દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ.એટલાન્ટા): વિદેશમાં-અમેરિકાની ધરતી પર વસતા ભારતીય સમુદાય માટે કૃષ્ણ ભક્તિનું આસ્થા સ્થળ એટલાન્ટા સિટીમાં ‘ગોકુલધામ’ તરીકે સ્થપાયું છે. પુષ્ટિ સંપ્રદાય હેઠળની આ ગોકુલધામ હવેલી માટે  વર્ષ 2009 થી સમર્પિત ડૉ. કે.સી. શાહે તેમના કામકાજમાં ફાયનાશ્યિલ એડ્વાઇઝથી થતી આવક ગોકુલધામને ડોનેટ કરી દાતા તરીકે તેમના ‘કૃષ્ણજીવન’ નામને સાર્થક કર્યું છે.

સેવા, સમર્પણ, સદભાવ, સત્સંગ અને સંગઠન આ પાંચ પુષ્ટિ સંપ્રદાયના મૂલ્યો છે. આ પુષ્ટિ સંપ્રદાય હેઠળની આ ‘ગોકુલધામ હવેલી’ માત્ર 3 વર્ષમાં અમેરિકાના દક્ષિણ-પૂર્વ(સાઉથ-ઇસ્ટ રિજિયન) વિસ્તારમાં હિન્દુ સંસ્કૃતિ-હિન્દુ પરંપરાની અાગવી ઓળખ ઊભી કરી આકર્ષણનું કેન્દ્ર બની છે.


 

 

 

 

 

ભારત-ગુજરાતમાં વડોદરાની કલ્યાણરાયજી હવેલીના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણ‌વાચાર્ય 108  દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીનો આરંભ ઓક્ટોબર-2017 માં થયો હતો. આ ગોકુલધામ હવેલી આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, માનવતાવાદી અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની છે. ગોકુલધામમાં બિરાજમાન ગોવર્ધનનાથજી અને કલ્યાણરાયજી પ્રભુના સાંનિધ્યમાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઠાકોરજીની ભક્તિનું સુખ મેળવી મનની શાંતિની સાથે ઇશ્વરીય શક્તિનો અનુભવ કરી રહ્યા છે.

ગોકુલધામ હવેલી માટે નામી-અનામી અનેક દાતાઓએ તન-મન-ધનથી યોગદાન આપી ઠાકોરજી પ્રત્યેની તેમની સેવા ભાવના વ્યક્ત કરી છે. દાનની સરવાણી વહેવડાવનાર દાતાઓમાં મુખ્યત્ત્વે ડૉ. કૃષ્ણજીવન શાહ (ડૉ. કે.સી. શાહ) અને તેમના જીવનસંગીની મયુરીબહેન શાહનું પીઠબળ કદીએ ભૂલાય તેમ નથી. એટલાન્ટામાં 2009 થી ગ્લોબલ મોલ ખાતે ‘ગોકુલધામ’નો નાના સેન્ટર તરીકે પ્રારંભ થયા બાદ ડૉ. કે.સી. શાહનું પરિવાર ગોકુલધામ પરિવાર સાથે જોડાયું હતું. વ્યવસાયે તબીબ અને હાલ નિવૃત્ત જીવન વિતાવતા ડૉ. કે.સી. શાહ ગોકુલધામને દાન આપવામાં  મન-વચન અને કર્મથી સતત પ્રવૃત્ત રહીને દર વર્ષે મોટી રકમનું દાન ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે.


 

 

 

 

 

ગુજરાતમાં ઉમરેઠના વતની ડૉ.કે.સી.શાહ અને મયુરીબહેને ‌વર્ષ-2009 માં જ ગોકુલધામને દર વર્ષે મોટી રકમનું દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારબાદ ડૉ.કે.સી.શાહ માટે તેમના કામકાજમાં ‘ગોકુલધામ ફર્સ્ટ’ બન્યું છે. એટલું જ નહીં તેમના સંકલ્પ અંતર્ગત તેઓ ફાયનાશ્યિલ એડ્વાઇઝ આપી તેનાથી થતી આવક ગોકુલધામને ડોનેટ કરી નાણાંકીય મદદ કરી રહ્યા છે. આ નાણાંકીય મદદના કારણે જ ગોકુલધામ હવેલીનું ટ્રસ્ટી બોર્ડ હવેલીને લગતા મોટા ખર્ચા પૂરા કરવા સક્ષમ બન્યું છે. ડૉ. કે.સી. શાહના આ કાર્યમાં તેમના ધર્મપત્ની મયુરીબહેન તેમજ તેમના પુત્ર ધવલ અને પુત્રીઓ રિપલ તેમજ રચનાનો સરાહનીય સહકાર મળી રહ્યો છે.

ડૉ. કે.સી.શાહ અને મયૂરી બહેન સિનિયર સિટિઝન્સ માટે સતત પ્રવૃત્ત

ડૉ.કે.સી.શાહ અને તેમના ધર્મપત્ની મયુરીબહેન સિનિયર સિટિઝનને મદદરૂપ થવા માટે સિનિયર સિટિઝન્સનું સંગઠન ચલાવી રહ્યા છે. જેના થકી સિનિયર સિટિઝન્સને એકત્ર કરી ગીત-સંગીતના કાર્યક્રમો,  અમેિરકન ગર્વમેન્ટની સિનિયર સિટિઝન્સ માટેની લાભકારી યોજનાઓથી માહિતગાર કરતા સેમિનાર તેમજ ઇન્સ્યોરન્સ અને ફાયનાન્સિયલ એડ્વાઇઝ આપતા કાર્યક્રમો યોજે છે. જેના થકી સિનિયર સિટિઝન્સને નિવૃત્તિના સમયમાં આ સંગઠન ઉપયોગી પુરવાર થયું છે. આ ઉપરાંત વડોદરામાં ગરીબ દર્દીઓને દવાઓની મદદ માટે કાર્યરત હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટને પણ ડૉ. કે.સી.શાહ દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.