મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠા/ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદે હાલમાં જ જામનગર સહિત ઘણા વિસ્તારો, ગામડાઓ, નિચાણ વાળા વિસ્તારોને અસ્તવ્યસ્ત કરી મુક્યા હતા. ખેતી, પશુ પાલન તો શું ખુદ માનવ જીવન ત્યાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. જોકે હજુ પણ ભારે વરસાદની આગાહી અને તેની સાથે વરસાદ આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં દોઢ કલાક જેટલા સમયમાં જ સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે.

સાડા પાંચ ઈંચ વરસાદ સાથે દાંતીવાડામાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. બીજા તરફ સાબરકાંઠાના પોશી તાલુકાાં પણ દોઢ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ અને વડગામમાં એક ઈંચ વરસાદ પડી જતાં સહુ ચિંતામાં આવી ગયા હતા. શનિવારે તો દિવસ દરમિયાન વરસાદનો માહોલ રહ્યો જ પરંતુ રાત્રીએ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની ધમાધમી રહી હતી. સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા અને બનાસકાંઠાના ધાનેરામાં નોંધાયો હતો પરંતુ દાંતીવાડામાં કરેલી જોરદાર બેટીંગ સાથે વરસાદનો સ્કોર સૌથી ઉપર રહ્યો હતો. લગભગ સામાન્ય વરસાદ તો સાર્વત્રિક રહ્યો હતો.