મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ અરબી સમુદ્ર તરફથી ભારતના મોટાભાગના રાજ્યોમાં તારાજી સર્જતું આવી રહેલું તૌક્તે ગત રોજ જ્યારે ગુજરાતના તટ પર અથડાયું ત્યારથી જ તેણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન 190 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. જેને કારણે ગુજરાતમાં લેંડફોલ થયું, વીજળીનો પુરવઠો ખોરવાયો, ઘણા ઝાડ ઉખડી ગયા, કેરીના પાકને પણ મોટું નુકસાન થયું. બીજી બાજુ કેટલાક ઘરોને નુકસાન થયું. હવામાન વિભાગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કહ્યું ચક્રવાત ઢીલું પડી રહ્યું છે. અહીં ગીર સોમનાથ બાજુ એક આંબાવાડીમાં તૌક્તે વાવાઝોડાને કારણે કેરીઓનું જે નુકસાન થયું છે તેનો વીડિયો પણ અંતમાં દર્શાવ્યો છે.

તૌક્તેએ ગુજરાતમાં ઉના, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિત લગભગ 17થી વધુ જિલ્લાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. કાચા મકાનો અને માછીમારોની નાવડીઓને પણ ઘણું નુકસાન થયું છે. હાલ તોફાન સુરેન્દ્રનગર-અમદાવાદ તરફ વધી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે વિરમગામથી મહેસાણા સુધી પહોંચતા દરમિયાન તેની તિવ્રતામાં ઘણો ઘટાડો થઈ જશે. તે પછી ગુજરાત ક્રોસ કરી રાજસ્થાન તરફ જઈ તેની તિવ્રતા સાવ ઘટી જશે. 

આ તરફ મુંબઈથી 175 કિલોમીટર દુર દરિયામાં એક ભારતીય જહાજ અનિયંત્રત થઈને વહી ગયું જેમાં સવાર 146 લોકોને બચાવાયા છે અને બાકીનાઓની શોધ કરવામાં આવી રહી છે. એક અધિકારીએ કહ્યું કે બચાવકાર્ય મંગળવાર સવારે પી 81એ તૈનાત કરાયું હતું. તે શોધ અને બચાવ કામગીરી માટે નૌકાદળનું બહુ-મિશન સમુદ્રી પેટ્રોલિંગ વિમાન છે. આ જહાજ પર કુલ 410 લોકો સવાર હોવાની જાણકારી મળી રહી છે. 


 

 

 

 

 

તાઉતે વાવાઝોડાને પગલે ગુજરાતમાં તો લોકોને કામ વગર બહાર નહીં નિકળવાની તાકીદ કરવામાં આવી છે. આજના દિવસ દરમિયાન આ વાવાઝોડાની અસર સમી જવાની આશા છે. આ બાજુ મુખ્યમંત્રી વિજય રુપાણી અને અન્ય સરકારી અધિકારીઓ કર્મચારીઓ ગત રાત્રીથી જ સતત આ વાવાઝોડા પર નજર રાખી રહ્યા છે, 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં  વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી. ગઈ રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની  માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહી સાયકલોન મેનેજમેન્ટની આગવી સંવેદના દર્શાવી હતી.

તેઓએ આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને ગઈ રાત્રિની વાવાઝોડા અને વરસાદની સ્થિતિ, નુકસાની અને રોડ રસ્તા બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી એ રાજ્યના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યસચિવ અનિલ મૂકીમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ કે દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.