મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાત પર હાલ વાયુ વાવાઝોડાનું સંકટ છે અને તમામ સરકારી તંત્ર એલર્ટૅ કરાયું છે. લોકો અને જાનમાલને નુકશાન ન થાય તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત અધિકારીઓ પોતાની ફરજના સ્થળે હાજર થઇ ગયા છે. ત્યારે ગત રાત્રે અમદાવાદ એરપોર્ટની લોનમાં એક અધિકારી પોતાના સામાન સાથે પોરબંદરમાં ફરજ બજાવવા જવા માટે તૈયાર હતા અને તે પણ રજાઓ રદ કરી અડધે રસ્તેથી પરત ફર્યા હતા અને માત્ર બે-ચાર કલાકની ઉંઘ લઇ દિવસો સુધી કામગીરી કરવા માટે પોતાને તૈયાર કરી રહ્યા હતા અને તેમનું નામ છે પોરબંદરના મામલતદાર વિવેક ટાંક.

થોડા દિવસો પહેલા જ પોરબંદરના પાતા ગામમાં ડિઝાસ્ટરની ઘટના સમયે લોકોને સુરક્ષિત રાખવા માટે સરકારી જમીન પર સાયક્લોન સેન્ટર બનાવવાની કામગીરી દરમિયાન ગામ લોકોએ વિરોધ કરતા પોરબંદરના મામલતદાર વિવેક ટાંક ગામમાં દોડી ગયા હતા અને લોકોને સમજાવ્યા હતા. જો કે ઉશ્કેરાયેલા ટોળાએ વિવેક ટાંક પર હુમલો કરી દીધો હતો અને તેમનો સહેજમાં બચાવ થયો હતો. આ ઘટનાને માંડ ત્રણ દિવસ વીત્યા છે ત્યાં અગાઉથી જ રજા મંજૂર થઈ હોવાથી પરિવાર પ્રત્યે ફરજ નિભાવવા રવિવારે પોરબંદરથી રાતભર મુસાફરી કરી તેઓ અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી સવારે 10 વાગ્યે ટ્રેનમાં હરિદ્વાર જવા નિકળ્યા હતા. પરંતુ રાત્રે 11 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે પોરબંદર પર વાવાઝોડાનો ખતરો છે તાત્કાલિક ફરજ પર હાજર થવું. આ સૂચનાના કારણે તેઓ જયપુર સ્ટેશન ઉતરી ગયા અને પાછા ફરવા મધરાતે 2-3 કલાક સામાન સાથે બસ પકડવાનો પ્રયાસ કર્યો પણ કોઈ બસ મળતી ન હતી. આખરે સવારે અમદાવાદ જતી પહેલી બસ 8-9 વાગે પકડી તેઓ ગત રાત્રે 1 વાગે અમદાવાદ પહોંચ્યા છે. હવે પોરબંદર પહોંચવાનો સૌથી ઝડપી રસ્તો ફ્લાઇટ હતો. જેથી એરપોર્ટ પર 2 વાગ્યે પહોચ્યા,  ફ્લાઈટનો સમય સવારે 6: 40નો હતો. ચેક ઈન કરવામાં 3 કલાક જેટલા સમયની વાર હોવાથી પરિવારના આગ્રહના કારણે 3-4 દિવસનો થાકેલા અને ઈજાગ્રસ્ત આ યુવાન મામલતદાર વિવેક ટાંક એરપોર્ટની લોનમાં જ 2-3 કલાક માટે ઉંઘી ગયા હતા. જેથી તેઓ ફરજ પર હાજર થતાં ની સાથે વાવાઝોડાની અસરગ્રસ્ત લોકોની મદદ માટે દોડી શકે.

પોરબંદરના મામલતદાર વિવેક ટાંક જેવા હજારોની સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાતમાં આવેલ રહેલ વાવાઝોડાના સમયે લોકોના જાનમાલાનને થતાં નુકશાનથી બચાવવા મેદાનમાં આવી ગયા છે.