મેરાન્યૂઝ નેટવર્ક.ડાંગઃ ડાંગ બેઠક પર ભાજપે વિજય પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ઉલ્લેખનીય છે કે ડાંગ બેઠક પર કબ્જો કરવાનું ભાજપ માટે મુશ્કેલ જણાઈ રહ્યું હતું કારણ કે અહીં કોંગ્રેસ તરફી લોકોના વલણને કારણે અગાઉ પણ આ બેઠક ભાજપ ગુમાવી ચુક્યું છે. આવા સંજોગોમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. જેમાં ઉમેદવારે ફોર્મમાં ભૂલો કરી હોવાનો આરોપ છે.

અહીં આ બેઠક પર બંને પક્ષો બેઠક અંકે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ બંને પક્ષોના કાર્યકરોથી માંડીને દીગ્ગજ નેતાઓ પણ પોતાના પક્ષને વધુ વોટોથી જીત મળે તે પ્રમાણેની કામગીરીમાં લાગી ગયા છે. ચૂંટણીને કારણે અહીં રાજકારણ ઘણું ગરમાઈ ચુક્યું છે. એક બીજાને પછાડવામાં એક તક અહીં કોઈ જવા દે તેવું લગભગ બને તેમ નથી.

વિજય પટેલે કરેલી ફરિયાદ મુજબ, કોંગ્રેસના ઉમેદવારો દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જે બદલ કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ્દ કરવું જોઈએ. તેમણે ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવાની રજૂઆત કરી છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે એવી જાણકારી આપી હતી કે, કોંગ્રેસ ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલી એફિડેવીટમાં 53 જેટલી ભૂલો છે. દસ્તાવેજી પુરાવા સાથે ઉમેદવારે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને આ અંગે ફરિયાદ આપી છે. આ ઉપરાંત જો કોંગી ઉમેદવારનું ફોર્મ રદ્દ ન થાય તો તેઓ કોર્ટના દરવાજા ખટખટાવશે. આ તમામ અંગેની માહિતી મીડિયા સાથે ભાજપ ચૂંટણી ઈન્ચાર્જ પૂર્ણેશ મોદી દ્વારા જાહેર કરાઈ હતી.