જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા):  હિમતનગરમાં ચા વેચીને દીકરીઓની ઈચ્છાને ધગસ સાથે વેગ આપનાર ગજેન્દ્રસિંહની પુત્રીઓએ રાષ્ટ્રીય કક્ષાએ કિક મારીને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોચવા તનતોડ મહેનત કરી રહી છે.અને આ ત્રણ પુત્રીઓ પણ દીકરીઓ માટે પ્રેરણા સ્વરુપ બની રહી છે. પાંચ પુત્રીઓના પરિવારમાં ત્રણ પુત્રીઓએ પિતાનુ નામ તો રોશન કર્યુ જ છે.જેને લઈને સરકારે પણ હવે માસીક પાંચ હજાર રુપીયા સહાય પણ શરુ કરી છે.

તોરલ, માયા અને બીજલ રમતમાં જવાની પ્રબળ ઈચ્છા હતી. જે ઈચ્છાને પિતાએ પૂર્ણ કરી છે. બાકીની બે બહેનોને પણ તેમની સાથે કરાટે શીખવાડવાની વાત કરે છે. 'દીકરો દીકરી એક સમાન' એ વાત અહી સાર્થક થઇ છે. હિમતનગરના હાપા ગામમાં રહેતા અને ચા બનાવી દીકરીઓની ઈચ્છા પૂર્ણ કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. પિતા તો બીજી તરફ ત્રણ પુત્રીઓએ પણ પિતાનું નામ રોશન કર્યું છે અને મેળવ્યો છે રાષ્ટ્રીય કક્ષાએ કરાટેમાં સિલ્વર મેડલ જેને લઈને સરકારે પણ દર મહીને રૂ પાચ હજાર મદદ કરી રહી છે, તો ચા બનાવતા પિતાએ પણ પોતાની 5 દીકરીઓને દીકરા બનાવીને તેમને જોઈતી મદદ કરી તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા પ્રયાસ હાથ ધર્યો છે. 

સાબરકાંઠાના હિંમતનગરથી ૧૦ કિમી દુર આવેલ હાપા ગામની આ દીકરીઓએ રમત ગમતમાં કરાટેમાં પોતાનુ કૌવત દેખાડી બતાવ્યું છે અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને સીલ્વર મેડલ પણ મેળવી ચુકી છે. હાપા ગામના ગજેન્દ્રસિંહ મકવાણાની દીકરી તોરલે પરિવારમાં સૌથી પહેલા કરાટેની તાલીમ લેવા માટે પહેલ કરી દેખાડી અને પરિવારે તે માટે તેના ચહેરા પર રહેલા જુસ્સા કરતા બમણાં જોમ અને જુસ્સા થી તેને છ વર્ષ અગાઉ કરાટેની તાલીમ અપાવવી શરુ કરી આ જોઇને તેમની બીજી દીકરી માયા એ પણ તોરલની જેમ કરાટે ને અજમાવવા શરુઆત કરી અને બાદમાં બીજલે પણ પોતાની બંને મોટી બહેનોની માફક કરાટેમાં જોડાઇ છે. આમ ત્રણેય પુત્રીઓએ કરાટેમાં તાલીમ મેળવીને સ્થાનિક કક્ષાએથી સફળતા મેળવ્યા બાદ હરણફાળ મેળવવા લાગી છે.

ત્રણેય બહેનોનો આંતરરાષ્ટ્રીય સ્તરે કૌવત દેખાડવા માંગે છે અને એ માટે તેઓ સતત આ માટે પરીશ્રમ કરી રહી છે. દિવસમાં ચાર કલાક પ્રેક્ટીસ કરી રહી છે. કરાટે ખેલાડી તોરલ મકવાણાએ જણાવ્યું હતું કે અમે પરિવારમાં પાંચ બહેનો છીએ અને જેમાં અમે ત્રણ બહેનો કરાટે શિખ્યા છીએ અને અમે નેશનલ સુધી બે બહેનો પહોંચ્યા છીએ, આગામી ટાર્ગેટ ઇન્ટરનેશલન ગેમ્સમાં ભાગ લેવાનો છે. તો ખેલાડી બેન માયા મકવાણાએ જણાવ્યું હતું કે અમે આ માટે ઘરે અને મેદાનમાં પણ તાલીમ મેળવવા માટે જઇ છીએ અને નિયમીત તાલીમ મેળવીને અમે નેશનલ સુધી પહોંચ્યા છે, આશા છે કે હજુ ઇન્ટરનેશલ લેવલ સુધી પહોંચીશ.

સૌથી મોટી તોરલ હાલમાં તેર વર્ષની છે અને તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. તો બીજી પુત્રી માયા હાલમાં અગીયાર વર્ષની છે અને તે બ્રાઉન બેલ્ટ ધરાવે છે.  સૌથી નાની સાત વર્ષની બીજલે પણ બંને બહેનોના પગલે હાલ ઓરેન્જ બેલ્ટ હાંસલ કરી ચુકી છે અને તે પણ બ્લેક બેલ્ટ મેળવવાની ધગશ ધરાવે છે. ગજેન્દ્રસિંહ મકવાણાં આમ તો ચાની નાનકડી દુકાન ધરાવે છે અને ચાની દુકાનથી સાંજ પડ્યે થતી ત્રણ આંકડાની માંડ આવકમાંથી પોતાના પરિવારનુ ગુજરાન કરે છે. ગુજરાન કરવાની સાથે કરાટેની તાલીમ દીકરીઓને આપવી અને તે માટે કરવો પડતો ખર્ચ પણ મસમોટો હતો, છતાં પણ તેમણે મનને મક્કમ કરીને પોતાની પુત્રીઓને તેમના ઈચ્છા અને સપના પુરા કરવા શક્ય તમામ પ્રયાસો કર્યા અને એ જાણે કે હવે સફળતાને આંબી ચુક્યા છે. ત્રણ પૈકી બે પુત્રીઓ તોરલ અને માયા બંને નેશનલ સ્કુલ ગેમ્સ માં સફળતા મેળવી ચુકી છે અને તેઓ હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખિતાબ મેળવે તે માટે તૈયારીઓ કરાવી રહ્યા છે. પાંચેય દીકરીઓ દીકરા જ છે અને એટલા જ મનોબળથી દીકરીઓએ પણ પોતાને શક્તિશાળી દીકરા સમાન હોવાનુ પણ જાણે કે સાબિત કરી બતાવ્યુ છે અને હવે પિતા હોવા છતાં પણ હવે તેઓ દીકરીઓની સફળતાના નામ થી જ ઓળખાવા લાગ્યા છે. 

કેન્દ્ર સરકાર પણ તેમની બંને પુત્રીઓ માટે હવે દર માસે પાંચ-પાચ હજાર રુપીયા સહાય આપે છે. આમ હવે પુત્રીઓને તાલીમ અને અભ્યાસમાં પણ આર્થીક રીતે રાહત થઇ છે.

પિતા ગજેન્દ્રસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, મારા માટે મારી પુત્રીઓ દીકરા જ છે અને એ રીતે જ તેમને આગળ વધારી છે, ચા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવુ છું પણ આશા છે કે દીકરીઓ આંતરરાષ્ટ્રીય રમત સુધી પહોંચી શકશે.આ અંગે કોચ જુજારસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે બે પુત્રીઓ નેશનલ ગેમ્સમાં સફળ થઇ છે અને એટલે જ તેમને સરકારે પણ સહાય આપવી શરુ કરી છે, બંનેને તૈયાર કરવા માટે તેના પિતા ચા ની દુકાનમાંથી ઓછી આવક હોવા છતાં પણ તૈયાર કરી છે. જો મન જ મજબુત હોય તો દીકરીઓ પણ પોતાની જાતને દિકરા કરતા પણ વધુ મજબુત બની શકે છે એ વાતને ત્રણેય દીકરીઓના જુસ્સા અને સફળતાએ પુરવાર કરી બતાવી છે.