પ્રશાંત દયાળ (દીવાલ ભાગઃ 45): કોર્ટમાં લંબાણપુર્વક દલીલો થઈ, પબ્લીક પ્રોસીક્યૂટરે આરોપોની ગંભીરતાપુર્વક દલીલો કરી હતી, આતંકીઓ પાસે વકીલોની ફોજ હતી. એક એક આતંકી માટે બે બે વકીલો આવ્યા હતા. તેમની દલીલ હતી કે તેમના અસીલો નિદોર્ષ છે, તેમનો ગુનો એટલો જ છે કે તેઓ મુસ્લિમ હોવાને કારણે તેમને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ પોતાની રીમાન્ડ અરજી દરમિયાન એક પણ પુરાવા આપી શકી નથી કે જેના દ્વારા તેમના અસીલ ઉપર પ્રથમ દ્રષ્ટીએ કોઈ ગુનો બનતો  હોય. તેમના અસીલ ઈસ્લામમાં ભરોસો કરનાર અને અલ્લાહનો ડર રાખનારા છે, તેથી પોલીસે માંગેલી રીમાન્ડ અરજી રદ કરી, તેમના અસીલોને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવા જોઈએ. દરેક દલીલ વખત સિન્હાનો જીવ અધ્ધર તાળવે ચોટી જતો હતો. સરકારી વકીલ દર વખતની જેમ જુની પુરાણી દલીલો કરી રહ્યા હતા, સરકારી વકીલની દલિલમાં કોઈ દમ ન્હોતો. સિન્હા વિચારી રહ્યા હતા કે જો તે પોતે જજ હોય તો પોલીસની રીમાન્ડ અરજી ફગાવી દે, સિન્હા જાડેજા દ્વારા સરકારી વકીલને સૂચના મોકલાવતા હતા કે કઈ દલિલ કરવી જોઈએ, તો પણ સરકારી વકીલમાં મીઠુ જ ન્હોતુ. દલિલો પુરી થઈ એટલે જજ કહ્યું પંદર મિનિટ પછી તે પોતાનો ચુકાદો કહેશે. જજે ઊભા થતા પહેલા પુછયું આરોપીઓને કઈ કહેવું છે, છ આંતકીઓ ઊભા થયા તેમણે ડીસીપી સામે જોયું અને પછી કહ્યું કઈ કહેવું નથી, પણ સિન્હાના આશ્ચર્ય વચ્ચે આતંકીઓનો એક વકીલ ઊભો થયો અને તેણે કહ્યું નામદાર કોર્ટ સામે મારી વિનંતી છે કે અમારા અસીલોએ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માર મારવામાં આવ્યો છે તેવી અરજી કરી છે તે પરત ખેંચવા માગીએ છીએ. કોર્ટે તેને મંજુરી આપી. જજ ચેમ્બરમાં જાય તે પહેલા ડીસીપી સિન્હા ઊભા થયા અને તેમણે હાથ ઉંચો કરી કોર્ટનું ધ્યાન પોતાની તરફ દોર્યું જજ તેમની સામે જોતા તેમણે પોતાના બે હાથ પાછળ ખેંચી સલામ કરી અને એક કવર બેંચ કલાર્કને આપતા કહ્યું સર કેસ ડાયરી છે, વિનંતી છે કે રીમાન્ડ અરજી ઉપર ચુકાદો આપતા પહેલા આ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે.

પંદર મિનિટ પછી જજ અને તેમનો સ્ટેનોગ્રાફર ચેમ્બરમાંથી બહાર આવ્યા, કોર્ટમાં નિરવ શાંતિ છવાઈ ગઈ, જજ પહેલા તમામ આરોપીઓ સામે જોયું, પછી તેમના વકીલો સામે અને છેલ્લે સિન્હા સામે જોતા પોતાનો ચુકાદો વાંચતા ચુકાદો આપતા કહ્યું કે, મેં આરોપીઓના વકીલની દલીલની સાંભળી છે, તેમણે પોતાના બચાવમાં કહેલા મુદ્દાઓને મેં ધ્યાન ઉપર લીધા છે, મેં સરકારી વકીલની રીમાન્ડની માગણી કરી અરજી અને તેમની દલીલો નોંધી છે અને આ કેસની તપાસ કરનાર ઈન્વેસ્ટીગેશન ઓફિસર ડીસીપી સિન્હાની કેસ ડાયરી પણ જોઈએ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા કોર્ટ આવા નિર્ણય ઉપર આવી છે કે ગુના ગંભીરતાને ધ્યાનમાં લેતા તમામ આરોપીઓની પોલીસ પુછપરછ જરૂરી છે, જેના કારણે હું તમામ આરોપીઓને 14 દિવસના પોલીસ રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરૂ છું. જજે સિન્હા સામે જોયું, તેમણે પાંપણો નમાવી કોર્ટનો આભાર માન્યો, જજે કહ્યું હું ક્રાઈમ બ્રાન્ચને તાકીદ કરૂ છું કે પોલીસ રીમાન્ડ દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટીશ બાસુએ આપેલી માર્ગદર્શીકાનો પોલીસ ખ્યાલ રાખે, આરોપીઓની નિયમિત મેડીકલ તપાસ થાય અને દર ચાર દિવસે આરોપીઓને તેમના વકીલ મળી શકશે. આતંકીઓ તેમના વકીલ સામે જોવા લાગ્યા એક વકીલ ધીમા અવાજે બોલ્યો ચિંતા મત કરો હમ સેશન્સ કોર્ટ જાયેંગે. આરોપીઓને કોર્ટમાં લાવતી વખતે જે સ્થિતિ સર્જાઈ હતી તેવી ફરી થાય નહીં તે માટે સિન્હાએ વધુ ફોર્સ મંગાવી આખી કોર્ટમાંથી તમામ લોકોને બહાર કઢાવી મુકયા હતા, રીમાન્ડનો ઓર્ડર થતાં પોલીસ તેમને લઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ત્યારે સાંજના પાંચ વાગી રહ્યા હતા. ડીસીપી સિન્હા પોતાની ચેમ્બરમાં ગયા અને આંખો બંધ કરી પોતાની ખુરશી ઉપર માથુ પાછળની તરફ ટેકવી પંદર મિનિટ બેસી રહ્યા, તેમણે આંખ ખોલી અને બારી તરફ જોયું તો અંધારૂ થવા આવ્યું હતું, કામ શરૂ કરતા પહેલા તેમણે પોતાના ઘરે ફોન કરી પત્ની અને દિકરી સાથે વાત કરી લીધી અને પત્નીને સૂચના આપી કે તે ગાડી મોકલે છે, ટીફીન મોકલી આપે કારણ આજે રાત્રે તે ઘરે આવી શકે તેમ નથી. ત્યાર પછી તેમણે કોફી મંગાવી અને કોફી પુરી થયા પછી સીગરેટનો કશ મારતા મારતા વિચારોમાં ખોવાઈ ગયા. સામાન્ય રીતે તેઓ આખી સીગરેટ ક્યારેય પીતા ન્હોતા, પણ આજે વિચારોમાં હતા ત્યારે સીગરેટ પુરી થઈ ગઈ તેની તેમને ખબર જ રહી નહીં.

તેમણે બેલ મારી જાડેજાને બોલાવવાનું કહ્યું જાડેજા આવતા તેમણે જાડેજા સામે જોયું અને હસ્યા અને કહ્યું જાડેજા હવે આપણે કામ શરૂ કરીશુ, હવે જ ખરૂ કામ કરવાનું છે, જાડેજાએ જી સર કહ્યું. તેમને યાદ આવ્યું હોય તેમ તેમણે કહ્યું મેં ટીફીન મંગાવી લીધુ છે, પછી હસ્યા અને કહ્યું મારા કારણે તમે ભુખ્યા રહી જાવ છો કેમ, આજે મારી સાથે જમી લેજો. જાડેજા પણ આજે ટીખળના મુડમાં હતા, તેમણે કહ્યું ના સર આજે તો મેં પણ ગાડી મોકલી ટીફીન મંગાવી લીધુ અને કહ્યું છે કે હવે રોજ બપોર અને રાતનું ટીફીન મોકલી જ આપજો, મારી પત્નીએ કહ્યુ ટીફીન નહીં કપડાં પણ મોકલી આપીશ ત્યાં જ રહેજો. સિન્હા જાડેજાની વાત સાંભળી હસવા લાગ્યા અને કહ્યું સાલી પુલીસ કી નોકરી જ ઐસી હૈ. સિન્હા પોતાની ખુરશીમાં કડક થયા અને જાડેજા સબ કો ઉપર કે હોલ મેં લેકર આઓ બાત કરની હોગી, મહેમાનો કા પરિચય તો હો જાય. જાડેજા સર કહી બહાર નિકળ્યા. પાંચ-સાત મિનિટ પછી સિન્હા પોતાની ખુરશીમાંથી ઉપરના માળે આવેલા હોલમાં જવા ઊભા થયા અને ચેમ્બરની બહાર નિકળતી વખતે ખુણામાં પડેલી સીસમની લાઠી તરફ તેમની નજર ગઈ, તે પાછા આવ્યા હાથમાં લાઠી લીધી. તેની મજબુતાઈ તપાસી, કઈક વિચાર કર્યો અને પાછી લાઠી તેની જગ્યાએ મુકી ઉપરના માળે પહોંચી ગયા.

સિન્હા ઉપરના માળે ગયા ત્યારે છ આતંકી લાઈનમાં ઊભા હતા, સિન્હા આવતા તરત એક પોલીસવાળો ખુરશી લઈ આવ્યો અને આતંકીઓ ઊભા હતા તેમનાથી પાંચ-સાત ફુટ દુર બરોબર વચ્ચે ખુરશી મુકી સિન્હા ત્યાં આવી બેઠા. આતંકીઓની ચારે તરફ પોલીસના માણસો ઊભા હતા, આતંકીઓના હાથમાં હાથકડી હતી, સિન્હાએ પહેલા બધાના ચહેરા ધ્યાનથી જોયા અને પછી જાડેજા સામે જોતા કહ્યું ઈનકે હાથ ખોલ દો, તરત એક કોન્સટેબલ આગળ આવ્યો અને એક પછી એક આંતકીઓના હાથની કડીઓ ખોલી નાખી, સવારથી હાથમાં કડીઓ હતી જેના કારણે કાંડામાં દુઃખાવો થતો હોય તેમ બધા પોતાના કાંડાઓને પંપાળવા લાગ્યા, એક કોન્સટેબલ સિન્હા પાસે લાઠી મુકવા આવ્યા. સિન્હાએ તેની સામે જોયુ અને પછી આતંકીઓ સામે જોતા કહ્યું મુઝે લગતા હૈ, અભી ઈસકી જરૂરત નહીં પડેગી, લે જાઓ. કોન્સટેબલ લાઠી લઈ જતો રહ્યો હતો. ડીસીપીએ કહ્યું પહેલે મેં અપના પરિચય દે દુ, મેં ડીસીપી હરીશ સિન્હા હું, આપ કે કેસ કા ઈન્વેસ્ટીગેશન ઓફિસર હું, પછી યાદ કરી કહ્યું બીસ બ્લાસ્ટ હે, સભી કેસ મેં આપકા રીમાન્ડ તો મીલેગા યાની આપ હમારે સાત આઠ મહિને તક કે મહેમાન રહેંગે, પછી હસ્યા. મુઝે લગતા આપ કો હમારે સાથ દોસ્તી કર લેની ચાહીયે, પણ છએ આતંકીના ચહેરા ઉપર કોઈ ફેરફાર થયો નહીં.

(ક્રમશ:)

દીવાલ ભાગઃ 44- ગદ્દારો પાકિસ્તાન જતા રહો, ગદ્દારોને મારી નાખો કહી એક ટોળુ કોર્ટમાં આગળ વધ્યું...