મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ આ વખતે દશેરા પર મોંઘવારીના રાવણનું દહન થઈ જાય તો સારું, આવો વિચાર કદાચ મોંઘવારીના માર્યા તમામના મનમાં હશે જ. આ વખતે આ મોંઘવારી ઘણા તહેવારોને ગરીબોથી દિવસે દિવસે દૂર કરી રહ્યા છે. આ વખતે ગત વર્ષ કરતાં ફાફડા અને જલેબી પણ મોંઘા થયા છે. ગત વર્ષે કિલો દીઠ ફાફડા 460 રૂપિયાના મળતા હતા જ્યારે આ વર્ષે 520 રૂપિયા થયા છે. જલેબી પણ રૂ. 580ની હતી જે 630ની થઈ ગઈ છે. જોકે દર વર્ષે એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી લોકો આરોગી જતાં હોય છે.

ઉલ્લેખનીય છે કે ફાફડા-જલેબી માટે વપરાતી સામગ્રીઓમાં પણ ભાવ વધારો થવાને પગલે હવે વેપારીઓને પણ ફાફડા જલેબી બનાવવામાં પડતી પડતર કિંમત વધી ગઈ છે. જેને કારણે હવે વેપારીઓ પણ તેને પહેલા કરતાં સસ્તામાં વેચવા જાય તો નુકસાન ભોગવવાનું આવે તેમ હોવાથી તેમણે કિંમતો વધારી છે.

આ સાથે જ તહેવારમાં લોકોનો ધસારો વધારે રહેતો હોવાને કારણે કારીગરો પણ ઊંચા ભાવ માગે છે, જે તમામ બાબતોએ ફાફડા-જલેબીના ભાવને અસર કરી છે. ઘણા ફરસાણના વેપારીઓ કે જે નોંધાયેલા નથી તેઓ ઉપરાંત ઘણા તો ફક્ત મંડપ બાંધીને રસ્તાની એક તરફ ફાફડા-જલેબીના વેચાણનો સ્ટોલ કરી લે છે. બીજી તરફ વરસાદી માહોલ હોવાને કારણે પહેલેથી જો ફાફડા બનાવીને રાખવામાં આવે તો તે હવાઈ જાય અને ગ્રાહક લે નહીં. તેથી નુકસાન થાય તેમ છે. જોકે છતાં હવે આ ભાવે તવંગરને કાંઈ ફરક પડવાનો નથી. તે પહેલા પણ જે પ્રમાણે ફાફડા-જલેબી ખરીદી શકતા હતા તે પ્રમાણે આ વખતે પણ ખરીદી શકશે અને અત્યંત ગરીબ લોકો કે જેમણે દશેરા શું ને દિવાળી શું તેમને પણ ફરક નહીં પડે પરંતુ મધ્યમ વર્ગીય લોકો કે જેમને ક્વોન્ટીટી નહીં પણ ભાવ જોઈને ખરીદી કેટલી કરવી તે નક્કી થતું હોય તેવા લોકોને આ વખતે જરૂર ફરક પડશે.