પ્રશાંત દયાળ (દીવાલ ભાગઃ44): ડીસીપી સિન્હાની એક આદત હતી, જ્યારે તેઓ કોઈ કામ વ્યવસ્થીત રીતે કરવા માગતા હોય ત્યારે તેઓ કાગળ પેન લઈ એક એક મુદ્દાઓ નોંધી લેતા હતા. સિન્હા યાદ કરી રહ્યા હતા કે, બ્લાસ્ટ થયો તે દિવસથી લઈ હમણાં સુધી કઈ કઈ માહિતી તેમની નોટિસ ઉપર આવી હતી. તેમણે યાદ કરી પહેલા તે મુદ્દા કાગળ ઉપર નોંધ્યા, ત્યાર બાદ તેમને પહેલી ટીપ રીઝવાન તરફથી મળી હતી. રીઝવાને શું કહ્યું તે યાદ કરી તેમણે કઈક નોંધ્યુ ત્યાર બાદ, યાકુબનગર અને ફિરોઝચાચાને યાદ કર્યા તેમના અંગે કયા પ્રશ્નો પુછવાના છે તેમણે તેમની નોંધ કરી, ત્યારે નસીરૂઉદ્દીનનું નામ પણ યાદ આવ્યું તેના અંગે કઈ જાણકારી લેવાની છે તેની પણ નોંધ કરી. ત્રણ ટીમે આ છ આતંકીઓ પ્લેનમાં અમદાવાદ લાવતા પહેલા સાંજે સ્થાનિક કોર્ટમાં રજુ કરી ટ્રાન્ઝીકટ રીમાન્ડ લીધા હતા. સિન્હાના પ્લાનીંગ પ્રમાણે હજી સાંજ સુધી તેમની પાસે સમય હતો. ડીસીપીએ છ આતંકીઓને વ્યકિગત મળી, એક એક સાથે વાત કરવા માગતા હતા. ડીસીપીને ખબર હતી કે આ માર ખાધા વગર બોલશે નહીં તેમ છતાં એક વખત વ્યકિતગત વાત કરી લઈએ તો કોણ કેટલા પાણીમાં છે તેનો અંદાજ આવી જાય. ડીસીપીએ હજી નક્કી જ કર્યું કે એક પછી એક આતંકીઓને બોલાવીએ ત્યાં જ ઈન્સપેકટર જાડેજા હાફળા-ફાફળા ડીસીપીની ચેમ્બરમાં દાખલ થયા. ડીસીપીએ તેમની સામે જોયું, ડીસીપી કઈ પુછે તે પહેલા જાડેજાએ કહ્યું સર મેં પબ્લીક પ્રોસીકયુટર સાથે વાત કરી, તેમણે મને કહ્યું આ લોકોના વકિલોએ કોર્ટમાં ફરિયાદ કરી છે કે ક્રાઈમ બ્રાન્ચ તેમના અસીલો સાથે મારઝુડ કરે છે અને તેમનું એન્કાઉન્ટર થઈ જવાનો ડર છે. સર કોર્ટે આપણને નોટિસ કાઢી બે વાગે કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું છે. સિન્હાએ ગુસ્સામાં આવી ટેબલ ઉપર હાથ પછાડયો અને ઊભા થઈ ગયા. તેમના મોંઢામાંથી મા.. એક ગાળ નિકળી ગઈ, તેમણે જાડેજાને પુછયું જાડેજા તમે તેમને માર્યા છે, જાડેજાએ ના પાડી, જાડેજા, મેં તેમને માર્યા છે, જાડેજાએ નકારમાં માથુ હલાવ્યુ તો પણ સાલા જુઠ્ઠાની ઓલાદો આપણી સામે ખોટી ફરિયાદો કરે છે.

સિન્હા ગુસ્સામાં આવે એટલે ચેમ્બરમાં આટા મારવા લાગે અને ક્યારેક સીગરેટ પણ પીવા લાગે, આજે સિન્હા તેવું જ કરી રહ્યા હતા, એકદમ સિન્હા ઊભા રહી ગયા અને તેમણે જાડેજાને કહ્યું તેમણે આપણી સામે માર મારવાની ફરિયાદ કરી છેને એક કામ કરો, તેમને હવે બહાર કાઢો, પાછી ગાળ નિકળી હવે તો તેમને મારવા જ પડશે. કોર્ટને જે તોડવુ હોય તે તોડી લે. જાડેજા ડરી ગયા, તેમણે સિન્હાને સમજાવવાનો પ્રયત્ન કર્યો સર તેવું કરવાની જરૂર નથી. તેમણે આપણને ઉશ્કેરવા માટે જ ખોટી ફરિયાદ કરી છે, આપણે કોઈ ભુલ કરીએ તેવું તેઓ ઈચ્છે છે. સર, એક વખત રીમાન્ડ મળે પછી તેઓ આપણી પાસે જ રહેવાના છેને.. સિન્હા વિચાર કરવા લાગ્યા, તેમને જાડેજાની વાત સાચી લાગી, છતાં તેમના રાઉન્ડ મારવાના ચાલુ હતા. થોડીવાર પછી તેઓ પોતાની ખુરશીમાં બેઠા સીગરેટ હાથમાં લીધી પણ સળગાવી નહીં, તેમણે જાડેજાને કહ્યું એક કામ કરો, હવે તેમને અને તેમના વકિલોને આપણે કાયદો શીખવાડવો પડશે, બ્લાસ્ટના કેસની કેટલી એફઆઈઆર થઈ છે, જાડેજાએ કહ્યું સર વીસ સિન્હાએ કહ્યું એક કામ કરો દરેક એફઆઈઆરના અલગ અલગ રીમાન્ડ માગો, આજે તમે ખાડીયાથી શરૂ કરો, તમે રીમાન્ડ અરજી તૈયાર કરો, આપણે બે વાગ્યા પહેલા તેમને કોર્ટમાં રજુ કરી દઈ, જાડેજાએ જી સર, જાડેજા નિકળવા જતા હતા, ત્યારે સિન્હાને યાદ આવ્યું એક કામ કરો, બધાને પુરા બંદોબસ્ત સાથે વીએસ હોસ્પિટલ લઈ જાવ તેમની મેડીકલ કરાવી લો, તેમના મેડીકલ રીપોર્ટ સાથે આપણે કોર્ટમાં જઈશું. જાડેજા સર કહી નિકળવા જતા હતા ત્યારે ફરી સિન્હાએ તેમને ફરી રોકતા કહ્યું, તેમને જમાડી પણ દેજો. જાડેજાના ચહેરા ઉપર એક સ્મીત આવી ગયું, સિન્હાએ તે જોયું પણ જાણે જોયું જ નથી તેવો દેખાવ કર્યો.

બપોરના પોણા બે વાગે સૌથી પહેલા ડીસીપી સિન્હા મીરઝાપુર કોર્ટમાં પહોંચી ગયા, ત્યાં મોટી સંખ્યામાં લોકાના ટોળા હતા, ઘણા કેસરી ખેસ બાંધીને આવેલા હતા. સિન્હાને તરત સ્થિતિનો અંદાજ આવી ગયો, તેમણે પોતાનો મોબાઈલ ફોન કાઢયો અને કંટ્રોલરૂમને સૂચના આપી કે તાત્કાલીક આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને કોર્ટમાં મોકલી દો, ડીસીપી સિન્હાએ પોતે ફોન કર્યો હોવાને કારણે પાંચ-સાત મિનીટોમાં જ પોલીસનો વધારાનો ફોર્સ આવી પહોંચ્યો, સિન્હાએ ટોળા તરફ પોલીસને મોકલી આદેશ આપ્યો કે આ ટોળુ આગળ આવવું જોઈએ નહીં. કોર્ટ ચોથા માળે હતી. તેમણે પહેલા જ ચોથામાળે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને તૈનાત કરી દીધો હતો. ચોથામાળે વકિલોને બાદ કરતા કોઈ પણ ખાનગી વ્યકિને જવાની છૂટ ન્હોતી, જ્યારે પત્રકારોએ વિનંતી કરી ત્યારે સિન્હાએ તેમને કોર્ટ રૂમમાં જવાની મંજુરી આપી હતી. માહોલમાં એક પ્રકારની તંગદીલી હતી. સિન્હા સ્થિતિને સુંઘી રહ્યા હતા, જેવા આતંકીઓને લઈ જાડેજા આવે તેની સાથે સાથ તેમને લીફટ દ્વારા ચોથા માળે લઈ જવા માટે એક લીફટને ગ્રાઉન્ડ ફલોર ઉપર રોકી રાખવામાં આવી હતી. બે વાગ્યાના ટકોરે જાડેજા તેમના કાફલા સાથે કોર્ટના કંપાઉન્ડમાં દાખલ થયા, જેવા જાડેજાના વાહનો આવ્યા તેની સાથે ટોળામાંથી સુત્રોચ્ચારની શરૂઆત થઈ, ગદ્દારો પાકિસ્તાન જાઓ, ગદ્દારો પાકિસ્તાન જાઓ, ટોળુ પોલીસને હડસેલી પોલીસના વાહનો તરફ આગળ જવા માગતુ હતું, પોલીસ તેમને પાછળ તરફ હડસેલી રહી હતી, સિન્હાને ટેન્શન થઈ રહ્યુ હતું જેવા વાહનો રોકાયા તેની સાથે સિન્હાએ બુમ પાડી જાડેજા જલદી ઉનકો ઉતારકર લે જાઓ. સિન્હાની નજર ટોળા તરફ હતી, તે ગમે તે ક્ષણે પોલીસ કોર્ડન તોડી નાખે તેવી સ્થિતિમાં હતું, ટોળામાં ગુસ્સો હતો. જાડેજાએ બુલેટપ્રુફ વાનનો દરવાજો ખોલ્યો અને બધાને નીચે ઉતારવાની શરૂઆત કરી, બુરખા પહેરાલા આતંકીઓ જેવા વાનની બહાર નજરે પડયા તેની સાથે ટોળાએ તાકાત અને સુત્રોચ્ચાર વધાર્યા, ગદ્દારો પાકિસ્તાન જતા રહોને બદલે બદલે ગદ્દારોને મારી નાખો શરૂ થયું અને ટોળું એક તરફ પોલીસ કોર્ડન તોડવામાં સફળ રહ્યું. સિન્હાએ તે જોયું પણ ખરૂ, સિન્હા એકદમ દોડયા અને જે પોલીસવાળા આરોપીને લઈ જઈ રહ્યા હતા તેમને ધક્કા મારી દોડાવતા કહ્યું, જલદી ઉનકો લીફટ મેં લે જાઓ અને તમામ આરોપીઓને લીફટમાં રીતસર ધક્કો મારી તેમણે લીફટ મેનને લીફટ બંધ કરવાનો આદેશ આપ્યો, તે લીફટનો દરવાજો બંધ થાય ત્યાં સુધી આડો હાથ કરી ઊભા રહ્યા અને લીફટનો દરવાજો બંધ થયો. સિન્હા તરત સીડી તરફ દોડયા અને ચોથા માળે જવા માટે એકને બદલે ત્રણ ત્રણ પગથીયા ચઢવા લાગ્યા હતા, સિન્હાને આટલી ઝડપે સીડી ચઢવાની આદત જતી રહી હતી, જેના કારણે તેઓ ચોથામાળે પહોંચ્યા ત્યારે હાંફી ગયા હતા. લીફટમાં આરોપીઓ લઈ પહોંચેલી પોલીસ કોર્ટ રૂમમાં દાખલ થઈ ગઈ હતી, આખી કોર્ટ વકિલોથી ભરેલી હતી.

 (ક્રમશઃ)

દીવાલ ભાગ-43:ડીસીપી સિન્હાએ પત્નીને કહ્યું, ટીવી ચાલુ કર કે દેખો સબ સમજ જાઓ ગી