મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): બે દિવસમાં ભારત અને બોલીવુડે બે દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાનને ગુમાવ્યા છે. હજી પણ મન માનવા તૈયાર નથી કે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ તેમની અભિનયકળાથી તેઓ કરોડો દિલમાં અમર રહેશે.

ઋષિ કપૂરે પોતાની બાયોગ્રાફી લખી છે જે વર્ષ ૨૦૧૭માં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકનું નામ છે “ખુલ્લં ખુલ્લા ઋષિ કપૂર અનસેન્સર્ડ”. જેમાં તેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા જે ક્યારેય સામે આવ્યા નહોતા. તેમાં પોતાની ઘણી ભૂલોની કબૂલાત પણ કરી છે. આવી જ એક ઘટના અંગે તેણે દાઉદ ઇબ્રાહિમ સાથેની દુબઈમાં થયેલી મુલાકાતનો લખ્યો છે.

૧૯૯૩થી ભારતમાંથી ફરાર દાઉદ હાલમાં તેના ગુનાઓની વિશાળ યાદી માટે મોસ્ટવોન્ટેડનાં લિસ્ટમાં છે. ઘણી ભારતીય ફિલ્મના પાત્રો દાઉદ ઇબ્રાહિમના રિઅલ કેરેક્ટરથી પ્રભાવિત છે. જેમાં ૨૦૧૩ની ઋષિ કપૂર અને ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ “D-Day”નો પણ સમાવેશ થાય છે. જેમાં ઋષિ કપૂરનું પાત્ર ‘ગોલ્ડમેન’ પણ દાઉદનાં રિઅલ કેરેક્ટરથી પ્રભાવિત હતું.

 ઋષિ કપૂરે તેમનાં પુસ્તકમાં દાઉદ સાથેની બે મુલાકાત વિશે લખ્યું છે. તેની પહેલી મુલાકાત ૧૯૮૮માં દુબઈમાં થઈ હતી. ઋષિ કપૂર તેના મિત્રો સાથે "આશા ભોંસલે-આરડી બર્મન નાઇટ" માટે દુબઇમાં હતો અને દાઉદનો એક માણસ તેને ફોલો કરતાં કરતાં એરપોર્ટ પર આવી ગયો અને તે અજાણ્યા માણસે ઋષિ કપૂરને ફોન આપીને કહ્યું “દાઉદ સાબ બાત કરેંગે.” ત્યારબાદ દાઉદે ઋષિ કપૂરને પોતાનાં ઘરે આમંત્રણ આપ્યું.

ત્યારબાદ ઋષિ કપૂરને લેવા ખાસ "રોલ્સ રોયસ" ગાડી આવી અને ઋષિ કપૂર સાથે તેનો એક મિત્ર દાઉદના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં ગાડીને ખૂબ ફેરવવામાં આવી જેથી ઋષિને એવું લાગ્યું કે અમે દાઉદનાં ઘરનું સરનામું અને રસ્તો જાણી ના જઈએ એટલે આમ કરવામાં આવે છે. પણ જ્યારે દાઉદના માણસ પર એક ફોન આવ્યો અને કચ્છી ભાષામાં વાત થઈ ત્યારે ઋષિની સાથે જે મિત્ર હતો તે કચ્છી ભાષા જાણતો હતો. આથી ખબર પડી કે હવે ફોન આવે ત્યારે જ ઘરે પહોંચવાનું છે. હજી પહોંચવાનો સમય થયો નથી.

ઋષિ કપૂર તેના મિત્ર સાથે દાઉદના ઘરે પહોંચે છે. તેમને ચા અને બિસ્કીટ પીરસવામાં આવે છે. અને દાઉદે કહ્યું કે, “હું તમને સાંજે જ બોલાવતો પણ હું શરાબ પીતો નથી એ કારણથી તમને અત્યારે બોલાવવાનું ઉચિત લાગ્યું.” અને દાઉદે ઋષિ કપૂરના અભિનય વિષે વાત કરતાં કહ્યું હતું કે, ફિલ્મ ‘તવાયફ’માં આપનો અભિનય સરસ છે, મને બહુ જ ગમે છે. કારણ કે એમાં તમારું નામ ‘દાઉદ’ છે અને ફિલ્મનો વિષય વુમન એમ્પાવરમેન્ટ હતો. તમે મારાં નામનો ખરેખર સારો પ્રચાર કર્યો છે. હું તમારો અને સમગ્ર કપૂર પરિવારનો ચાહક છું. મેં તમારા બધાની ફિલ્મો જોઈ છે. દાઉદે રાજ કપૂર વિષે પણ ખૂબ વાતો કરી.

લગભગ ૪ કલાક ચાલેલી આ મુલાકાતમાં ઘણી વાતો થઈ અને ઋષિ કપૂરે દાઉદને કહ્યું કે ‘આ બધું છોડીને ભારત આવી જા અને કાયદાને શરણે થઈ જા’ જવાબમાં દાઉદે કહ્યું હતું કે ‘મેં કોઈને માર્યા નથી, મેં મરાવડાવ્યા છે અને હું ઘણા મોટા લોકોના વિરુદ્ધ થઈ ગયો છું એટલે કદાચ મારું એન્કાઉન્ટર પણ થઈ જશે. એટલે હું નહીં આવી શકું.’ મુલાકાતના અંતે દાઉદે ઋષિ કપૂરને કહ્યું કે , "જો તમને પૈસા કે અન્ય કંઈપણની જરૂર હોય તો, મને બિન્દાસ જણાવી શકો." જો કે, અભિનેતાએ તેનો ઇનકાર કર્યો હોવાનું તેમણે લખ્યું હતું.

જો કે ઋષિ કપૂરે એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ સમયે દાઉદ એક સામાન્ય ગુંડો હતો અને હું સામે ચાલીને કે જેલમાં તેને મળવા ન્હોતો ગયો. અમે આવા સામાન્ય ગુંડાઓને મળીએ તો ભવિષ્યમાં એવા પ્રકારના અભિનય માટે ઘણી શીખ મળતી હોય છે અને દાઉદ સાથેની મુલાકાત પાછળ એ જ મારો ઉદ્દેશ હતો. ઋષિ કપૂરે આત્મકથામાં લખ્યું છે કે, પહેલા દાઉદ તેને ખૂબ સારો લાગતો, તે ઘણી હુંફ દર્શાવતો હતો. પણ જ્યારથી દાઉદનું ભારત પ્રત્યેનું વલણ બદલાયું છે ત્યારથી મને તે સારો નથી લાગતો અને તેનાં વલણનું બદલાવું એ પણ મારા માટે મૂંઝવણનો પ્રશ્ન છે.

ઋષિ કપૂર દાઉદને ફરીવાર દુબઈમાં જ મળ્યા હતા. ઋષિ કપૂર અને તેની પત્ની નીતુ એક સ્ટોરમાં બુટની ખરીદી કરતાં હતાં. જ્યાં દાઉદ ૮-૧૦ બોડીગાર્ડ સાથે અચાનક આવી ગયો. તેના હાથમાં મોબાઈલ ફોન હતો. આ વખતે પણ દાઉદ અભિનેતાને કંઈક ખરીદવાની ઓફર કરે છે. પણ ઋષિ આ વખતે પણ ના કહે છે. દાઉદ ઋષિ કપૂરને પોતાનો મોબાઈલ નંબર આપીને રવાના થાય છે. આ તેમની છેલ્લી મુલાકાત હતી.

ઋષિ કપૂરે એક પત્રકારને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ બે મુલાકાત પછી અમે એકબીજાને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન સુધ્ધાં નથી કર્યો. પણ મારા પિતા રાજ કપૂરના અવસાન વખતે સવારે ૬:૦૦ વાગે એક અજાણ્યો માણસ મારાં ઘરે આવ્યો અને કહ્યું કે, હું ગેર કાયદેસર રીતે આવ્યો છું અને તરત જ ગેરકાયદેસર રીતે પરત જઈશ. મને દાઉદે મોકલ્યો છે આપને અને રણધીર કપૂરને જણાવવા કે, “રાજ કપૂરનાં અવસાનનું દાઉદને ઘણું દુઃખ થયું છે. અને સમગ્ર કપૂર પરિવારને આશ્વાસન આપ્યું છે.” બસ આટલું કહીને પેલો અજાણ્યો માણસ તરત જ પાછો જતો રહે છે.