મેરાન્યૂઝ નેટવર્ક.દાહોદઃ દાહોદના ધાનપુરમાં આવેલા કાંટુ ગામમાં દીપડાએ છેલ્લા કેટલાક સમયથી લોકોને ભયભીત કરી મુક્યા છે. માણસોનો શિકાર કરતા દીપડાએ એક મહિનામાં આ ત્રીજા બાળકને શિકાર બનાવ્યું છે જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ભભૂક્યો છે. શુક્રવારે રાત્રે દીપડાએ 7 વર્ષની બાળકીને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. આ અંગે વન વિભાગને જાણકારી આપવામાં આવી હતી. જોકે જ્યારે જંગલમાં વન વિભાગે તપાસ કરી ત્યારે બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

ધાનપુર તાલુકામાં માનવભક્ષી દીપડાના ત્રાસથી લોકો ગભરાહટમાં જીવન જીવી રહ્યા છે. જુલાઈ મહિનામાં ધાનપુરામાં દીપડાના 17 હુમલા થયા હતા. વન વિભાગે તેને પકડવા માટે પાંજરું પણ મુક્યું હતું પણ તેમાં એક ઉંમરલાયક દીપડો પુરાયો હતો. જોકે દીપડો પકડાતા જે તે વખતે બધાને હાંશકારો થયો હતો પરંતુ આ સીલસીલો ફરી ચાલુ થતાં તેઓ ચિંતાતુર થઈ ગયા છે.

અગાઉની બે ઘટનાઓ

9 જુલાઇએ ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના 11 વર્ષના કિશોર પર દીપડાના હુમલો કર્યો હતો. તેને સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ વડોદરા લઇ જવાયો હતો, પણ વડોદરા ખાતે સારવાર દરમિયાન કિશોરનું મોત નીપજ્યું હતું. 

26 જુલાઇએ ધાનપુર તાલુકાના ખજુરી ગામના પશુઓ ચરાવતી 9 વર્ષીય બાળકી કાજલ સુમલાભાઇ ડામોરને દીપડો ગળાના ભાગે પકડીને જંગલમાં અંદાજે 500 મીટર જેટલું અંદર ઢસડીને લઇ ગયો હતો. ગોવાળિયાઓની બૂમાબૂમ સાંભળીને લોકો જંગલ તરફ દોડી આવ્યા હતા. આ અંગે વન વિભાગની વાસીયાડુગરી રેન્જને જાણ કરાઈ હતી. વનવિભાગ અને ગ્રામજનોએ જંગલમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી પણ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.