પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.વડોદરા): પહાડી વિસ્તારમાંથી આવતા ગુજરાતના પૂર્વ ડીજીપીનો કેરિયર ગ્રાફ બીનવિવાદાસ્પદ રહ્યો છે. વડોદરામાં ડે. પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે દાઉદ ઈબ્રાહીમની ધરપકડ કરી હતી. અનેક પડકારજનક ઘટનાઓને અંજામ આપનાર પી સી ઠાકુર પોતાની કેરિયર દરમિયાન આત્મશ્લાઘાથી દુર રહ્યા હતા. 2016માં ગુજરાતનું સર્વોચ્ચ ડીજી પદ મેળવ્યા બાદ નિવૃત્તિના થોડા મહિના પહેલા જ એક વિચિત્ર ઘટનાને કારણે ડીજીપી પદેથી તેમની ભારત સરકારમાં નિયુક્તિ આપવામાં આવી હતી. કોઈપણ ડીજીપી માટે આ અપમાન જનક સ્થિતિ છે.

પરંતુ પી સી ઠાકુરે આજ સુધી એક હરફ ઉચ્ચાર્યો નથી અને તેમણે તત્કાલ પોલીસ સેવામાંથી રાજીનામું આપી દીધું. નિવૃત્તિ પછી પોતાની સેવાકીય પ્રવૃત્તિ માટે તેમણે વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી અને એક સામાન્ય માણસની જેમ જીંદગી જીવવા લાગ્યા. તેમણે પોતાના માથેથી પૂર્વ આઈપીએસ એવો ભાર ઉતારી નાખ્યો હતો. આ દરમિયાન તેમના જીવનમાં પારિવારીક પીડાદાયક સમય પણ પસાર થયો. તેમણે પોતાના પત્ની ગુમાવ્યા જેને આજીવન તેમણે ખુબ પ્રેમ કર્યો અને સેવા કરી હતી, પરંતુ જીવનના માઠા અનુભવોને પાછળ મુકી સાંઈઠી વટાવી ચુકેલા પી સી ઠાકુર પોતાના સમવયસ્કો સાથે રોજ એક નવી જીંદગી જીવવાનો પ્રયત્ન કરે છે. 

કેવી રીતે પકડ્યો હતો દાઉદને

દાઉદ એ જમાનામાં સોનાની દાણચોરી માટે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરતો હતો. દાઉદ ઈબ્રાહીમ સામે કસ્ટમ વિભાગે કાફેપોસા એક્ટ હેઠક ગુનો નોંધ્યો હતો, પરંતુ કસ્ટમની પક્કડની બહાર હતો દાઉદ, આ દરમિયાન તે વડોદરા આવ્યો છે તેવી જાણકારી પી સી ઠાકુરને મળતાં પી સી ઠાકુરે તેને ઝડપીને કસ્ટમ વિભાગને સોંપ્યો હતો. જોકે ત્યારે સામાન્ય દાણચોર દાઉદ આટલો મોટો આતંકવાદી થઈ જશે તેવી ગુજરાત અને ભારતની પોલીસને ખબર ન હતી.

તાજેતરમાં આવેલા ફ્રેન્ડશીપ ડે પર વડોદરા નજીક આવેલા શિવરાજપુરના જંગલોમાં મિત્રો સાથે ગયા હતા અને કોઈ ટીનએજર હોય તે રીતે દીલ લૂટને વાલે જાદૂગર ગીત પર મન ભરી નાચ્યા હતા. જુઓ તેમનો આ રોમાંચક મોજ કરાવતો વીડિયો...