મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: સામાન્ય રીતે મોઘીદાટ બાઈક તેમજ લક્ઝરી કાર હંમેશા સ્ટેટસ સિમ્બોલ બની રહ્યા છે. ત્યારે હેલ્થ કોન્સેસ એટલે કે, સુસ્વાસ્થ્ય માટે લોકોમાં સાયકલ ખુબ જ ઝડપથી સ્ટેટસ સિમ્બોલ બની રહી છે. ખાસ કરીને યુવા વર્ગ સહીત લોકો મોટી સંખ્યામાં ફીટ અને હેલ્ધી બોડી જાળવવા માટે સાયકલ ચલાવવા માંડ્યા છે. જેમાં સાયકલીંગ એક શ્રેષ્ઠ કસરત હોવાથી તેમાં શરીરની બધી જ માંસપેશીયોને લાભ મળવા સાથે બોડી એક્ટીવ રહે છે. જેમાં સાયકલ ચલાવવાથી સામાન્ય કસરત સિવાયના પણ ઘણા લાભ થાય છે.

ફાસ્ટફૂડ અને સમયની મારામારી વચ્ચેના સમયમાં સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્યને લગતા ઘણા બધા ફાયદાઓ થાય છે. સાયકલીંગ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે પણ સહાયક થાય છે. તાજેતરમાં જ બ્રિટીશ મેડીકલ જર્નલમાં થયેલા સંશોધન પ્રમાણે નિયમિત રૂપે સાયકલ ચલાવવાથી કેન્સરનો ભય ઓછો થાય છે. આ સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે ઓફીસ સુધી ચાલતા જવા કરતા સાયકલ ઉપર જવું ઘણું જ લાભકારી છે. નિયમિત સાયકલ ચલાવવાથી કેન્સરની બીમારીનો ભય ૪૫ ટકા ઓછો થાય છે. આ સંશોધન દરમિયાન ૨,૪૬,૩૭૭ લોકોને મળી અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમની સરેરાશ ઉંમર ૫૩ વર્ષ હતી.

આ અહેવાલ અનુસાર ખાસ કરીને સાયકલ ચલાવવાથી હૃદયની બીમારીઓ સાથે અકાળે આવતા મૃત્યુ સમયથી પણ બચી શકાય છે. આ બાબતે સંશોધનમાં એ ખુલાસો થયો છે કે, સાયકલ ચલાવવાથી હૃદયની બીમારીઓનો ભય ૪૬ ટકા સુધી ઓછો થઇ જાય છે. જયારે માત્ર ચાલવાથી ૨૭ ટકા સુધી હૃદયની બીમારીઓનો ભય ઘટી જતો હોય છે. આ સંશોધન પ્રમાણે વજન ઓછું કરવા માટે તમારે આ કસરતની સાથે ઓછામાં ઓછી ૨૦૦૦ કેલેરી બર્ન કરવી પડે. જેમાં સ્થિર અને સામાન્ય રીતે સાયકલ ચલાવવાથી દર કલાકે ૩૦૦ કેલેરી બર્ન થાય છે. આથી સાયકલ જેટલી વધારે ચલાવવામાં આવે તેટલી વધારે કેલેરી બર્ન થાય અને શરીરમાંથી ફેટ ઓછું થાય. પરંતુ આ માટે ખુબ જરૂરી છે કે, સાયકલ ચલાવવા સાથે હેલ્ધી ડાયટ પણ લેવું જરૂરી છે.

આરોગ્ય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સાયકલ ચલાવવાથી માત્ર હાર્ટ રેટ જ વધતો નથી. પરંતુ કેલેરીઝ પણ બળે છે. નિયમિત સંકલ ચલાવવાથી શરીરના દરેક ભાગોમાં ફેટ ઓછા થવાની શરૂઆત થઇ જાય છે. સાયકલીંગમાં સૌથી સારી બાબત એ છે કે, કોઈપણ વ્યક્તિ પોતાના દૈનિક કામકાજમાં તેને સામેલ કરી શકે છે. જેમાં ઓફીસ, બજાર, શાળા-કોલેજ વગેરેજગ્યાએ જવા માટે બાઈક-કારના બદલે સાયકલનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ઓછી કીમતે અને કોઈપણ ઉંમરના લોકો સાયકલીંગનો આંનદ માણી શકે છે.