મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સરકારે પોતાની જમીન બીજાને આપી દીધાના આક્ષેપ સાથે શહેરના નવા રેસકોર્ષ ખાતે દલિત પરિવારના 8 થી વધુ લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ મામલે 20 થી વધુ લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. પણ કોઈ કારણોસર 8-9 લોકો જ આવ્યા હતા. આ તમામે પોતાના શરીરે કેરોસીન છાટ્યું હતુ. પરંતુ તેઓ કાંડી ચાપે તે પહેલા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ જવામા આવ્યાં હતા. આ તકે સરકાર દલિતોને જીવવા નહીં દે તેવા આક્ષેપો દેખાવકારો દ્વારા કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બસપાના પૂર્વ જિલ્લા પ્રમુખ અને સામાજીક કાર્યકર મહેશ પરમારે સોશિયલ મીડિયા મારફતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પૂર્વજોના વંશની 1966-67ના કબ્જાવાળી જમીન રૈયા સર્વે નં. 318 ખેતીની હોવા છતાં અમને અપાતી નથી. કલેક્ટર પાસે અનેક વખત માગણી કરી છે. તેમજ કોર્ટમાં પણ આ કેસ પેડિંગ હોવા છતાં આ જમીન સ્વામિનારાયણ સંપ્રદાયને આપી દેવામાં આવી છે. જમીન પર બળજબરીપૂર્વક કબ્જો કરી લીધો હોઈ આ જમીન નહીં છોડે તો પરિવારના 20 જેટલા સભ્યો સામૂહિક આત્મવિલોપન કરશે.

સોશિયલ મિડિયા મારફતે અપાયેલી ઉપરોક્ત ચીમકી અંતર્ગત નવા રેસકોર્ષ ખાતે 8-10 લોકો ત્યાં પહોંચ્યા હતા. અને શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ અંગે પોલીસ સતર્ક હોવાથી કાંડી ચાંપે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. દલિત પરિવારની જમીન સરકારે અન્ય કોઇને આપી દેવાનો તેમજ સરકાર દલિતોને જીવવા નહીં દે જેવા આક્ષેપો દેખાવકારોએ કર્યા હતા. જો પોલીસ અહીં હાજર ન હોત તો મોટી ઘટના સર્જાવાની શક્યતા હતી. પણ પોલીસે સમયસૂચકતા વાપરી તમામની અટકાયત કરી લીધી હતી.