મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: સોહરાબુદ્દીન હત્યા કેસમાં ગઇકાલ શનિવારના રોજ મુંબઈ કોર્ટમાં જુબાની આપવા આવેલા સોહરાબના સાથી અને રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાને  આપેલી જુબાની દરમિયાન ઘટસ્ફોટ કર્યો કે ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી હરેન પંડ્યાની હત્યા  સોહરાબુદ્દીનએ  કરી હતી અને સોપારી પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી.વણઝારા આપી હતી. આઝમખાનની આ જુબાનીએ ગુજરાત સહિત દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.

આજે રવિવારના રોજ આ મામલે પ્રતિક્રિયા આપતા ડી. જી. વણઝારાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ ગુજરાત પોલીસમાં ચાલતી રાજકીય ઘટનાનો હિસ્સો છે. આઝમ ખાન પોતે ગેંગસ્ટર છે અને હાલમાં જેલમાં છે. તેને કોના ઇશારે આ પ્રકારનું નિવેદન કોર્ટમાં કર્યું છે તે સમજવું પડશે. 

વણઝારાએ જણાવ્યું કે, મુંબઈ કોર્ટ દ્વારા સોહરાબુદ્દીન કેસમાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હવે આઝમ ખાન દ્વારા આપવામાં આવેલું નિવેદન કોઈ મહત્વ ધરાવતું નથી, તેઓ સતત ન્યાયની પ્રક્રિયા ઉપર નજર રાખી રહ્યા છે. આ કેસની તપાસ કરનાર સીબીઆઈ સામે પણ આઝમખાને આવું કોઈ નિવેદન આપ્યું નહોતું. આમ છતાં ક્યા સંજોગોમાં કસ્ટડીમાં રહેલા આઝમખાને મારા નામનો ઉલ્લેખ કર્યો તે સમજવું પડશે. વર્ષ 2002થી ગુજરાત પોલીસ બદનામ થાય તેવા સતત પ્રયાસો  અંદર  અને બહારથી થઈ રહ્યા છે.