કિરણ કાપુરે, મેરાન્યૂઝ અમદાવાદઃ અમેરિકામાં મસમોટા બંધ તોડી પાડવાની મૂવમેન્ટ આરંભાઈ છે. આ મૂવમેન્ટ હેઠળ ગત્ વર્ષે 82 બંધ તોડી પાડવામાં આવ્યા! સામાન્ય રીતે આપણી ધારણા એવી છે કે બંધ દ્વારા દરિયામાં વહી જતાં પાણીનો સંગ્રહ કરીને આપણે ઇચ્છીએ ત્યારે તેને ઉપયોગમાં લઈ શકીએ. તદ્ઉપરાંત, તેનાથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને પાણી મળે, સિંચાઈ થાય અને સાથે-સાથે વીજળી ઉત્પાદનમાં પણ તેનો લાભ થાય. નર્મદા બંધના કારણે સરેરાશ ગુજરાતીઓની બંધના લાભ બાબતે આ ધારણા મજબૂત થતી રહી છે. બંધના જેમ લાભ છે તેમ તેના જંગી નુકસાન પણ છે. આ નુકસાન વિરોધ પ્રદર્શનોથી દર્શાવવાનો પ્રયાસ આપણે ત્યાં થતો રહ્યો છે. પણ મહદંશે લોકોને તે વાત ગળે ઉતરતી નથી, તે માટે મજબૂત દાખલો આપવો રહ્યો અને તેનું સૌથી તાજા ઉદાહરણ અમેરિકાના કેટલાંક બંધ બની રહ્યાં છે, તેમાંનો એક બંધ વોશિંગ્ટન રાજ્યના એલ્વેહા નદી પર આવેલો ગ્લાયન્સ કેન્યોન બંધ છે. આ બંધને 2014માં તોડી પાડવામાં આવ્યો હતો. ‘નેશનલ જિયોગ્રાફી’એ હાલમાં આ બંધ તોડી પડાયાના પાંચ વર્ષે તે નદી વિશે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ થાય છે કે કેવી રીતે એલ્વેહા નદી નવપલ્લિત થઈ છે અને તેણે આટલા વર્ષો બાદ તેનું સૌંદર્ય પાછું મેળવ્યું છે. એલ્વેહા નદીનો પ્રવાહ આજે કોઈ અડચણ વિના વહી રહ્યો છે અને પાંચ જ વર્ષમાં નદીના જીવસૃષ્ટિને પણ જીવનદાન મળ્યું છે.

બંધ તોડી પાડવાને લઈને અમેરિકામાં માત્ર એક ઉદાહરણ નથી, બલકે 2018ના જ વર્ષને લઈએ તો 82 નાના-મોટા બંધ છે, જેને તોડી પાડવામાં આવ્યાં છે. પાછલા ત્રણ દાયકામાં તોડી પડાયેલાં બંધની વાત કરીએ તો તેનો આંકડો તેરસો ઉપર પહોંચે છે!! આ સંખ્યા મોટી લાગે પણ જેટલાં બંધ અમેરિકામાં બન્યા છે(અંદાજે 84,000) તે મુકાબલે પર્યાવરણવાદીઓને આ આંકડો નાનો લાગે છે. 1990થી અમેરિકામાં જે રીતે બંધ તોડી પાડવાનો શિરસ્તો પડ્યો છે, તેમાં પર્યાવરણની જાળણીનો તો મુદ્દો છે જે; પણ સાથે-સાથે 70 ટકા બંધ પચાસ વર્ષના થઈ ચૂક્યા તે પણ છે! જોકે, અમેરિકામાં સદી અગાઉ જે રીતે બંધ નિર્માણની હોડ જામી હતી, તેને સારી સંખ્યામાં બંધ તોડી પાડવામાં હજુ સદી નીકળી જશે.

અમેરિકા અને પશ્ચિમી દેશોમાં નદીના વહેણને રોકીને બંધ નિર્માણ કરવાનું ખૂબ સામાન્ય છે. આ જ તર્જ પર ભારત અને ચીન જેવાં દેશો પણ આગળ વધ્યા છે અને એટલે જ ભારતમાં પણ બંધોની સંખ્યા સારા પ્રમાણમાં છે. મોટા કહી શકાય તેવાં બંધોની સંખ્યા ભારતમાં 5,745 છે અને હજુ પણ તે વધી રહી છે. બંધો ઓર વધશે તેનું સૌથી અગત્યનું કારણ મસમોટા શહેરો છે, જ્યાં પાણી પર્યાપ્ત રહે તે માટે પાણીનો સંગ્રહ કરવો જરૂરી બને છે. જેટલાં શહેરો મોટા થતાં ગયા તેમ બંધોની ઊંચાઈ પણ વધી અને તેનો વ્યાપ પણ. આ ચક્રમાં નદીઓ તેનું અસ્તિત્વ ગુમાવે છે. બધું ગુમાવ્યા પછી બંધમાં સંગ્રહિત થતું પાણી ક્યાં ઉપયોગમાં લેવાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે. આ અંગે ગત્ વર્ષે ‘ગુજરાત ખેડૂત સમાજ’ દ્વારા રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ રાજ્ય સરકાર પાસે માહિતી માંગવામાં આવી હતી કે નર્મદાનું નેવું ટકા પાણી ક્યાં ઉપયોગમાં લેવાય છે? ‘ગુજરાત ખેડૂત સમાજ’ દ્વારા એ દાવો કરવામાં આવ્યો હતો કે નર્મદા બંધનું મહદંશે ક્યાં ઉપયોગમાં લેવાય છે તેની કોઈ માહિતી નથી! આમ, જે બંધ માટે લોકો પોતાનું ઘર-ખેતર-રોજગારી ગુમાવે છે, પોતાની હજારો વર્ષની સંસ્કૃતિ ગુમાવે છે, રાષ્ટ્રની અધધ સંપત્તિ તે પાછળ વપરાય, પર્યાવરણનું કાયમી નુકસાન થાય છે અને જ્યારે આટલું બધું સ્વાહા થઈ ગયા બાદ બંધનો પાણીના લાભ લેવાનો થાય ત્યારે જૂજ લોકો જ તેનો લાભ લે. જૂજનો અર્થ કોઈ એક ઉદ્યોગ અથવા તો કોઈ એક શહેર પણ હોઈ શકે. મૂળે બંધ નિર્માણમાં છીનવાય છે કોઈનાથી અને તેનો લાભ કોઈ બીજો મેળવે છે.

બંધથી લાભ થાય તેવી બહુમતિ પ્રજાની ધારણા છે અને તેના સામે પક્ષે જૂજ લોકો જ બંધના વિરોધમાં ઊભા દેખાય છે. ગુજરાતમાં તો તે સંખ્યા નહિવત્ છે. પણ વિશ્વમાં બંધ સામેની મૂવમેન્ટમાં વધુને વધુ લોકો જોડાઈ રહ્યાં છે. યુરોપના અનેક દેશોમાં આ પહેલ થઈ રહી છે. ‘ડેમ રિમુવલ યુરોપ’ તો સારી પેઠે મોટું સંગઠન બની ચૂક્યું છે. આ સંસ્થાનું માનવું છે કે નદીઓ નિસર્ગની અને સંસ્કૃતિની રીતે અનન્ય મહત્ત્વ ધરાવે છે. નદીને રોકનારાં આવાં બંધો દૂર કરવામાં આવે તો નદી પોતાના સ્વભાવ પ્રમાણે વહી શકે. ‘ડેમ રિમુવલ યુરોપ’ની વેબસાઇટ પર યુરોપમાં કેટલાં બંધોને તોડી પાડવામાં આવ્યાં છે, તેની યાદી છે. આ યાદીમાં ફ્રાન્સનો વેઝિન્સ બંધ પણ છે. ફ્રાન્સનો આ બંધ યુરોપના મસમોટા બંધોમાં એક ગણાય છે. આ બંધને તોડી પાડવા અંગેનો અભ્યાસ હવે પૂરો થયો છે પછી તેને તોડી પાડવાનું કાર્ય શરૂ થશે, જેની પૂરી સાઇકલ પૂર્ણ થતાં હજુ દસ વર્ષનો સમય લાગશે.

જોકે પશ્ચિમના દેશોની આ હવા ભારતને જરા સરખી પણ લાગી નથી અને ભારત હવે વધુને વધુ બંધ નિર્માણ કરવા જઈ રહ્યું છે. હાલમાં અરૂણાચલ પ્રદેશમાં કેન્દ્ર સરકાર દ્વારા દિબાંગ બંધ નિર્માણને મંજૂરી મળી છે. પૂર્વોત્તર રાજ્યમાં આ ખૂબ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. પણ તેનું નિર્માણ ભૂંકપની શક્યતા ધરાવતાં ક્ષેત્રમાં થઈ રહ્યું છે. આ ઉપરાંત, પણ નદીનું વહેણ પણ તેનાથી બદલાનારું છે. જંગલો ડૂબમાં જવાના છે. સ્થાનિકો જોરશોરથી વિરોધ કરી રહ્યાં છે, તેમ  છતાં આ બંધને લીલી ઝંડી મળી ચૂકી છે અને તેનું કામ આગળ ધપી રહ્યું છે.

બંધ નિર્માણમાં સૌથી અગત્યનો મુદ્દો તેના કન્સ્ટ્રક્શનનો છે. અમેરિકામાં બંધના કન્સ્ટ્રક્શનને લઈને ‘અમેરિકન સોસાયટી ઓફ સિવિલ એન્જિનિયર્સ’ દ્વારા જે સરવે થયો તેમાં અમેરિકાના મોટા ભાગના બંધને ‘ડિ’ કેટેગરી મળી છે, મતલબ કે તે જોખમી છે! ભારતમાં બંધની સુરક્ષાને લઈને આ વર્ષે જ લોકસભામાં ‘ડેમ સેફટી બિલ’ પસાર થયું. આ બિલ અંતર્ગત 15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતાં તમામ બંધોને આવરી લેવામાં આવ્યાં છે. આવું કરવાનું કારણ બંધોની સુરક્ષાની સમીક્ષા થતી નથી તે છે. આવી બેદરકારીના કારણે જ બંધ તૂટવાની ઘટના બને છે. આ જ વર્ષે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં તિવારે બંધ એકાએક તૂટી પડ્યો અને તેમાં 18 લોકોએ જાન ગુમાવી. ગુજરાત તો મચ્છુ બંધની હોનારતને હજુ સુધી ભૂલ્યું નથી.
 
‘ડેમ સેફટી બિલ’ અંતર્ગત દેશના 5,745 બંધોને આવરી લેવામાં આવશે, જેમાંથી 293 બંધ તો સો વર્ષથી વધુ સમયના છે. બીજા 25 ટકા બંધ 50થી 100 વર્ષના ગાળાના છે, જ્યારે બીજા 75 ટકા પચ્ચીસ વર્ષ જૂના છે. આ બિલ પાસ થયું ત્યારે જલશક્તિ મિનિસ્ટર ગજેન્દ્રસિંઘ શેખાવતે જે માહિતી આપી તે મુજબ અત્યાર સુધી દેશમાં ચાળીસ બંધ તૂટી પડ્યા છે. આ તૂટી પડવાનું સૌથી મુખ્ય કારણ વધુ વરસાદ છે. ‘ડાઉન ટુ અર્થ’ મેગેઝિનમાં આવેલાં અહેવાલ મુજબ ભારતના મોટા ભાગના જૂના બંધ વધુ વરસાદમાં જોખમી બને છે. સરકાર બિલ લાવી છે, પણ બંધોના સુરક્ષાનો મામલો અધ્ધરતાલ મૂળે રાજ્યોની આર્થિક ખસ્તા હાલના કારણે અટકી પડે છે. બંધના મેઇન્ટનેન્સ માટે રાજ્યો કેન્દ્ર પર નિર્ભર રહે છે અને એ રીતે બંધનું જોખમ વધતુ જાય છે.

આમ, બંધોને લઈને અનેક તર્કવિતર્ક છે. ગુજરાતના લોકોનું વલણ નર્મદાને લઈને તે બાબતે થોડું સિનિકલ છે. પરંતુ નર્મદા યોજનામાં જે સમયે અને ખર્ચે પ્રજાને લાભ આપવાની જાહેરાત થઈ હતી, તે રીતે જાઈએ તો રાજ્યની જીવાદોરી બનેલી યોજનાને  પૂરી સફળ કહી શકાય નહીં! નર્મદા યોજનાની અન્ય પણ આવી મર્યાદા છે. મોટા બંધનો વિરોધ કરનારાં એવાં તો અનેક તર્ક મૂકી શકે. પરંતુ ગુજરાતમાં અત્યારે જે પાણી બાબતે થોડી ઘણી રાહત અનુભવાય છે, તેમાં નર્મદા યોજનાનો ફાળો અમૂલ્ય છે, તેય સ્વીકારવું પડે. આમ કોઈ પણ યોજના હોય તેના જમા પાસાં અને અને તેની મર્યાદા રહેવાની. મોટા મોટા બંધને લઈને તો આ જમા પાસાં અને મર્યાદાને અંગે વિવિધ સ્તરે પર્યાવરણવાદીઓ અને સરકારો વચ્ચે ખાસ્સા સંવાદ-વિમર્શ થઈ ચૂક્યા છે. બંધ નિર્માણ કરવા કે નહીં- તે વિષય તેની અસર જેટલો જ વિષદ છે, તેમાં કેટલીક પાયાની બાબતો સમજીએ પછી જ ખ્યાલ આવે કે તેમાં શું થવું જાઈએ. આ માટે બંધની થોડી માહિતી આપણે સવાલ-જવાબ સ્વરૂપે જાઈએ, તો તેનાથી થોડી વધુ સ્પષ્ટતા થશે.

“મોટા બંધના લાભ શું છે?” - જેમ કે મોટા બંધ મહદંશે સિંચાઈ માટે બાંધવામાં આવે છે, પણ જ્યારે નર્મદા જેવા વિશાળ બંધ નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેનો ઉદ્દેશ વીજળી ઉત્પાદનનો પણ હોય છે. આજે દુનિયામાં પાંચમાં ભાગની વીજળી બંધ દ્વારા નિર્મિત થાય છે. બંધ પૂરને અંકુશમાં રાખી શકે છે, શહેરો માટે પાણીનો સ્ત્રોત બની શકે છે, નદીના વહેણને બદલવા માટે કાર્ય કરે છે. મોટા ભાગના બંધ આવા અનેક ઉદ્દેશ એક સાથે સર કરે છે.

“શું ખરેખર બંધથી સસ્તી અને પર્યાવરણને ઓછી હાનિ પહોંચાડીને વીજળી ઉત્પાદીત કરી શકાય છે?”- હા, બંધથી સસ્તી વીજળી ઉત્પાદીત થાય છે. જાકે બંધથી નિર્મિત હાઈડ્રોઇલેક્ટ્રિસિટી માટે મોટા બંધ નિર્માણ કરવા જંગી ખર્ચ અને લાંબા સમય માંગી લે છે. નર્મદાનું ઉદાહરણ આપણી સામે જ છે, હજુય તેનું કામ બાકી બોલે છે. એટલે જ જ્યારે હાઈડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થવા માંડે ત્યારે તેનો ખર્ચ ન્યૂનત્તમ લાગે છે, પણ તેમાં બંધને લાગેલો સમય અને ખર્ચને જાડી દેવામાં આવે તો સરેરાશ જે વીજળી ઉત્પન્ન કરવામાં જે ખર્ચ થાય છે, તેના કરતાં તે ખર્ચ ત્રીસ ટકા જેટલો વધુ બેસે છે. પાછું જ્યારે બંધ નિર્માણ થાય છે, ત્યારે તેમાં વીજળી જનરેટ કરવાનો જે અંદાજ મૂકવામાં આવે છે, તેના મુકાબલે આવા બંધમાંથી વીસ ટકા ઓછી વીજળી જનરેટ થાય છે. આમ પૂરો હિસાબ માંડિએ તો ખર્ચ, સમય, નદીનું નુકસાન તેની સામેના જાખમની રીતે હાઈડ્રોપાવરથી જનરેટ કરવામાં આવતી વીજળી મોંઘી પડે છે. પર્યાવરણની દૃષ્ટિએ પણ આ વીજળી ‘ ક્લન’ નથી, કારણ કે તેનાથી નદીની ઇકોસિસ્ટમ ખોરવાય છે, સાથે નદી આધારીત જીવન જીવતાં લોકો પર પણ તેની અસર થાય છે.

“તો પછી હાઈડ્રોઇલેક્ટ્રિસિટીનો વિરોધ કરનારાઓને વીજળી ઉત્પાદન કરવા માટે મોટા બંધથી વધુ સારો ઉપાય કયો લાગે છે?” - હાલના સમયમાં પર્યાવરણવાદીઓ સૂર્ય અને પવન ઊર્જાને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માને છે, આમ પણ હવે તે ઊર્જાને જનરેટ કરવાનું સરળ થયું છે. આ ઊર્જાને હજુ પણ સૌ સુધી પહોંચાડાય તે અગાઉ કોલસા, ગેસ અને ઓઈલથી જનરેટ થતી વીજળી બંધ કરતાં ખાસ્સી સસ્તી પડે તેમ છે. આ સિવાય નાના બંધથી પણ ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ એક વીજળી માટે ઉત્તમ ત ગણાય છે.

“શું બંધ પૂર જેવા પ્રકોપ પર અંકુશ મેળવવા માટે કારગર કામ કરે છે?”- હા કરી શકે પરંતુ જે સામાન્ય પૂર આવે તેને રોકવા માટે, જો ખૂબ મોટા પ્રમાણમાં પૂર આવ્યું હોય તો તે પૂરથી બચાવવા કરતાં નુકસાન વધુ કરે તેવું બની શકે.

“જો બંધના આટલાં જ લાભ હોય, તો એન્ટી ડેમ મૂવમેન્ટની શી જરૂર છે? ” – કારણ કે બંધથી પર્યાવરણ, આર્થિક, સામાજિક રીતે રાજ્યને સખત માર પડે છે, ઉપરાંત તેનામાં મસમોટું જાખમ પણ રહેલું છે. એ સિવાય મોટા બંધનો વિરોધ એ માટે પણ થાય છે કારણ કે તેને બાંધવા માટે અને તેનું રિઝર્વર માટે લાખો લોકોને વિસ્થાપિત થવું પડે છે. તેનાથી નદીને ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન થાય છે. ભારતમાં અને ચીનમાં જ બંધના કારણે વિસ્થાપિત થયેલા લોકોનો આંકડો કાઢીએ તો તે છથી સાત કરોડ સુધીનો છે. સામાન્ય રીતે વિસ્થાપિત થયેલા લોકો નાના ખેડૂતો હોય છે, જેના કારણે તેમને પોતાના જ જમીનનું વળતરય મળતું નથી. સૌથી અગત્યની વાત કે ચીનમાં જ વીસમી સદીમાં અંદાજે બસોથી વધુ બંધ અકસ્માતે તૂટી ચૂક્યા છે, અને તેમાં પંદર હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. આપણે ત્યાંય મોરબી ગ્વાલિયરના ટિગરા બાંધ અને પુનાના પાન્શેટ જેવા ડેમના દાખલાઓ મોજૂદ છે.

અત્યારે ચીન દુનિયામાં સૌથી વધુ બંધ ધરાવનારો દેશ છે, ત્યાર બાદ અમેરિકા-રશિયા આવે છે. ભારત પણ ખૂબ ઝડપથી મોટા બંધ બનાવવા આગળ ધપી રહ્યું છે. આ બંધ નિર્માણ કરવાની ઝડપ એટલી છે કે તેમાં નફા-નુકસાનનું સરવૈયું વિસારે પાડી દેવામાં આવ્યું છે.