી હતી. આ રીતે તો ભાગી શકાય તેમ ન્હોતું, એટલે ચાંદે સવાલ પુછયો કે મેજર આપણે દીવાલ કેવી રીતે પાર કરીશું, ચાંદનો સવાલ સાંભળી મેજર કહ્યું આપણે દીવાલ કુદવાની જરૂર જ નથી એક હેલીકોપ્ટર આવશે અને તે આપણી તરફ દોરડુ નાખશે અને આપણે અહીંથી નિકળી જઈશું. આટલુ બોલી મહંમદ બધાના ચહેરાના હાવભાવ જોવા લાગ્યો, મહંમદ મઝાક કરે છે તેવી ખબર માત્ર યુનુસને પડી હતી. તે હસ્યો, મહંમદે કહ્યું આ તો મઝાક થઈ પણ હવે સિરિયસ વાત આપણી બેરેકનો પાછળનો ભાગ છે ત્યાં આપણે ખોદવાની શરૂઆત કરવાની છે, આપણે ઓછામાં ઓછું દસ ફુટ નીચે જવું પડશે અને ત્યાર પછી આપણે દીવાલની તરફ આગળ વધીશું. બધા મહંમદ સામે જોવા લાગ્યા, દાનીશે પુછ્યું મેજર તમને આ બધુ સરળ લાગે છે, મહંમદ હસ્યો તેણે કહ્યું ના સરળ નથી, પણ મહેનત તો આપણે બધાએ કરવી પડશે, યુસુફે મુદ્દાનો પ્રશ્ન પુછ્યો... પણ આપણે ખોદીશું કઈ રીતે, ત્યારે વોર્ડને બુમ પાડી મહંમદભાઈ... મહંમદે તરત ઓટલા ઉપર રહેલો કાગળ ખીસ્સામાં મુકી દીધો, તેણે દરવાજા તરફ જોયું તો વોર્ડન પાવડો અને ત્રિકમ લઈ ઊભો હતો. મહંમદના ચહેરા ઉપર રોનક આવી તે બીજા કોઈને કઈ કહેવાને બદલે પોતે જ દોડતો દરવાજા તરફ ગયો, તે વોર્ડન પાસે પહોંચ્યો એટલે કહ્યું સુબેદાર સાહેબે મોકલાવ્યું છે... તમે તેમની પાસે માગણી કરી હતીને, તેમ કહી તેણે મહંમદને પાવડો અને ત્રિકમ આપ્યા, મહંમદે જેવો તે લેવા માટે હાથ લંબાવ્યો તે જ વખતે એક સીપાઈ ત્યાંથી પસાર થતો હતો, તેણે પાવડો અને ત્રિકમ જોતા પુછ્યું કોણે આપ્યું આનું શું કરશો, વોર્ડને સીપાઈને જવાબ આપતા કહ્યું સુબેદાર સાહેબને આમણે અરજી કરી હતી.


 

 

 

 

 

તેમના વોર્ડમાં ઝાડ પાન ઓછા છે એટલે તેઓ બગીચો બનાવવા માગે છે... સીપાઈએ શંકાની નજરે મહંમદ સામે જોયું, સીપાઈને ખાતરી થાય તે માટે તેણે વોર્ડનને વધુ સ્પષ્ટતા કરતા પુછ્યું તો ઝાડપાનના રોપા ક્યારે આપશો... વોર્ડને કહ્યું સુબેદારે કહ્યું બે –ત્રણ દિવસમાં રોપા આવે એટલે તે મોકલી આપશે. સીપાઈને મહંમદની વાત કઈ ગળે ઉતરી નહીં, પણ સુબેદારે આપી છે, તો મોટા સાહેબોને પુછી જ લીધુ હશે આપણે કેટલા ટકા તેવા ભાવ સાથે તે ત્યાંથી નિકળી ગયો.

દરવાજા ઉપર શું થઈ રહ્યું છે તે દુર ઊભા રહેલા મહંમદના સાથીઓને સંભાળાતું ન્હોતું, જેના કારણે તેમના ચહેરા ઉપર ચિંતા સાથેનું કુતુહલ પણ હતુ, મહંમદ પાવડો અને ત્રિકમ લઈ બહુ સહજતાથી ચાલતો ચાલતો તેના સાથીઓ પાસે આવ્યો. તેણે એક વખત પાછળ વળી દરવાજા તરફ જોયું પણ હવે વોર્ડનની નજર બહારના રસ્તા ઉપર હતી તેમની તરફ ન્હોતી. તેણે યુસુફ સામે જોતા કહ્યું જો તારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો આપણે આનાથી ખોદીશું સુરંગ. તેણે આટલુ બોલી બધાના ચહેરા સામે જોયું સુરંગ શબ્દની સાથે રોમાંચ પણ આવ્યો હતો અને ડર પણ લાગ્યો હતો. મહંમદ અને તેના સાથીઓએ એક હજાર વખત સાંભળ્યું હતું કે સાબરમતી જેલના ઈતિહાસમાં એક પણ કેદી આ જેલમાંથી ભાગી શકયો નથી, પણ હવે તેઓ ઈતિહાસને બદલવા જઈ રહ્યા હતા. મહંમદે કહ્યું ચાલો નેક કામની શરૂઆત હમણાંથી જ કરીએ, તેણે બેરેકની આગળના ખુલ્લા મેદાન તરફ ઈશારો કરતા કહ્યું ચાલો દીવાલને અડી દસ-દસ ફુટના અંતરે બે બે ફુટનો ખાડાઓ ખોદી નાખો, યુનુસ જેવો સમજદાર સાથી પણ થાપ ખાઈ ગયો તેણે કહ્યું મેજર સુરંગ તો બેરેકની પાછળથી શરૂ થશે આપણે આગળ શું કામ ખાડાઓ ખોદવા છે.


 

 

 

 

 

મહંમદ હસવા લાગ્યો તેણે પાવડા અને ત્રિકમ તરફ ઈશારો કરતા કહ્યું જેલવાળાએ આપણને સુરંગ ખોદવા માટે તો આપ્યું નથી, મેં જેલર પંડયા સાહેબને અરજી કરી હતી કે અમારા વોર્ડમાં વૃક્ષો ઓછા છે, માટે વૃક્ષો લગાડવા અને ગાર્ડનીંગ કરવા અમારે પાવડો ત્રિકમ જોઈએ છે. હવે યુનુસને પોતાના પ્રશ્ન પર હસવુ આવી ગયું, તેણે પહેલો ત્રિકમ ઉપાડયો અને તે બેરેકની બરાબર સામેની દીવાલમાં વૃક્ષ લગાડવા માટે ખાડાઓ ખોદવા લાગ્યો હતો, જે જેલ સીપાઈને પાવડો અને ત્રિકમ જોઈ શંકા ગઈ હતી, તે બે-ત્રણ વખત વોર્ડના દરવાજા પાસેથી પસાર થતી વખતે ડોક્યું કરી અંદર શું થઈ રહ્યું છે તેવું જોવાનો તેણે પ્રયત્ન કર્યો હતો, જો કે ત્યારે મહંમદ તેના સાથીઓ પાસે ખાડાઓ જ ખોદાવી રહ્યો હતો તેના કારણે સીપાઈને પણ લાગ્યું તે નાહક શંકા કરી રહ્યો છે ખરેખર તેઓ બગીચો જ બનાવશે. મહંમદ ઈચ્છતો હતો કે તેઓ બગીચાનું કામ કરે છે તેની જેલમાં વધારેમાં વધારે લોકોને ખબર પડે, જો મહંમદે કદાચ પહેલા પાવડો અને ત્રિકમ માંગ્યા હોત તો પંડયાએ આપવાની ના પાડી દીધી હોત, પણ તે દિવસે કોર્ટમાં જે થયું અને કોર્ટ અને ત્યાર પછી આઈજીપી સાહેબની વઢ પડી તેના કારણે જેલર પંડ્યા હવે મહંમદ અને તેના સાથીઓ સાથે કોઈ માથાકુટ કરવા માગતા ન્હોતા. પંડયાએ જ્યારે સુબેદારને સૂચના આપી કે તેમને પાવડો અને ત્રિકમ આપજો ત્યારે પોલીસવાળામાંથી સુબેદાર થયેલા સુબેદારને પણ આ નિર્ણય ગમ્યો ન્હોતો, સુબેદારના ચહેરા ઉપર આવેલા અણગમાને સમજી ગયેલા પંડયાએ કહ્યું અરે આ મીયા કોઈ કામ કરે તો સારૂ નવરા બેઠા આપણી સામે ફરિયાદ કરે છે. પંડયાએ બગીચાખાતામાં કહી થોડાક વૃક્ષોના અને ફુલના રોપા પણ મોકલી આપવાની સૂચના આપી હતી. મહંમદની બેરેક સામે શરૂઆતના દિવસોમાં તો પુરજોશમાં બગીચો બનાવવાની કામગીરી ચાલુ હતી, બગીચા ખાતામાંથી રોપા પણ આવી ગયા હતા અને તેને પાણી પીવડાવવા માટે પાણીની પાઈપની પણ વ્યવસ્થા થઈ હતી, જેલ અધિકારીની સમજ બહાર મહંમદ બગીચો બનાવવાના નામે જે માગણીઓ કરી રહ્યો હતો તેમાં સુરંગ બનાવવા માટે જેટલા સાધનો જોઈએ તે બધા તેની પાસે ક્રમશઃ આવી રહ્યા હતા. મહંમદના વોર્ડમાં પહેલા કોઈ કેદી રહેતા ન્હોતા તેના કારણે કચરો પણ ખુબ હતો. તેથી મહંમદે કચરો ભર્યા પછી તેને ફેંકવા માટે સફાઈ કામદારો ઉપયોગમાં લે તેવી કચરો ભરી ફેંકવાની ખાસ લોંખડના પૈડાવાળી ગાડી પણ મંગાવી લીધી હતી, જેમાં વોર્ડમાંથી કચરો ભરી જેલની અંદર દક્ષિણે એક ડમ્પીંગ સાઈટ હતી ત્યાં કચરો પણ ફેંકી આવતા હતા. એક દિવસ તો અચાનક જેલર પંડયા રાઉન્ડમાં નિકળ્યા અને તે પોતાના સ્ટાફ સાથે મહંમદના વોર્ડમાં આવી પહોંચ્યા હતા, તેમણે તેમના વોર્ડમાં લાગી ગયેલા નવા ફુલ છોડના ઝાડ જોયા અને મહંમદ સામે જોતા કહ્યું અરે તમે તો વોર્ડની રોનક બદલી નાખી. પંડયા અગાઉ તેમની ઉપર થયેલા આરોપને કારણે તેમની બેરેકમાં જવા માગતા ન્હોતા પણ તેમના ધ્યાનમાં આવ્યું કે અહીં આઠ કેદીઓ હોવા જોઈએ પણ તેના બદલે છ જ કેદીઓ નજરે પડે છે...

(ક્રમશઃ)

દીવાલઃ ભાગ-63: મહંમદનો એસ્કેપ પ્લાનઃ કાગળ પેન લઈ તે જેલના બેરેકની ભુગોળનો નકશો બનાવવા લાગ્યો