મેરાન્યૂઝ નેટવર્ક.દાહોદઃ રતલામ પોલીસ સાથે ગુજરાતના દાહોદ વિસ્તારના કુખ્યાત દિલીપ દેવળનું ઘર્ષણ દરમિયાન એન્કાઉન્ટરમાં મોત નિપજ્યું છે. દિલીપને સાયકો કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે છેલ્લા બે વર્ષથી ફરાર હતો, તેણે પેરોલ જમ્પ કરી હતી અને ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે તેણે મધ્યપ્રદેશમાં પણ એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કરી હતી. જેમાં તેની સામે લૂંટ વીથ મર્ડરનો કેસ નોંધાયો હતો. જે પછીથી એક સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ તેની શોધ કરી રહી હતી.

રતલામ પોલીસે ગત રાત્રે પોતાને મળેલી માહિતીને આધારે દિલીપને પકડવાની યોજના ઘડી હતી. બે પીએસઆઈ અને ત્રણ જવાનો સહિતની ટીમ દિલીપને પકડવા રતલામના ખચરોદ ખાતે પહોંચી જ્યાં દિલીપ હાજર હતો. જોકે પોલીસ જોઈ દિલીપે ત્યાંથી નીકળી જવાના પ્રયત્નો કર્યા જેમાં દિલીપ અને પોલીસ વચ્ચે ફાયરિંગ થયું.

આ એન્કાઉન્ટર દરમિયાન દિલીપ દેવળને ઠાર કરી દેવામાં આવ્યો હતો. જોકે હિંસક અથામણમાં તેને પકડવા આવેલા પાંચ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા. 25 નવેમ્બરે દિલીપે તેના સાથીઓ સાથે મળીને એક લૂંટ વીથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા હતા. મધ્યપ્રદેશ પોલીસ તેને ક્યારની શોધી રહી હતી.