જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા મેઘરજ તાલુકાના ગોઢા ગામની ત્વિષા ચૌધરી નામની ૧૭ વર્ષીય યુવતીએ પોતાના સ્વપ્નોને સાબિત કરી બતાવ્યા છે. ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2 ક્ષેત્રેની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન-2માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ત્વિષાએ સાયન્ટીસ્ટ બનવા માટે જોયેલ સ્વપ્નને સાકાર કરવામાં તેના મમ્મી-પપ્પા કરતા વધુ નાના-નાની અને મામા-મામીનો સહયોગ મળી રહ્યો છે ત્વિષાએ ધો.૫ થી નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામીનેશનની પરીક્ષાની તૈયારી કરી રહી હતી આ પરીક્ષામાં સતત ત્રણ વર્ષ સુધી નિષ્ફળતા મળ્યા બાદ વધુ મહેનત માટે ત્રણ વર્ષ સુધી પરીક્ષા આપી ન હતી અને આખરે ચાલુ વર્ષે લેવાયેલ પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ ની કહેવતને અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતી હોવા છતાં સાચી રીતે સાર્થક કરી સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો છે ત્વિષા ચૌધરીએ પરિવાર તેમજ સમાજ, રાજ્ય અને ભારત દેશનું નામ રોશન કર્યું છે.

૧૭ વર્ષીય ત્વિષા જયેશભાઇ ચૌધરીએ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-૨ સ્પર્ધામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન-૨ વિષયમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરતાઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી કરવામાં આવતા ત્વિષા અને તેના પરિવારજનો પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. ત્વિષા ચૌધરીને ગુજરાતી સાહિત્ય પ્રત્યે પણ ખુબ જ લગાવ છે અને કવિતા પણ લખી જાણે છે અને આ કવીતા થકી કલા ઉત્સવમાં રાજ્યમાં નામના મેળવી ચુકી છે સાયન્સ અને સાહિત્યનો અદ્દભુત સમન્વય ધરાવતી ત્વિષા ચૌધરી ઇસરોમાં સાયન્ટીસ્ટ તરીકે જોડાવવા માટે અથાગ મહેનત કરી રહી છે.

ત્વિષા ચૌધરીએ ધો.૫ ના અભ્યાસ દરમિયાન અમદાવાદ સાયન્સ સીટીમાં ઈસરોનું એકઝીબીશન જોઈ સાયન્ટિસ્ટ બનવાનું નક્કી કર્યું 

ત્વિષા ચૌધરી જયારે ધો.૫ માં અભ્યાસ કરતી હતી ત્યારે સૌપ્રથમ ચંદ્રની ધરતી પર પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગ વિષે જાણ્યું હતું અને અવકાશી ખગોળશાસ્ત્ર વિષે રૂચિ પેદા થઇ હતી અને સાયન્ટીસ્ટ બનવાનું સ્વપ્ન જોવા લાગી હતી સમય સંજોગ અનુસાર ધો.૫ ના અભ્યાસ દરમિયાન અમદાવાદ સાયન્સ સીટીની મુલાકાત લીધી હતી ત્યારે ઇસરોના કેટલાક પ્રોજેક્ટ અને એ વર્ષ પછી જે પ્રોજેક્ટ કરવાના હતા. તેનું એક્ઝિબિશન રાખેલું હતું. એ એક્ઝિબિશનમાં ત્યાં ઉપસ્થિત ઇસરોમાં એ સમયે ફરજ બજાવી રહેલા એન્જિનિયર થકી આ પરીક્ષાની માહિતી મેળવી હતી.

સૌ પ્રથમ તો નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરી અને ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ માટે સિલેક્ટ થઇ હતી. જોકે નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામીનેશનની પરીક્ષાની તૈયારી ધોરણ પાંચથી કરેલી પણ આ પરીક્ષામાં સતત ત્રણ વર્ષ સુધી નિષ્ફળતા મળી વચ્ચે ત્રણ વર્ષ સુધી પરીક્ષા ન આપી. એના વિશે થોડી વધારે તૈયારી કરી અને ત્યાર પછી ધોરણ-૧૧માં સૌપ્રથમ વાર પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડની પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતમાં પ્રથમ નંબરે અને ભારતમાં દ્વિતીય ક્રમે આવી હતી. ત્યાર પછી ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ પ્રિલિમ્સની પરીક્ષા આપી જેમાં માર્કિંગના આધારે વર્ષ-૨૦૨૦  પછી યોજવામાં આવેલા પ્રોજેક્ટની વહેંચણી કરવામાં આવી. જેમાં ત્વિષાના ભાગે ચંદ્રયાન-ટુનો લોન્ચિંગ ડિપાર્ટમેન્ટ આવ્યો. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૧માં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-૨ પરીક્ષા આપી હતી. 

જેમાં ૬ જાન્યુઆરીના રોજ પરિણામ જાહેર કરતા ત્વિષા ચૌધરી સમગ્ર  ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે અને ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી કરવામાં આવી છે ત્વિષાએ ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ મેઇન્સની પરીક્ષા જે ઓગસ્ટમાં લેવાની છે. તેની તૈયારીઓ પુરજોશમાં કરી રહી છે જો તેમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરશે તો ત્વિષાનું ઈસરો થકી એમ્પ્લોયર તરીકે પસંદ કરવામાં આવશે અને પ્રથમ ત્રણ વર્ષ સુધી એકેડેમિક એન્ડ પ્રેક્ટીકલ બંને રીતથી ટ્રેન કરવામાં આવે અને ત્યારબાદ મને ઇસરોમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદ કરવામાં આવશે તેવો આશાવાદ રાખી રહી છે.