મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ : રાજ્યમાં ત્રણેક જિલ્લાઓમાં છેલ્લા બે મહિનાથી છ મહિના સુધી કલેક્ટર અને ડીડીઓ જેવી કી પોસ્ટ ખાલી હતી. જેમાં રાજ્ય સરકારે આજે જાહેર કરેલા IASનાં ટ્રાન્સફર ઓર્ડરમાં આવી જગ્યાઓએ પોસ્ટિંગ કરવામાં આવી છે. પ્રમોટી તેમજ સીધી ભરતીના આઈએએસ ઓફિસર્સના આ ઓર્ડરમાં નવ અધિકારીની બદલીઓ કરવામાં આવી છે. જોકે હજુ પણ બે આઈએએસને પોસ્ટિંગ આપવામાં આવી નથી. જેને લઈને આગામી દિવસોમાં કલેક્ટર લેવલના ઓફિસર્સની ટ્રાન્સફર થઈ શકે છે તેવી અટકળો તેજ બની છે.

રાજ્ય સરકારે જે નવ આઇએએસની બદલી કરી છે તેમાં સુરતના ડીડીઓ એચ.કે. કોયાને સાબરકાંઠા કલેક્ટર તરીકે  નિમણૂંક આપવામાં આવી છે. ICDSનાં કમિશનર એ.એસ. શર્માની ડાંગ આહવા કલેક્ટર તરીકે, GIDCનાં જોઈન્ટ એમડી કે.એસ. બચાણીને ખેડા જિલ્લાનાં ડીડીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડી.ડી. કાપડિયા નામનાં ઓફિસરને તાપી-વ્યારાનાં ડીડીઓ તરીકે, ડીએસ ગઢવીને ખેડા-નડિયાદના ડીડીઓ તરીકેથી હટાવીને સુરત જિલ્લાના ડીડીઓ તરીકે બદલવામાં આવ્યા છે. કે.ડી. લાખાણીને મહીસાગર-લુણાવાના નાં ડીડીઓ તરીકે,પી.ડી. પલસાણાને નર્મદા ડીડીઓ તરીકે, 
એબી રાઠોડને પંચમહાલ-ગોધરા ડીડીઓ તરીકે તથા રવિન્દ્ર ખટાલે નામના સીધી ભરતીના આઈએએસને ગીર-સોમનાથના ડીડીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


 

 

 

 

 

કોરોના કાળમાં પરખાઈ ગયેલી ગુજરાતની ભાજપ સરકારનો 'નિર્ણાયક' વહીવટ તેમજ ખાલી જગ્યા અંગે અંગે ત્રીસમી એપ્રિલના 'મેરાન્યૂઝ'ના અહેવાલમાં ટકોર કરવામાં આવી હતી. જેમાંપંચમહાલ જિલ્લામાં છ મહિનાથી ડીડીઓની ખાલી પોસ્ટ, સોમનાથમાં ફેબ્રુઆરીથી જિલ્લા વિકાસ અધિકારીની પોસ્ટિંગ તેમજ સાબરકાંઠાના કલેક્ટરની ચાર્જ ઉપર ચાલતી જગ્યાઓ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. કારણ કે, જિલ્લા લેવલે કલેક્ટર અને ડીડીઓની જગ્યા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 

બે ડાયરેકટ આઈએએસને પોસ્ટિંગ નથી મળ્યું, હજુ ટ્રાન્સફર થવાની શક્યતા

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નવ સનદી અધિકારીનાં બદલીના હુકમમાં બે સીધી ભરતીના ઓફિસરને હજુ કોઈ જગ્યાનો ચાર્જ આપવામાં આવ્યો નથી તે સ્પષ્ટ થાય છે. નેહા કુમારી અને ડૉ.જીન્સી રોય નામની બે મહિલા આઈએએસને પોસ્ટિંગ મળ્યું નથી. જેને પગલે આગામી સમયમાં હજુ પણ કલેક્ટર, ડીડીઓ અને જોઈન્ટ-ડેપ્યુટી સેક્રેટરી લેવલે આઈએએસ ઓફિસરમાં ટ્રાન્સફર ઓર્ડર થઈ શકે છે.