મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અરબ સાગરથી ઉઠેલી ચક્રવાત તોફાન વાયુ પશ્ચિમી તટની તરફથી ઝડપથી આગળ વધી રહ્યું છે. આ મહારાષ્ટ્રથી ઉત્તરમાં ગુજરાતની તરફ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ વાયુની 13 જુને ગુજરાતના તટીય વિસ્તાર પોરબંદર અને કચ્છ ખાતે પહોંચવાની સંભાવનાઓ છે. આ દરમિયાન સ્થિતિ સાથે ઝઝૂમવા માટે વધુ ત્રણ લાખ લોકું રેસ્ક્યૂ કરાવવા માટે સેના અને એનડીઆરએફને તૈનાત કરાઈ છે. તે પહેલા ગત મહિને આવેલા તોફાનથી ઓડિશામાં ઘણી સ્થિતિ ભયજનક બની હતી. દરમિયાન ચક્રવાતની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. મુંબઈમાં ઝડપી પવનને કારણે ઘણા ઝાડ પડી ગયા છે.

અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું વાયુ 140થી 150 કિલોમીટરની સ્પીડથી આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. અત્યારથી જ દીવ, ગીર સોમનાથ સહિતના દરિયા કાંઠે કાળા વાદળો વચ્ચે દરિયો ગાંડોતુર બન્યો છે. દીવમાં વીજળી સાથે વરસાદ પણ શરૂ થયો છે અને ગુજરાતના બાકીના વિસ્તારમાં છાંટા પડયા હોવાના અને વાતાવરણમાં પલટો આવ્યાના અહેવાલ છે. ઉના ખાતે પણ 50 ગામોના 665 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત એવા 10 જિલ્લાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસ તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અધિકારી- કર્મચારીઓની રજાઓ રદ કરીને હેડ ક્વાર્ટર નહીં છોડવા તાકીદ કરાઇ છે.

મુખ્યમંત્રી રૂપાણીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ બુધવારે યોજાનાર કેબિનેટ બેઠક અને ગુજરાતના સાંસદો સાથેની બેઠક પણ રાહત કામગીરીને ધ્યાને રાખીને મોકૂફ રાખી છે. સરકારે ઝીરો હ્યુમન લોસના ટાર્ગેટ સાથે કામગીરી શરૂ કરી છે.