મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: ડિઝિટલ યુગમાં સાઈબર ક્રાઈમનું પ્રમાણ વધ્યું છે. મોડાસામાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી શબનમ નામની યુવતિ સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. જેમાં યુવતિના ખાતામાંથી એક પછી એક 20 હજાર રુપિયા ઉપડી ગયા હતા. સાયબર ગઠીયાઓ દ્રારા કરવામાં આવેલી બેન્કિગ ફ્રોડની ઘટનાઓ અવારનવાર સમાચારના માધ્યમો દ્વારા લોકોને સજાગ કરવા ઉજાગર કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો સાઈબર ક્રાઈમનો ભોગ બનતા હોય છે.
આવી જ એક ઘટના અરવલ્લીના મોડાસામાં બની છે. જેમાં એક યુવતિના ખાતામાંથી એક પછી એક 20 હજાર ઉપડી ગયાં હતાં. “તમારા ખાતાનો ડેબીટ કાર્ડ બ્લોક કરવામાં આવ્યો છે અને તેને પુન: કાર્યરત કરવો હોય તો તમારો ડેબીટ કાર્ડ જણાવો” રોજ આવા કેટલાય કોલ કરી અમુક લોકોને સાયબર ગઠીયાઓ પોતાની જાળમાં ફસાવે છે. ડેબીટ કાર્ડનો નંબર જાણ્યા પછી તેની પાસેથી ઓ.ટી.પી નંબર માંગે છે અને ત્યારબાદ ખાતામાંથી તમામ રકમ સફાચટ કરી નાંખે છે. જેની જાણ ખાતેદારને બેન્કનો મેસેજ આવે ત્યારે થાય છે. પરંતુ ત્યાર સુધીમાં તો ખુબ મોડું થઇ ગયુ હોય છે. મોડાસાના શબનમ બેન પણ આવા બેન્કિંગ ફ્રોડનો ભોગ બન્યા છે. શબનમ બેનના ખાતામાંથી એક પછી એક એમ 20 હજાર ઉપડી ગયા હતાં. જોકે હાલ તેમના ખાતામાં આ નાણા પરત આવ્યાં કે નહીં તે અંગે કોઈ માહિતી મળી નથી.
 
 
 
 
 
સાયબર ક્રાઈમ : મોડાસામાં બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવતી યુવતીનું ડેબિટ કાર્ડ બ્લોક થયાનું જણાવી ગઠિયાએ ૨૦ હજાર ખાતામાંથી સેરવી લીધા#cybercrime #Modasa #Aravalli #gujaratpolice pic.twitter.com/54Ba7wlrDM
— MeraNews Gujarati (@MeraNewsGujarat) September 25, 2020
મોટા ભાગની ઘટનાઓમાં કયા ખાતાધારકે આ છેતરપીંડી કરી આ નાણાં ઉપડ્યા છે તે માહિતી બેન્ક સ્ટેટમેન્ટમાં સ્પષ્ટ હોવા છતા ન બેન્ક કઇ કરી શકે છે ન પોલીસ. નોંધનીય છે કે જ્યારે દર વર્ષે બેન્ક દ્રારા દરેક ખાતાધારકના કે.વાય.સી ની ચકાસણી થતી હોય ત્યારે આ ગઠીયાઓ કોઇ અજ્ઞાત વ્યક્તિ તો હોઇ જ ન શકે. ત્યારે આ ઘટનાઓ એક સુનિયોજીત કાવતરાં તરફ ઇશારો કરે છે. જેની તપાસ ઉચ્ચ કક્ષાએ થાય તો કેટલાય લોકો ભોગ બનતા અટકી શકે છે .