મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં હિંસક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય થી દીપડાઓ અરવલ્લીની ગિરિમાળાઓ માંથી બહાર નીકળી ભિલોડા,શામળાજી,મેઘરજ અને માલપુર પંથકમાં માનવ વસ્તીમાં પ્રવેશી આતંક મચાવી પશુઓનું મારણ કરતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે દધાલિયા નજીક આવેલા મોરાના જંગલમાં દીપડાના પરિવારે ધામાં નાખતા દીપડાની હાજરી થી પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે. રોડ પરથી પસાર થતા કાર ચાલકને રોડ નજીક જંગલમાં એક સાથે ત્રણ દીપડા જોવા મળતા ઉભો રહી ગયો હતો અને એક દીપડો કેમેરામાં કેદ થયો હતો. 

મોડાસા તાલુકાના દધાલિયા ગામ નજીક અરવલ્લીની ગીરીમાળાઓમાં દીપડાઓ સહીત વન્ય પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે દધાલિયા નજીક આવેલા જંગલમાં અને ખેતરોમાં દીપડાઓ લટાર મારતા રોડ પરથી પસાર થતા કાર ચાલકને એક સાથે ત્રણ દીપડા જોવા મળતા દીપડાની તસ્વીર મોબાઈલ કેમેરામાં કંડારી લીધી હતી. અને લોકોને દીપડો જંગલમાં ફરતો હોવાની માહિતી અપાતા લોકોમાં દીપડાના આતંકના દહેશત થી ભયનો માહોલ છવાયો છે. શિયાળુ ખેતીનો સમય હોવાથી ખેતી કામમાં સીમાડાઓ ધમધમી રહ્યા હોવાની સાથે ખેડૂતો પાકને જંગલી પ્રાણીઓના ભેલાણ થી બચાવવા ખેતરોમાં રાત્રી મુકામ કરી રહ્યા છે. તેવી ઘડીએ દીપડાએ દેખા દેતા ખેડૂતો ખેતરમાં પગ મુકતા પણ ફફડી રહ્યા છે. દીપડાઓ ઝાડીઓ અને ખેતરમાં પાકની વચ્ચે છુપાઈ રહીને રાત્રીના સુમારે જ હુમલો કરતો હોવાથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

દધાલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દેતા જાગૃત ખેડૂતોએ વનવિભાગ તંત્રને જાણ કરવા છતાં પાંજરે પુરાવા કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.