પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદ મ્યૂનિસિપલ કમિશનર વિજય નેહરા ગુજરાતની આઈએએસ લોબીમાં ઘણા વગદાર અધિકારી ગણાય છે. તેમના કામ સહિત તેઓ વિજય રુપાણીની ગુડબુકમાં હોવાને કારણે તેમનું પલડું સરકારમાં ભારે રહ્યું છે. પરંતુ હવે તેમની પત્ની સુમન નેહરાના કારણે વિજય નેહરા ક્ષોભ જનગ સ્થિતિમાં મુકાયા છે. અમદાવાદથી પ્રસિદ્ધ થતા એક અંગ્રેજી અખબારના મહિલા સંપાદક સામે ટ્વીટર હેન્ડલર પર અભદ્ર ટીપ્પણી કરવાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાયબર સેલએ તેમની સામે ગુનો નોંધ્યો છે.

સાયબર સેલમાં ટાઈમસ ઓફ ઈન્ડિયા ગ્રુપના અંગ્રેજી અખબાર અમદાવાદ મિરરના તંત્રી દિપલ ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તા. 27 ફેબ્રુઆરીના રોજ સુમન નેહરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં દિપલ ત્રિવેદી અને તેમના જુના સહકર્મી જાનવી વિરુદ્ધ કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે બંને મહિલાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ દિપલ ત્રિવેદીનું ટ્વીટર એકાઉન્ટ અમદાવાદ મિરરના વ્યવસાયીક હેતુના માટે હોવાને કારણે તેમના અખબારની પ્રતિષ્ઠાને પણ હાની પહોંચી હતી. આ મામલે દિપલ ત્રિવેદીએ આપેલી ફરિયાદની સાયબર સેલએ ખરાઈ કર્યા બાદ સાયબર એક્ટ પ્રમાણે સુમન નેહરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના ઘણા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ ઉત્તમ કામ કરતા હોવા છતાં તેમની પત્નીઓના વ્યવહાર અને વર્તનને કારણે ઘણીવાર તેઓ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ જતા હોવાની અનેક ઘટનાઓ ઘટી છે જે પૈકીની આ એક ઘટના છે.