મેરાન્યૂઝ નેટવર્ક.વલસાડ : સંઘ પ્રદેશ દમણમાં પર્યટકો સુરક્ષિત ન હોય એવી રીતે ધોળેદિવસે લૂંટની ઘટના બની હતી. દેવકા બીચ પર ધોળે દિવસે જ એક યુવકે છરીની અણીએ પ્રવાસી પરિવારને ધમકાવી લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. જો કે કેટલાક પ્રવાસીઓએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દમણના દેવકા બીચ પર એક યુવક મોટા છરા જેવા તિક્ષ્ણ હથિયારથી એક પર્યટક પરિવારને ધમકાવી તેની પાસે લૂંટ ચલાવી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ધોળે દિવસે બનેલી આ ઘટના વખતે અનેક પર્યટકો દમણના દરિયા કિનારે ફરતા જોવા મળ્યા હતા. તેમજ લોકોની અવર જવર પણ હતી. તેમ છતાં યુવક પરિવારના પુરુષ સભ્યને છરા જેવા તિક્ષ્ણ હથિયાર સાથે ડરાવી ધમકાવીને તેની પાસેથી પાકીટ સહિતની કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી રહ્યો છે.


 

 

 

 

આ દરમિયાન ભોગ બનેલ પરિવારની મહિલા સભ્ય આજીજી કરતી જોવા મળે છે. તો આ ઘટનાને નજરે જોનાર એક અન્ય મહિલા પણ પોલીસને બોલાવો એવી બૂમો પાડીને લોકોને જાણ કરી રહી છે. જો કે આમ છતાં એકલા દેખાતા લૂંટારુનો કોઈ પ્રતિકાર કરતું નથી. લૂંટારું યુવક તિક્ષ્ણ હથિયાર બતાવીને ધમકાવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. જોકે 

લૂંટ ચલાવ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી દોડીને ફરાર થઈ ગયો હતો. જો કે પર્યટક પરિવાર સાથે ધોળે દિવસે થયેલી લૂંટનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે. અને દમણ પોલીસે વીડિયોના આધાર લૂંટારુ યુવકને શોધવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટનો ભોગ બનેલો આ પરિવાર ભરૂચથી દમણ ફરવા આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.